Categories
વાચન સમૃદ્ધિ

જાલોર

રાજસ્થાનના ૩૩ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન ૨૫ ૨૧´ ઉ. અ. ૭૨ ૩૭´ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે બાડમેર જિલ્લો, પૂર્વ તરફ પાલી અને શિરોહી જિલ્લાઓ અને ઉત્તર તરફ જોધપુર જિલ્લો છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૦,૬૪૦ ચોકિમી. અને વસ્તી ૧૮,૩૦,૧૫૧ (૨૦૧૧) છે. જાલોર જિલ્લાનો મોટો ભાગ શુષ્ક રણપ્રદેશ છે. વચ્ચે રેતીના ઢૂવા અને છૂટીછવાઈ ટેકરીઓ આવેલાં છે. આ ટેકરીઓ આશોર, દોરા, ભીનમાલ અને બકવાસ આસપાસ આવેલી છે. ઊંચાઈ આશરે ૭૩૬ મી. છે. આ પ્રદેશમાં થઈને જાવાઈ, ખારી, સાગી અને સુકલ નદીઓ વહે છે જે લૂણીને મળે છે. અહીં ઉનાળામાં મે માસમાં તાપમાન ૪૪ સે. અને શિયાળામાં જાન્યુઆરીમાં ૮ સે. રહે છે. સમુદ્રથી આ પ્રદેશ દૂર હોવાથી આબોહવા વિષમ છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. પ્રદેશમાં ૨૫૦ મિમી.થી ૫૦૦ મિમી. વરસાદ પડે છે પણ તે અનિયમિત પડે છે. ઉનાળાની શરૂઆતમાં વાવાઝોડાને કારણે રેતી ખૂબ ઊડે છે. વરસમાં આવાં ૯થી ૧૫ જેટલાં વાવાઝોડાના પ્રસંગો બને છે.

જાલોરનો કિલ્લો

અહીં ઘાસનાં બીડ તથા કાંટાવાળાં, ઊંડાં મૂળવાળાં કુમતા, હિંગોર, આલર, રોહીડા, ગોલ, લીંબડો, જાળ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. રીંછ, શિયાળ, જંગલી બિલાડી, લોંકડી, છીંકારાં, સસલાં, રોઝ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ચકલી, બુલબુલ, બયા, પોપટ, કોયલ, ગીધ, કાબર, કાગડો વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઉપરાંત, કાળોતરો નાગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મારવાડી ઘેટાં-બકરાં સારી ગુણવત્તાનું ઊન આપે છે. જાલોરી ગાય અને જાલોરી ઘોડા સારી ઓલાદનાં છે. અહીં ફીલાઇટ, શિસ્ટ, આરસ, ક્વાર્ટ્ઝાઇટ, ગ્રૅનાઇટ અને રહાયો- લાઇટ મુખ્ય ખડકો છે. ગુલાબી અને ભૂખરા ગ્રૅનાઇટ અને જાલાની રહાયોલાઇટ પથ્થરો જાણીતા છે. થોડા પ્રમાણમાં ફ્લોરાઇટ પણ મળે છે. જિલ્લામાં ૬,૦૭,૫૫૦ હેક્ટરમાં ખેતી થાય છે, જ્યારે ૧૭,૦૪૪ હેક્ટરમાં જંગલો છે. ૨,૫૧,૨૬૧ હેક્ટર જમીન ગૌચરની અને પડતર છે. જુવાર, બાજરી, ચણા, કઠોળ અને ઘઉં મુખ્ય પાક છે. પાણીની સગવડ હોય ત્યાં ડાંગર ને તમાકુ થાય છે. જિલ્લામાં જાવાઈ નદી ઉપર બંધ બાંધીને નહેરો વાટે ખેતી માટે પાણી અપાય છે. કૂવા દ્વારા મુખ્યત્વે સિંચાઈ થાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે લઘુઉદ્યોગો આવેલા છે. આહોરમાં પાવરલૂમ ઉપર સુતરાઉ કાપડ વણાય છે. ભીનમાલમાં તેલની મિલ છે. જાલોરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનું કારખાનું છે, જ્યારે સાંચોરમાં લાકડાની વસ્તુઓ બને છે. ગુજરાતમાંથી અમદાવાદ-પાલનપુર અને આબુરોડથી જતી મીટર ગેજ રેલવે જાલોર થઈને પાકિસ્તાનની સરહદે બાડમેર સુધી જાય છે. બાડમેરથી બિશનગઢ, સંગેરાવ અને બરનેસરથી કેનિયા થઈને સાંચોર સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ જાય છે. જાલોર, ભીનમાલ, આહોર અને સાંચોર જિલ્લાનાં મુખ્ય શહેરો છે. વરાહ શ્યામ, ચંડીનાથ મહાદેવ, હનુમાનજી તથા ચામુંડાનાં મંદિરો ચૌહાણ રજપૂતોએ બંધાવ્યાં છે. ભીનમાલ કે ભિન્નમાલ ઉર્ફે શ્રીમાલ ગુર્જર પ્રતિહાર રાજાઓની રાજધાનીનું શહેર હતું અને અહીંથી શ્રીમાળી બ્રાહ્મણ, વણિકો, સોની તથા પોરવાડ વણિકો વગેરે સ્થળાંતર કરી ગુજરાતમાં વસ્યા હતા. સાંચોર અને જાલોરના બ્રાહ્મણો ગુજરાતમાં વસ્યા હતા. તે રેલવે દ્વારા તથા રસ્તા દ્વારા જોધપુર સાથે જોડાયેલું છે. ખેતીના પાકો માટેનું મુખ્ય બજાર કે વેપારી કેન્દ્ર છે. બારમી સદીમાં ચૌહાણ રાજપૂતોની રાજધાનીનું શહેર હતું. ૧૩૧૦માં અલ્લાઉદ્દીન ખલજીએ જીતી લીધું. શહેરના બહારના ભાગમાં અગિયારમી સદીનો કિલ્લો છે. તેનું પ્રાચીન નામ જાબાલિપુર છે અને તે જૈન ધર્મનું કેન્દ્ર હતું. જિલ્લાનું વેપારી અને શૈક્ષણિક કેન્દ્ર છે. રામદેવજી અને સુધામાતાના મેળા ભાદરવા સુદ તેરસથી પૂનમ દરમિયાન ભરાય છે. આ ઉપરાંત જાલોર, ચનોદર, મુન્થાલી અને સિળિમાં શીતળા માતાના મેળા ભરાય છે. સતી માતાનો મેળો પણ પ્રખ્યાત છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંકરલાલ ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

વૃંદાવનલાલ વર્મા

જ. ૯ જાન્યુઆરી, ૧૮૮૯ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯

હિન્દી નાટ્યકાર તથા નવલકથાકાર વૃંદાવનલાલનું ઐતિહાસિક અને પૌરાણિક ઉપન્યાસના વિકાસ માટે યોગદાન મહત્ત્વનું છે. તેઓએ ઐતિહાસિક ઘટનામાં અને પાત્રોની પ્રમાણભૂતતાની પરખ કરીને તેનો ઉપયોગ પોતાની નવલકથાઓમાં કર્યો છે. તેઓ ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે અને ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારા રચનાકાર છે. એમણે મધ્યકાળનો સમય પસંદ કર્યો છે. જે અરાજકતા અને અંધકારનો માહોલ છે. પંદરમી સદીમાં સિકંદર લોદીના સમયમાં ગુજરાત, માલવા, રાજસ્થાન વગેરેમાં અરાજકતા હતી. તે સમયે સ્ત્રીઓનાં અપહરણ, મારફાડ, વટાળપ્રવૃત્તિ જેવી દુનીતિઓ વચ્ચે ગ્વાલિયરના રાજવી માનસિંહ તોમર અને એમની રાણી મૃગનયનીનાં પ્રેમ, શૌર્ય અને ઉચ્ચ મૂલ્યોની કથા ‘મૃગનયની’ નવલકથામાં પ્રસ્તુત કરી છે. ‘રાની દુર્ગાવતી’, ‘વિરાટ કી પદ્મિની’, ‘કચનાર’ અને ‘ભુવન વિક્રમ’ જેવી ઐતિહાસિક નવલકથાઓ જાણીતી છે. તેમની નવલકથાઓમાં પ્રેમ અને યુદ્ધ કેન્દ્રમાં છે, જેના કારણે ઇતિહાસ વધારે રસિક બને છે. તેમની નવલકથાઓમાં બુંદેલખંડનાં લોકજીવન, પ્રકૃતિ અને પરિવેશનું જીવંત ચિત્રણ કર્યું છે. તેઓને ઉત્કૃષ્ટ સાહિત્ય માટે હિન્દી સાહિત્ય સંમેલન તથા આગ્રા વિશ્વવિદ્યાલય તરફથી ડિ.લિટ.ની માનદ પદવી મળી છે. ભારત સરકાર દ્વારા તેઓને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય જગતમાં તેઓના કામની પ્રશંસા થઈ છે. ‘ઝાંસી કી રાની’ માટે તેઓને ‘સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. તેમની લખેલી સામાજિક ઉપન્યાસ પર આધારિત હિન્દી ફિલ્મ ‘સંગમ’ અને ‘લગાન’ બની છે. એમની નવલકથાઓનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કડવી ચીરનું સુખ !

મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક વાર એક જંગલમાં આ ગુલામ સાથે શિકાર ખેલવા ગયેલો મહમૂદ ગઝનવી રસ્તો ભૂલ્યો. ખૂબ ભૂખ લાગી. પાસેનું ખાવાનું ખૂટી ગયું. એવામાં એક બગીચો જોયો. એના એક વૃક્ષ પર એક પાકેલું ફળ જોયું. બાદશાહ અને ગુલામ બંને ખૂબ ભૂખ્યા હતા. મહમૂદ ગઝનવીએ એ ફળ તોડ્યું અને એનો પહેલો ટુકડો ગુલામને ખાવા આપ્યો. આમેય એ પોતાનું ભોજન લેતાં પહેલાં દરેક વાનગીમાંથી થોડું ગુલામને ખાવા આપતો અને પછી પોતે ભોજન લેતો. આથી ખોરાકમાં ઝેર ભેળવ્યું હોય તો પોતાને કશો વાંધો ન આવે. એમાં પણ આ ફળ કયા પ્રકારનું છે એની બેમાંથી કોઈને જાણ ન હતી. કોઈ ઝેરી ફળ હોય તો શું થાય ? મહમૂદ ગઝનવીએ ફળની પહેલી ચીરી કરીને ગુલામને આપી. ગુલામ એ ચીર ખાઈ ગયો અને બીજી માગી. પછી ત્રીજી, ચોથી અને પાંચમી ચીર ગુલામ માગતો જ ગયો અને મહમૂદ ગઝનવીએ એને આપી. હવે છેલ્લી ચીર રહી હતી. ગુલામે એ માગી. બાદશાહે પ્યારા ગુલામને કહ્યું, ‘આ એક બાકી રહેલી છેલ્લી ચીર તો મને ખાવા દે.’ ગુલામે કહ્યું, ‘ના માલિક. મને ખાવા દો. મને આપો. એમ કહીને બાદશાહના હાથમાંથી એ ચીર છીનવી લેવાની કોશિશ કરી.’ મહમૂદ ગઝનવી અકળાયો. બાદશાહ સામે આવી ગુસ્તાખી ! આ ગુલામને એની હેસિયત અને મારી ભૂખનો કશો ખ્યાલ નથી ! આથી ગુલામ હાથમાંથી ચીર ઝડપે એ પહેલાં પોતે જ એને મોંમાં મૂકીને ખાવા લાગ્યા. તરત જ મોંમાંથી એ ચીર ફેંકી દેતાં મહમૂદે કહ્યું, ‘અરે ! આ તો કડવી ઝેર જેવી ચીર છે અને તું આટલી બધી ચીર ખાઈ ગયો ? કહેવું તો હતું કે કડવું વખ ફળ છે. તું તો વધુ ને વધુ માગતો રહ્યો. જાણે કોઈ અમૃત ફળ ન હોય !’ ગુલામે કહ્યું, ‘બાદશાહ, જિંદગીમાં ઘણી મધુર ચીજો આપના હાથે આપી છે. એનાથી મારી જિંદગી રોશન થઈ છે. એકાદ કડવી ચીજ એ જ હાથ પાસેથી મળે તો તેમાં વાંધો શું ? તમારા હાથે મને કેટલું બધું સુખ આપ્યું છે ? હવે એની પાસેથી થોડુંક દુઃખ મળે તો તે પણ સદભાગ્ય ગણાય. જે કંઈ આપના હાથના સ્પર્શથી મળે, તે બધાથી હું ધન્યતા અનુભવું છું.’

માનવી જીવનમાં પોતાના સ્વજનો પાસેથી સદૈવ સુખની આશા રાખે છે, કિંતુ પૂર્ણ સુખ કદી કોઈને પ્રાપ્ત થયું છે ખરું ? સુખના સાગરમાં દુ:ખની સરિતાનો સંગમ સધાતો હોય છે. મધુર ફળોની સાથે ક્યારેક કડવી ચીર પણ ખાવી પડે છે.

કુમારપાળ દેસાઈ