Categories
વાચન સમૃદ્ધિ

અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર તરાપ છે !

ઇચ્છા અને અપેક્ષાઓના યુદ્ધમાં વ્યક્તિ ખુવાર થઈ જાય છે. એ સતત પોતાના સ્વજનો પાસે અમુક અપેક્ષાઓ રાખે છે. પુત્ર, પત્ની, મિત્ર કે સહયોગી પર એણે પોતાની અપાર અપેક્ષાઓ ટેકવી હોય છે અને તેઓએ એ મુજબ જ વર્તન કરવું જોઈએ તેમ માને છે. પત્ની અપેક્ષા મુજબ વર્તન કરે નહીં તો પતિને દુ:ખ થાય છે. મિષ્ટાન્ન ખાવાની પતિની ઇચ્છા સંતૃપ્ત ન થાય તો એની અપેક્ષાઓ ઘવાતાં ભારે દુ:ખ પહોંચે છે. દરેક પિતા તેજસ્વી અને પ્રભાવશાળી પુત્ર હોય એમ ઇચ્છે છે, પરંતુ સાથોસાથ એ પરમ આજ્ઞાંકિત હોય તેવી અપેક્ષા રાખે છે. પ્રતિભાશાળી અને આજ્ઞાંકિત વચ્ચે વિરોધ પણ જાગે છે, કારણ કે જે પ્રતિભાશાળી હોય છે, એ નિશ્ચિત ચોકઠામાં રહી શકતો નથી. લાદેલાં બંધનો કે દોરેલી લક્ષ્મણરેખામાં કાર્ય કરવું એને માટે મુશ્કેલ હોય છે. એટલે એક બાજુ પુત્ર નવાં નવાં શિખરો સર કરે એવી અપેક્ષા રાખે છે બીજી બાજુ એ પુત્ર આપણી સાથે આપણને ગમતું જ વર્તન કરે એમ ઇચ્છીએ છીએ. અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર સૂક્ષ્મ રીતે લગાવાતી તરાપ છે. માગણી એ અપેક્ષાની જીવાદોરી છે. માગણીની લાગણી સંતોષાય તો અપેક્ષાને સાતા વળે છે. પણ જો માગણીની લાગણી સંતોષાય નહીં તો અપેક્ષા બૂમરેંગ થાય છે અને આઘાત અનુભવેલું હૃદય પ્રત્યાઘાતોથી શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. અપેક્ષાને મનમાં રાખવી જોઈએ, પરંતુ એને હૃદયના સિંહાસન પર બેસાડવી જોઈએ નહીં. મનમાં રહેલી અપેક્ષાનું વિસ્મરણ થઈ શકે, પરંતુ હૃદયના સિંહાસને બઠેલી અપેક્ષા તો સતત સ્મરણથી નિરાશા, કટુતા અને નિ:સાસાને જ નિમંત્રે છે.

Categories
વાચન સમૃદ્ધિ

માલિક કે ગ્રાહક

વિશ્વના અગ્રણી મોટર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડ પોતાના વ્યવસાય અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડે ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈના માલસામાનના ઉત્પાદનમાં રસ લીધો, પરંતુ એમણે મોટર-કારના જથ્થાબંધ ઉત્પાદનથી ક્રાંતિ કરી.  વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારના મૉડલ ‘T’ ઉપરાંત બીજાં અનેક મૉડલો પ્રચલિત બન્યાં હતાં અને મોટરકારના ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાતાં અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પણ ઘણો પ્રભાવ પડ્યો. વિશ્વપ્રસિદ્ધ હેન્રી ફૉર્ડ પોતાના અંગત કામ માટે લંડન શહેરમાં આવ્યા અને બ્રિટનના લોકોને એ જાણીને આશ્ર્ચર્ય થયું કે વિશ્વપ્રસિદ્ધ ફૉર્ડ-કારના નિર્માતા સ્વયં રૉલ્સ રોયસ કારમાં ફરી રહ્યા છે. કોઈએ આ અંગે એમને પૂછ્યું નહીં, પરંતુ જ્યારે તેઓ ઇંગ્લૅન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળવા ગયા, ત્યારે એમણે સવાલ કર્યો, ‘મિ. ફૉર્ડ, તમારી કારના વિજ્ઞાપનમાં તમે લખો છો કે ફૉર્ડ એ જગતની સૌથી સારામાં સારી મોટરકાર છે, તેમ છતાં ઇંગ્લૅન્ડમાં તમે તમારી કંપનીની કારને બદલે બીજી કંપનીની કારમાં કેમ ફરો છો ? આ બાબત ભારે અટપટી લાગે છે.’ ફૉર્ડે કહ્યું, ‘સમ્રાટ, એ વાત તો હું ચોક્કસ કહીશ કે મારી કાર એ વિશ્વની સૌથી ઉત્તમ કાર છે. મારા એ મતમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ તમને શું કહું ? હું મારા મૅનેજરને વારંવાર કહી ચૂક્યો છું કે મારે લંડનમાં ઘૂમવા માટે ફૉર્ડ કારની જરૂર છે, પણ એ કહે છે કે મોટર તૈયાર થતાં જ એ તરત વેચાઈ જાય છે. તેથી મારે માટે સવાલ એ છે કે ફૉર્ડ કાર ગ્રાહકને આપું કે માલિકને આપું ? આને પરિણામે હું ફૉર્ડમાં ફરી શકતો નથી અને તેથી સેકન્ડ બેસ્ટ કાર રૉલ્સ રોયસનો ઉપયોગ કરું છું.’ ફૉર્ડનો આ ઉત્તર સાંભળીને સમ્રાટ ચકિત થઈ ગયા અને લોકોને આ પ્રસંગની જ્યારે જાણ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે ફૉર્ડની અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવ

જ. ૩૦ એપ્રિલ, ૧૯૧૦ અ. ૧૫ જૂન, ૧૯૮૩

તેલુગુ કવિ, ગીતકાર અને ફિલ્મી પટકથાલેખક શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવનો જન્મ વિશાખાપટ્ટનમમાં થયો હતો. પિતા પુડીપેદ્દી વેંકટરામનૈયા અને માતા અટપ્પાકોંડા, પરંતુ તેમને શ્રીરંગમ્ સૂર્યનારાયણ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ શ્રી શ્રીના નામે જાણીતા છે. તેમનું શાળેય શિક્ષણ વિશાખાપટ્ટનમમાં થયું. ૧૯૩૧માં મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા. પછી વિઝાગની એસ.વી.એસ. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. ૧૯૩૮માં ‘દૈનિક આંધ્રપ્રભા’માં સબ-એડિટર બન્યા. બાદમાં દિલ્હી આકાશવાણી અને દૈનિક આંધ્રવાણીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. તેઓ પેન ઇન્ડિયા, સાહિત્ય અકાદમીના સભ્ય, આંધ્રના ક્રાંતિકારી લેખક સંગઠન, આંધ્રપ્રદેશ નાગરિક સ્વતંત્રતા સમિતિ અને પ્રગતિશીલ લેખક સંગઠનના પ્રમુખ તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મ લેખક ઍસોસિયેશનના ઉપપ્રમુખ હતા. તેમણે સાત વર્ષની ઉંમરે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ૧૯૨૮માં ‘પ્રભાવ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. તેમણે પરંપરાગત શૈલીથી ભિન્ન કાવ્યલેખન કર્યું. તેમણે સામાન્ય માણસના રોજિંદા જીવનને અસર કરતા મુદ્દાઓને કવિતામાં પ્રતિબિંબિત કર્યા. તેમણે જુન્નારકરની ‘નીરા ઔર નંદા’(૧૯૪૬)નું તેલુગુ સંસ્કરણ ‘આહુતિ’ (૧૯૫૦) સાથે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો. તેમણે ઘણી તેલુગુ ફિલ્મો માટે પટકથાઓ અને ગીતો લખ્યાં. તેમણે કન્નડ ફિલ્મ ‘કન્યાદાનમ્’ માટે એક જ દિવસમાં ૧૨ ગીતો લખ્યાં હતાં, જે એક રેકૉર્ડ છે. તેમને શ્રેષ્ઠ ગીતકાર માટે ૧૯૭૪નો રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કાર, નંદી પુરસ્કાર, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રાજા-લક્ષ્મી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.