Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ પંડિતા

જ. ૨૩ એપ્રિલ, ૧૮૫૮ અ. ૫ એપ્રિલ, ૧૯૨૨

રાષ્ટ્રીય જાગૃતિની દિશામાં અનેક નવી પહેલ કરનાર, અગ્રગામી સમાજસુધારક, વિદુષી નારી રમાબાઈનો જન્મ કેનેરા ડિસ્ટ્રિક્ટ મદ્રાસ પ્રેસિડન્સીમાં થયો હતો. તેમનાં માતા લક્ષ્મીબાઈ અને પિતા અનંત ડોંગરે મહારાષ્ટ્રિયન ચિત્પાવન બ્રાહ્મણ હતાં. માતા-પિતાએ રમાબાઈને સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનું જ્ઞાન આપ્યું. આ જ્ઞાનને કારણે તેઓ લગભગ ૧૮ હજાર શ્લોકોનું સતત ગાન કરી શકતાં. ૧૮૭૪માં માતાપિતાનું અવસાન થતાં તેઓ ભાઈ સાથે કૉલકાતા પહોંચ્યાં. ત્યાં તેમના જ્ઞાન અને વ્યાકરણ નૈપુણ્યથી પંડિતો, શાસ્ત્રીઓ અને સંસ્કૃત પ્રાધ્યાપકો દિગ્મૂઢ બની ગયા અને જાહેરસભામાં ‘સરસ્વતી’નું બિરુદ આપીને બહુમાન કર્યું. ૧૮૮૦માં તેમણે વકીલ વિપિન બિહારીદાસ સાથે લગ્ન કર્યાં. ૧૮૮૧માં તેમને ત્યાં કન્યા મનોરમાનો જન્મ થયો અને એકાદ મહિનાની અંદર તેમના પતિ કોગળિયા(કૉલેરા)નો ભોગ બની અવસાન પામ્યા. એકલાં પડેલાં રમાબાઈ પુણે ગયાં અને ત્યાં સામાજિક કાર્યો કરવા માટે ‘આર્યમહિલાસમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે મરાઠીમાં ‘સ્ત્રી ધર્મનીતિ’ નામનું પુસ્તક લખ્યું. તેમાંથી મળેલા પૈસામાંથી દીકરીને લઈને તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યાં. અહીં મઠમાં સેવાભાવી ધર્મસેવિકાઓથી પ્રભાવિત થઈને ૧૮૮૩માં દીકરી સાથે તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તેમનાં કાર્યોની સુવાસ અમેરિકા સુધી ફેલાતાં તેમને અમેરિકા જવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે ‘ઉચ્ચવર્ણીય મહિલા’ (High-cast Hindu Woman) નામનું પુસ્તક લખ્યું. લોકમત જાગૃત કર્યો. ભારતની હિંદુ બાળ-વિધવાઓને મદદરૂપ થવા બૉસ્ટનમાં ‘રમાબાઈ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. મુંબઈ પાછા આવીને વિધવાઓને રહેવા માટે ‘શારદા સદન’ની સ્થાપના કરી જેનો તીવ્ર વિરોધ થયો, પરંતુ તેઓ ડગ્યાં નહીં. તેમણે પ્લેગ, દુકાળ વગેરે જેવી આફતોના સમયે લોકોને ખૂબ મદદ કરી. ૧૯૦૫માં તેમણે પુણે નજીક કેડગાંવમાં છાપખાનું સ્થાપી આશ્રિત સ્ત્રીઓને કામ શિખવાડ્યું. આજે પણ કેડગાંવમાં તેમણે સ્થાપેલ ‘મુક્તિમિશન’ સંસ્થામાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બને તેવું શિક્ષણ અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

અનુભૂતિ બની પ્રતીતિ

થિયેટરોથી ઊભરાતા અમેરિકાના પ્રસિદ્ધ બ્રૉડવેમાં નિર્માતા ફ્લોરેન્સ ઝીગફેલ્ડ નાટ્યજગતમાં એક જાદુગર તરીકે જાણીતા હતા. તેઓ તદ્દન સામાન્ય સ્ત્રી કે પુરુષને કુશળ અભિનેતા કે અભિનેત્રીમાં પરિવર્તિત કરી શકવાની અપ્રતિમ કલા ધરાવતા હતા. સાવ સામાન્ય વસ્ત્રોવાળી અને સાધારણ દેખાવ ધરાવતી સ્ત્રીમાં પણ અભિનયની સતત તાલીમ અને પરિશ્રમથી અસાધારણ ફેરફાર કરી શકતા. રસ્તે કોઈની નજરે પણ ન ચડે એવી સ્ત્રીને આ નિર્માતા એને અતિ સુંદરતા અને પ્રબળ આકર્ષકતા સાથે રંગભૂમિ પર રજૂ કરી શકતા. સહુને આશ્ચર્ય થતું કે ફ્લોરેન્સ ઝીગફેલ્ડ કઈ રીતે આવું પરિવર્તન સર્જે છે ? ફ્લોરેન્સ ઝીગફેલ્ડનો એક સિદ્ધાંત હતો કે પ્રત્યેક વ્યક્તિને આત્મસન્માન આપવું. એનો આત્મવિશ્વાસ વધારવો. પોતાની જાતને સાવ સામાન્ય માનતી વ્યક્તિને એની જાત વિશેની સામાન્યતાની દૃઢ અને બંધિયાર માન્યતામાંથી બહાર લાવવી. એના મનમાં પલાંઠી મારીને આસન જમાવી બેઠેલી લઘુતાગ્રંથિને દૂર કરવી. જીવન વિશેના નૅગેટિવ અભિગમને પૉઝિટિવ બનાવવો અને એમની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય, તે માટે અવિરત પ્રયાસ કરવો. આવા માનસિક અભિગમની સાથે વ્યવહારુ દૃષ્ટિ પણ અપનાવતા હતા. અઠવાડિયે માત્ર ત્રીસ ડૉલર મેળવતી યુવતીઓનું મહેનતાણું એમણે ૧૭૫ ડૉલર કર્યું ! નવોદિત કલાકારોની શક્તિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા. નાટકના પ્રથમ પ્રયોગ વખતે એ મુખ્ય કલાકારોને શુભેચ્છાના તાર મોકલતા અને રંગમંચ પર કામ કરતી યુવતીઓની ‘અમેરિકન બ્યૂટી’ તરીકે પ્રશંસા કરીને એમનામાં રહેલા આત્મવિશ્વાસને જગાડતા, એટલું જ નહીં, પણ તેઓ આગવી નાટ્યકલા ધરાવતા પ્રતિભાવાન કલાકાર છે એવી અનુભૂતિ કરાવતા. આને પરિણામે કલાકાર જીવ રેડીને અભિનય કરતો તથા ફ્લોરેન્સ ઝીગફેલ્ડની શાબાશીને યોગ્ય પુરવાર થવા પ્રયત્ન કરતો. આ અનુભૂતિ કલાકારની પ્રતીતિ બની જતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

બી. આર. ચોપરા

જ. ૨૨ એપ્રિલ, ૧૯૧૪ અ. ૫ નવેમ્બર, ૨૦૦૮

બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. તેમનું પૂરું નામ બળદેવ રાજ ચોપરા હતું. તેમનો જન્મ લાહોરમાં ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્ય અને કળા તરફ રુચિ હતી. લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ. થયા. કૉલેજકાળ દરમિયાન લલિત નિબંધો અને ટૂંકી વાર્તાઓ લખતા. અહીં તેમણે ૧૯૪૫ના ગાળામાં ‘સિને હેરલ્ડ’ નામનું સામયિક શરૂ કર્યું હતું. દેશના ભાગલા પડતાં ૧૯૪૭ના ઑગસ્ટમાં મુંબઈ આવ્યા. તેમણે ૧૯૫૨માં ‘શોલે’ અને ૧૯૫૪માં ‘ચાંદની ચોક’ નામે ફિલ્મો બનાવી, જે ખૂબ સફળ રહી. ૧૯૫૫માં સ્વતંત્ર બૅનર સાથે બી. આર. ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી. આ બૅનર તળે બનેલી સૌપ્રથમ ફિલ્મ હતી ‘એક હી રાસ્તા. તેઓ દરેક ફિલ્મમાં સ્વચ્છ મનોરંજન સાથે સમાજના નીતિરીતિ અને વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પડે તેનું ધ્યાન રાખતા. રસિક કથાનક, છટાદાર સંવાદો અને કલાત્મકતા તેમની વિશેષતા હતી. ‘નયાદૌર’, ‘સાધના’, ‘ધૂલ કા ફૂલ, ‘કાનૂન’, ‘ધર્મપુત્ર’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાજ’, ‘આદમી ઔર ઇન્સાન’ જેવી સફળ, યાદગાર અને ભાવનાત્મક ફિલ્મો તેમણે બનાવી હતી. તેમણે પોતાની સર્જનાત્મકતાથી ફિલ્મોનું સર્જન કર્યું હતું. જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે દૂરદર્શનના નાના પડદા માટે ફિલ્મો બનાવેલી. ધારાવાહિક શ્રેણી ‘મહાભારત’ તેમનું એક અમર અને અણમોલ સર્જન છે. આ માટે ચોપરાને ખૂબ યશ, ધન અને નામના મળ્યાં છે. તેમને ‘કાનૂન’ના દિગ્દર્શન માટે ૧૯૬૨માં ‘ફિલ્મફેર ઍવૉર્ડ, ૨૦૦૮માં ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા હતા. ૨૦૦૧માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.