Categories
વાચન સમૃદ્ધિ

શિલોંગ

ભારતના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર.

તે ૨૫ ૩૪´ ઉ. અ. અને ૯૧ ૫૩´ પૂ. રે. પર આવેલું છે. અગાઉ તે આસામ રાજ્યનું પાટનગર હતું. શિલોંગ ભારતનાં ઈશાની રાજ્યોમાં આવેલાં બધાં જ શહેરો પૈકી સૌથી મોટું શહેર છે.

તેની રમણીયતાને લીધે શિલોંગ અને તેની આજુબાજુનો પ્રદેશ ‘સ્કૉટલૅન્ડ ઑવ્ ઈસ્ટ’ તરીકે પ્રખ્યાત બન્યો છે. રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. તેની વસ્તી લગભગ ૩,૫૪,૦૦૦ (૨૦૧૧ મુજબ) જેટલી છે.

શિલોંગ ખાસીની ટેકરીઓથી બનેલા ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી ૧,૪૭૦ મીટરની ઊંચાઈએ વસેલું છે. શિલોંગ પૉઇન્ટ અહીંનું સર્વોચ્ચ શિખર છે. ઉમિખેમ, ઉમિયામ અને ઉમસિયાંગ અહીંની મુખ્ય નદીઓ છે. શિલોંગના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી આ નદીઓ બ્રહ્મપુત્ર કે સુરમા નદીને મળે છે. અહીંની આબોહવા ગરમ-ભેજવાળી છે. બંગાળના ઉપસાગર પરથી વાતા ભેજવાળા પવનો વર્ષાૠતુ દરમિયાન અહીં પુષ્કળ વરસાદ આપે છે. અહીં મળી આવતાં ખનિજોમાં કોલસો, ચૂનાખડકો અને અમુક પ્રમાણમાં લોહઅયસ્કનો સમાવેશ થાય છે. ઇમારતી લાકડાં, ખાદ્યપાકો અને બટાકાનું મુખ્ય બજાર અહીં વિકસ્યું છે. તે ઉપરાંત અહીં ડેરીની પેદોશો, ફળો તથા રેશમનું ઉત્પાદન થાય છે.

આ શહેર ખાતે સિમેન્ટનાં કારખાનાં; કાંડાઘડિયાળ (HMT), દવાઓ, જંતુનાશક દવાઓ, વીજળીનાં સાધનો તથા દારૂ બનાવવાના એકમો આવેલા છે. આ શહેરમાં અનેક હોટલો તેમ જ ગૉલ્ફનું મેદાન આવેલાં છે. અહીં વિવિધ વિદ્યાશાખાઓ ધરાવતી યુનિવર્સિટી પણ છે. ચિકિત્સાલયો સહિતની તબીબી સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે.

ભારતનો ૪૦ નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શિવકુમાર ગિરજાશંકર જોશી

જ. ૧૬ નવેમ્બર, ૧૯૧૬ અ. ૪ જુલાઈ, ૧૯૮૮

કૉલકાતામાં રહેવા છતાં ગુજરાતથી કદી અળગા ન થનાર નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર શિવકુમારનો જન્મ પિતા ગિરજાશંકર અને માતા તારાલક્ષ્મીને ત્યાં અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ કૉલેજશિક્ષણ અમદાવાદમાં થયું હતું. ઈ. સ. ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.ની ડિગ્રી મળી તે પછી પિતાજીએ તેઓને કાપડના ધંધામાં ગોઠવવા કૉલકાતા મોકલી આપ્યા. આ પરિસ્થિતિ શિવકુમારને ફળી ગઈ. તેમના સમગ્ર જીવન પર તેની ઘેરી અસર પડી અને આ નવા વાતાવરણમાં તેઓનો સારો વિકાસ થયો. નાટ્યલેખન, અદાકારી, દિગ્દર્શન, નિર્માણ અને સંયોજનમાં સંગીત અને પ્રકાશનમાં શિવકુમાર ઘણા માહિર હતા. રંગભૂમિ પર ચાર દાયકા સુધી તેમનાં નાટકો અને નવલકથાઓ હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. શિવકુમાર ચિરપ્રવાસી હતા, આથી પ્રવાસવર્ણનોનાં બે દળદાર પુસ્તકો તથા આત્મકથનાત્મક પુસ્તક ‘મારગ આ પણ છે શૂરાનો’ પ્રગટ કર્યાં છે. શિવકુમારે દિલ્હીની સાહિત્ય અકાદમીના આમંત્રણથી બંગાળીમાં અનુવાદો કર્યા છે. ૩૬ વર્ષના તેઓના લેખનકાળમાં લગભગ ૯૦ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમણે એકાંકી, નિબંધ, અનુવાદ, વિવેચન, નવલકથા, નવલિકા, નાટક, રેડિયોનાટક એમ સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

તેમને ઈ. સ. ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. તેમના નાટક ‘સુવર્ણરેખા’ (૧૯૬૧) માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જસદણ

રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા  મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને ૧૦૦ ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે. આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ, ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો અને પૂર્વમાં ભાવનગર જિલ્લો આવેલા છે. આ તાલુકાનો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાને સ્પર્શતો ઉત્તર તરફનો ભાગ ડુંગરાળ છે. બાકીનો સમગ્ર તાલુકો સરેરાશ ૧૫૦ મી.ની ઊંચાઈ ધરાવતો સપાટ પ્રદેશ છે. જસદણથી શરૂ થતી યાંગા ડુંગરમાળાવાળો ઉચ્ચ પ્રદેશ આનંદપુર ભાડલા પાસે ૩૦૩ મી. ઊંચો છે અને તેના ફાંટા દક્ષિણ અને ઉત્તર તરફ ફેલાયેલા છે. જમણી બાજુનો ફાંટો મંદાર ટેકરીઓ તરીકે ઓળખાય છે. આ તાલુકામાં સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર જસદણથી ઉત્તરે ૧૧.૨ કિમી. દૂરથી નીકળે છે અને શરૂઆતના ૧૯.૨ કિમી. સુધી દક્ષિણે વહે છે. આ નદીમાં બારે માસ પાણી રહે છે. બીજી એક નદી ઘેલો છે. તેની ઉપર ઘેલા સોમનાથનું પ્રખ્યાત શિવમંદિર છે.

આ તાલુકો સમુદ્રથી દૂર છે તેથી આબોહવા વિષમ છે. મે માસમાં વધારે ગરમી પડે છે. તાપમાન ૪૦ સે.થી વધીને ૪૫ સે. થાય છે. જાન્યુઆરી સૌથી વધુ ઠંડો માસ છે. સરેરાશ દૈનિક તાપમાન ૨૯.૪ સે. અને લઘુતમ સરેરાશ તાપમાન ૧૦ સે. રહે છે. ઑક્ટોબર માસમાં બીજી વખત વધુ તાપમાન રહે છે. તાલુકામાં ૬૧૭.૫ મિમી. વરસાદ પડે છે, જ્યારે જિલ્લામાં સરેરાશ વરસાદ ૫૮૯.૭ મિમી. છે. બધો વરસાદ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં પડે છે. આ તાલુકામાં ૭૮૭૭ હેક્ટરમાં જંગલો છે. તેમાં બાવળ, ગાંડો બાવળ, ઘાસ, આવળ, ખાખરો વગેરે વૃક્ષો છે. જંગલમાં દીપડા, જરખ, શિયાળ, વરુ, ઘોરખોદિયું, ચીતળ, કાળિયાર, શેળો, નોળિયો, સસલું વગેરે પ્રાણીઓ જોવા મળે છે. બટેર, તેતર, કાળોકોશી, બાજ, ટિટોડો, કબૂતર, હોલો, સમળી, ગીધ, કાબર, કાગડો જેવાં પક્ષીઓ જોવા મળે છે. જળસાપ, નાગ, ચીતળો, ચાકણ વગેરે સાપની વિવિધ જાતો જોવા મળે છે. ગાયો, ભેંસ, ઘેટાં, બકરાં વગેરે પ્રાણીઓની પણ સારી સંખ્યા છે. જસદણ તાલુકામાં ખાદ્ય પાકો વવાય છે. કુલ ખેતીલાયક જમીન પૈકી તેનું પ્રમાણ ૩૪.૩૮% છે. જુવાર, બાજરી અને ઘઉંનું વાવેતર મુખ્ય છે. અન્ય પાકોમાં શેરડી, મગફળી, કપાસ અને જીરું છે. ૬૨,૩૩૯ હેક્ટર જમીન અખાદ્ય પાકો નીચે હતી. તલ થોડા પ્રમાણમાં વવાય છે. કપાસ ૯,૩૨૯ હેક્ટરમાં વવાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આ જિલ્લામાં જસદણ ખાતે ઔદ્યોગિક વસાહત છે. તેલ મિલ, કપાસ લોઢવાનું જિન તથા કેટલાક હસ્તઉદ્યોગો આ તાલુકામાં આવેલ છે. ૨૦૦૧માં આ તાલુકાની વસ્તી ૨,૬૨,૯૩૦ હતી. ચોથા ભાગની વસ્તી હિંદુ છે. જૈન અને મુસલમાનોની થોડી વસ્તી છે. હિંદુઓ પૈકી કાઠી કોમની થોડી વસ્તી છે. આ કોમ લડાયક કોમ તરીકે જાણીતી છે.

ઇતિહાસ : જસદણથી ઈશાન ખૂણે ૧૧.૨ કિમી. ઉપર ક્ષત્રપકાલીન શિલાલેખ મળી આવ્યો હતો. તે તેની પ્રાચીનતા સૂચવે છે. જૂનાગઢના ઘોરી વંશના નવાબના શાસન દરમિયાન જસદણ ઘોરીગઢ તરીકે ઓળખાતું હતું. અહીં કાઠીઓના હુમલા ખાળવા કિલ્લો બંધાયો હતો. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના સમકાલીન (૧૫૭૨) લોમા ખુમાણના વંશજ જસા ખુમાણ પાસેથી ૧૬૬૫માં વિકા ખાચરે જસદણ કબજે કરી આજુબાજુનો પ્રદેશ કબજે કર્યો હતો. જસદણ તાલુકાના હીંગોળગઢમાં ઘોડા-ઉછેર કેન્દ્ર હતું. હવે તે પક્ષીઓના અભ્યાસ માટેનું કેન્દ્ર બન્યું છે. ભોંયરાની પ્રાચીન ગુફાઓ હીંગોળગઢ નજીક છે. બીજું મોટું ગામ વીંછિયા છે. આ શહેરમાં માધ્યમિક શાળા અને કુમાર અને કન્યાશાળા, પુસ્તકાલય અને બાલમંદિર છે. શહેરનો નાનકડો બગીચો છે. વીંછિયા વેપારી કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્ર્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જસદણ, પૃ. ૬૪૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર