Categories
વાચન સમૃદ્ધિ

જામિની રૉય

જ. ૧૧ એપ્રિલ, ૧૮૮૭ અ. ૨૪ એપ્રિલ, ૧૯૭૨

બંગાળ શૈલીમાં ચિત્રસર્જન કરનાર એક અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર. તદ્દન સપાટ (flat) ભાસતાં તેમનાં ચિત્રો પર બંગાળ અને ઓડિશામાં તદ્દન નજીવી કિંમતે વેચાતાં ‘બાઝાર’ (Bazaar) અને કાલીઘાટ ચિત્રો અને આધુનિક યુરોપિયન ચિત્રશૈલીઓમાંથી ‘ફોવીઝમ’ ચિત્રશૈલીનો પ્રભાવ છે.

બાંકુરા જિલ્લાના સમૃદ્ધ કાયસ્થ બ્રાહ્મણ જમીનદાર પરિવારમાં તેમનો ઉછેર થયો. સોળ વર્ષની ઉંમરે કૉલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં વાઇસ પ્રિન્સિપાલ તથા બંગાળ ચિત્રશૈલીના સ્થાપક કલાકાર અવનીન્દ્રનાથ ટાગોર હેઠળ જીવતાં મૉડલોને તેલના માધ્યમમાં સંપૂર્ણ નગ્ન ચીતરવાનો કસબ શીખ્યા. ૧૯૦૮માં આ કૉલેજનો ડિપ્લોમા મેળવ્યો. પ્રિન્સિપાલ ઈ. બી. હાવેલની સૂચનાથી બંગાળની બઝાર અને કાલીઘાટ શૈલી ઉપરાંત સાંથાલ આદિવાસીઓની આદિમ (Primitive) કલાનાં લક્ષણોને આત્મસાત્ કર્યાં, પરિણામે રૉયની કલા તદ્દન સપાટ આભાસ ઊભો કરતી થઈ. તેઓ રોજનાં દસ ચિત્રો સર્જતા રહેતા અને તેમનાં ચિત્રોની કુલ સંખ્યા વીસ હજારને પાર કરી ગઈ. દેશવિદેશમાં અનેક સ્થળે તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં. તેમણે સમગ્ર જીવન કૉલકાતામાં પસાર કર્યું. પોતે કાલીઘાટ શૈલીમાં કામ કરતા હોવાથી તે પોતાને ‘પટુવા’ એટલે કે પટ ચીતરનાર ચિત્રકાર કહેવડાવતા. તેમનાં ચિત્રો દિલ્હી ખાતેની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લંડન ખાતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તથા કૉલકાતા ખાતેના ઇન્ડિયન મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. ૧૯૫૬માં તેઓ કેન્દ્રીય લલિતકલા અકાદમીના ફેલો તરીકે નિમાયા હતા.

૧૯૩૪માં ત્યારના વાઇસરૉયે તેમને સુવર્ણચંદ્રકથી નવાજ્યા હતા. ૧૯૫૪માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સોળ વર્ષનું સરવૈયું

અબ્રાહમ લિંકને સ્પ્રિંગફિલ્ડમાં પચીસ વર્ષ સુધી વકીલાત કરી. પાંચ વર્ષ સુધી મેજર સ્ટુઅર્ટ સાથે, ત્રણ વર્ષ સુધી લોગન સાથે વકીલાતમાં ભાગીદારી કરી. એ પછી ૧૮૪૩માં વિલિયમ હર્નડન સાથે વકીલાતમાં ભાગીદારી રાખી. વકીલ તરીકે નામના પ્રાપ્ત કરવાની સાથે રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરી અને એમણે અમેરિકાનું પ્રમુખપદ પ્રાપ્ત કર્યું. વકીલાતને અને સ્પ્રિંગફિલ્ડને છોડવાની પૂર્વરાત્રિએ અબ્રાહમ લિંકન વિદાય લેવા માટે ઑફિસમાં ગયા. એમનો વર્ષો જૂનો ભાગીદાર વિલિયમ હર્નડન એમની સાથે હતો. અબ્રાહમ લિંકને પોતાનું બાકીનું કામ પૂર્ણ કર્યું. હિસાબ પતાવ્યો અને પછી ઑફિસની સૌથી પુરાણી ખુરશી પર બેસીને હર્નડન સાથે વાતે વળગ્યા.

વિદાય પ્રસંગે બંનેનાં હૃદય ગળગળાં થઈ ગયાં. બંને થોડી વાર મૌન રહ્યા, પછી લિંકને કહ્યું, ‘આપણે સાથે કામ કર્યાંને કેટલાં વર્ષો થઈ ગયાં ?’

‘આશરે સોળ વર્ષથી વધુ.’

‘અને છતાં કોઈ દિવસ આપણે એકબીજા સાથે ઊંચા સાદે બોલ્યા નથી.’

હર્નડને કહ્યું, ‘કદાપિ નહીં.’ અને પછી બંને મિત્રોએ વીતેલાં વર્ષોના અનુભવોનું આનંદપૂર્વક સ્મરણ કર્યું. લિંકન પોતાને ઉપયોગી પુસ્તકો લઈને હર્નડન સાથે નીચે ઊતરતા હતા, ત્યારે ઑફિસની બહાર લટકાવેલા જૂના પાટિયા પર નજર કરીને લિંકને કહ્યું, ‘દોસ્ત, આપણા નામનું આ પાટિયું ક્યારેય કાઢી નાખતો નહીં. હું દેશનો પ્રમુખ થયો, તેથી આપણી ઑફિસમાં કોઈ ફેર પડતો નથી. જો મારે ફરી અહીં પાછા આવવાનું બનશે, તો આપણે જિંદગીમાં જાણે કશું બન્યું નથી તેમ, ફરી પાછું આપણું વકીલાતનું કામકાજ સાથે ચાલુ કરી દઈશું.’

દાદરો ઊતરતાં પહેલાં લિંકને પોતાની ઑફિસ પર છેલ્લી નજર કરી. એક ઊંડો નિશ્વાસ નાખ્યો. પરસ્પરની વિદાય લીધી અને વિદાય વેળાએ બંને મિત્રોની આંખોમાં આંસુ ઊભરાઈ રહ્યાં !

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ધનંજય રામચંદ્ર ગાડગીલ

જ. ૧૦ એપ્રિલ, ૧૯૦૧ અ. ૩ મે, ૧૯૭૧

ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. તેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. બાળપણ નાગપુરમાં વીત્યું. તેમણે ૧૯૧૪માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને ૧૯૧૮માં ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને  અર્થશાસ્ત્ર વિષયમાં પદવી પ્રાપ્ત કરી. તેમણે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇવૉલૂશન ઇન ઇન્ડિયા ઇન રિસન્ટ ટાઇમ્સ’ શીર્ષક નીચે શોધપ્રબંધ લખ્યો એ પુસ્તક રૂપે વર્ષો સુધી ભારતના આર્થિક ઇતિહાસનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક રહ્યું હતું.

૧૯૨૩માં તેઓ ભારત પાછા ફર્યા. તેમણે સૂરતની એમ.ટી.બી. કૉલેજના આચાર્ય તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.

તેઓ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના પ્રથમ નિયામક થયા. ગાડગીલ સંખ્યાબંધ સહકારી સંગઠનો સાથે સભ્ય કે અધ્યક્ષ તરીકે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે સહકારી ધોરણે ખાંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું. ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે યાદગાર ભૂમિકા ભજવી. તેમના અંગત જીવનમાં તે સાદા અને શિસ્તબદ્ધ હતા અને નીતિ તથા ધર્મની બાબતમાં ભારે ઉદામવાદી વિચારો ધરાવતા હતા. તેમના અવસાન પછી 1972માં નાગપુરમાં ધનંજયરાવ ગાડગીલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કો-ઑપરેટિવ મૅનેજમેન્ટ (DGICM) શરૂ કરવામાં આવી. ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી. કોઈ અર્થશાસ્ત્રીના નામની ટિકિટ બહાર પડી હોય તેવો ભારતમાં આ પહેલો બનાવ છે.