Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦ અ. ૧૪ ઑગસ્ટ, ૨૦૦૮ ગુજરાતી કવિ, સમાજસેવક અને ગાંધીભક્ત ડાહ્યાભાઈનો જન્મ ખેડા જિલ્લાના સુણાવ ગામમાં થયો હતો. ૧૯૪૬માં ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા અને બૅરિસ્ટર થયા.

તેમણે આફ્રિકા જઈ યુગાન્ડામાં વકીલાત શરૂ કરી. સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજસેવા શરૂ કરી, સ્થાનિક પ્રજાના આદર અને વિશ્વાસ પ્રાપ્ત કરવા સાથે સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. તેમની સમાજસેવાને પરિણામે તેઓ યુગાન્ડાની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવ્યા. ઇદી-અમીનની જુલ્મી નીતિઓનો વિરોધ કરવાને કારણે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ત્યાંથી ભારતવાસીઓની હિજરત સમયે ૧૯૭૨માં લંડન આવી વસ્યા. લંડનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થાપી. ગાંધીજીના જીવન પર ‘મોહનગાંધી મહાકાવ્ય’ નામે અનેક કાવ્યગ્રંથોમાં વિસ્તાર પામેલું દીર્ઘપ્રશસ્તિ કાવ્ય લખ્યું. ૧૪ ગ્રંથોમાંથી ૧૧ ગ્રંથો પ્રગટ થયા છે. તેમણે ૧૫ નવલકથાઓ અને ૯ વાર્તાસંગ્રહોનું સર્જન કર્યું છે. તેમનું શ્રીમદ્ ભગવદગીતા વિશેનું ચિંતનાત્મક પુસ્તક નોંધનીય છે. ગુજરાતી ભક્ત કવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજી ભાષાંતર પણ તેમણે કર્યું છે. ડાહ્યાભાઈ ભારતીય વિદ્યાભવનના પણ સક્રિય સભ્ય હતા.

ગાંધીજી વિશેના મહાકાવ્યનો કેટલોક ભાગ તેમણે સંસ્કૃતમાં લખલો છે. લંડનમાં રહીને પણ ગાંધી-પ્રશસ્તિનાં અનેક કાવ્યો લખી પ્રગટ કરનાર ગાંધીભક્ત ડાહ્યાભાઈએ જીવનની અંતિમ ઘડી સુધી સાહિત્યસર્જન ચાલુ રાખ્યું હતું. તેમને ૧૯૮૯ના ‘વિશ્વગુર્જરી’ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
સાંપ્રત કાર્યક્રમો

પરિભાષાકોશ ગ્રંથ વિમોચન

વિખ્યાત કૅન્સર નિષ્ણાત અને ભાષાવિદ ડૉ. શિલીન શુક્લ દ્વારા તૈયાર થયેલા પરિભાષાકોશનું બે ભાગમાં પ્રાગટ્ય

તારીખ : 1 ઑક્ટોબર 2024 સમય : સાંજના 5.30

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ભવન, શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, રમેશપાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ

અતિથિ વિશેષ : ડૉ. પંકજ શાહ અને ડૉ. ઉર્વીશ વસાવડા

પરિભાષાકોશ વિશે : તબીબી વિદ્યાશાખા સાથે જોડાયેલા શબ્દોનો આ કોશ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત કરી રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિમાં વર્ષોથી કાર્યરત છે અને તેણે આ પ્રકારનાં નોંધપાત્ર પ્રકાશનો કરેલ છે. સ્વ. ડૉ. શિલીન શુક્લ વિશ્વકોશ સાથે ઘણા વખતથી જોડાયેલા હતા અને તેમનું એક સ્વપ્ન હતું તે આ તબીબી વિદ્યાશાખાના શબ્દોનો પરિભાષાકોશ. આ કાર્ય માટે તેમણે અકલ્પનીય મહેનત કરીને આખો પરિભાષાકોશ તૈયાર કર્યો, પણ કમનસીબે છેલ્લું થોડું કામ બાકી હતું ત્યાં તેમણે અણધારી વિદાય લીધી. હવે તેમની એક ઇચ્છાની પૂર્તિ તરીકે આ પ્રકાશન થવા જઈ રહ્યું છે એ આનંદની વાત છે. આ પરિભાષાકોશ એ માત્ર શબ્દોનું ભાષાંતર જ નથી, પણ તે વિશે વિગતે માહિતી પણ આપે છે.આ કોશમાંથી પસાર થનાર દરેકને શિલીનભાઈના સંસ્કૃતના જ્ઞાન અને આ કોશ માટેની તેમની પ્રતિબદ્ધતાની અનુભૂતિ જરૂર થશે. આમાંથી પસાર થનાર એ જોઈ શકશે કે એમણે માત્ર અર્થ અને વિવરણ જ નથી આપ્યાં, પણ એ વિશે ખૂબ જ વિગતથી સમજણ આપી છે. મોટા ભાગે જે શબ્દ હોયતેના પર્યાયવાચી શબ્દોની પણ વિશદ છણાવટ કરી છે. આમ, સાચા અર્થમાં પરિભાષાકોશ એન્સાઇક્લોપીડિયા બની રહે તેમ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચલણી નોટ

આધુનિક જમાનામાં વૈશ્વક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે; જ્યારે વધુ મૂલ્યવાળા નાણાકીય એકમો માટે બૅંકનોટો ચલણમાં રખાતી હોય છે.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સૉંગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સૉંગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી. તાંબાના બનેલા સિક્કાઓ વ્યાપારવાણિજ્યના વિનિમયવ્યવહારમાં વજનની દૃષ્ટિએ પ્રતિકૂળ જણાતાં તાંગ વંશજોએ બૅંકનોટો ચલણમાં આણી. મૉંગોલ સામ્રાજ્યમાં યુઆન વંશના શાસન દરમિયાન તેનો અમલ શરૂ થયો. યુરોપના દેશોમાં ચૌદમી સદીમાં વિનિમયના માધ્યમ તરીકે બૅંક-નોટ દાખલ કરવામાં આવી અને સત્તરમી સદીમાં તો તેનો વ્યવસ્થિત રીતે વ્યવહાર થવા લાગ્યો. તે પૂર્વે સોના કે ચાંદી જેવી કીમતી ધાતુઓના સિક્કાઓ વિનિમયના માધ્યમ તરીકે પ્રચલિત હતા; પરંતુ જેમ જેમ વાણિજ્ય અને વ્યાપારમાં વિનિમયના વ્યવહારોનું વિસ્તરણ થતું ગયું તેમ તેમ ધાતુના પુરવઠાની અછતને કારણે તેના સિક્કાઓ બનાવવા મુશ્કેલ થતા ગયા. વળી ધાતુના સિક્કાઓ દ્વારા વ્યાપારવાણિજ્યના વ્યવહારોમાં નડતી મુશ્કેલીઓ ક્રમશ: વધુ ને વધુ છતી થતી ગઈ, જ્યારે ભિન્ન ભિન્ન મૂલ્ય ધરાવતી કાગળની નોટો મારફત વ્યવહાર કરવો કેટલો અનુકૂળ છે તે જણાતું ગયું. ૧૬૯૬માં બૅંક ઑવ્ સ્કૉટલૅંડ એ સર્વપ્રથમ વ્યાપારી બૅંક હતી જેણે સફળ રીતે બૅંકનોટો ચલણમાં મૂકી. તે પૂર્વે બૅંકનોટો બહાર પાડવાનો ઇજારો તે દેશની મધ્યસ્થ બૅંક ધરાવતી હતી. આજે પણ બૅંક ઑવ્ સ્કૉટલૅન્ડ વ્યાપારી બૅંક હોવા છતાં ચલણી નોટો બહાર પાડતી હોય છે. અમેરિકાના ક્રાંતિયુદ્ધ દરમિયાન યુદ્ધની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ દ્વારા કૉન્ટિનેન્ટલ બૅંકનોટો ફરતી કરવામાં આવી. ૧૮૬૨ સુધી અમેરિકાના સમવાયતંત્રની સરકારે બૅંકનોટો ફરતી કરી ન હતી; પરંતુ ૧૭૮૯માં અમેરિકાનું બંધારણ અધિકૃત રીતે સ્વીકૃત થતાં ત્યાંની કૉંગ્રેસે પોતાની સર્વપ્રથમ મધ્યસ્થ બૅંકને ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપી; પરંતુ આ સત્તા આગળ ચાલુ ન રખાતાં ૧૮૧૧માં આ બૅંકે પોતાનું એ કાર્ય સમેટી લીધું. ત્યારબાદ વર્ષ ૧૮૧૬માં અમેરિકાની કૉંગ્રેસે દેશની બીજી મધ્યસ્થ બૅંકને બૅંકનોટો બહાર પાડવાની સત્તા આપી, જે કામ તેમણે ૧૮૪૧ સુધી ચાલુ રાખ્યું. ૧૯૩૩માં અમેરિકાની સમવાય સરકારે બહાર પાડેલા વહીવટી હુકમ અન્વયે ધાતુના સિક્કાઓની અવેજીમાં કાગળની નોટો ચલણમાં મૂકવામાં આવી; એટલું જ નહિ, પરંતુ જે નાગરિકો પોતાની પાસે બૅંકનોટોની અવેજીમાં સો ડૉલરના મૂલ્યનો સોનાનો જથ્થો રાખે તેમને દસ હજાર ડૉલર જેટલો દંડ તથા દસ વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવે એવી જોગવાઈ પણ એ હુકમ દ્વારા કરવામાં આવી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, ચલણી નોટ, પૃ. 97) ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે