Categories
વાચન સમૃદ્ધિ

રામનારાયણ વિ. પાઠક

જ. 8 એપ્રિલ, 1887 અ. 21 ઑગસ્ટ, 1955

ગુજરાતી સાહિત્યના સર્જક અને અધ્યાપક રામનારાયણ પાઠકનો જન્મ અમદાવાદ જિલ્લાના ગણોલમાં થયો હતો. પિતાની અવારનવાર બદલી થવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ મેળવ્યું. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં મેળવ્યું. 1904માં મૅટ્રિક તથા 1908માં પ્રથમ વર્ગ સાથે બી.એ. થયા. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયા અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ક્ષય રોગ થવાથી સાદરા રહેવા ગયા. 1920માં ગુજરાત કેળવણી મંડળમાં જોડાયા અને જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય બન્યા, પરંતુ અસહકારનું આંદોલન શરૂ થતાં શાળા છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1928 સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1926માં ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું. 1928માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી રાજીનામું આપી પૂર્ણકાલીન તંત્રી બન્યા. 1935માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક થયા. 1937માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજના અધ્યાપક બન્યા અને ‘પ્રસ્થાન’નું તંત્રીપદ છોડ્યું. તેઓ ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે જાણીતા છે. 1946માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. 1953માં આકાશવાણી મુંબઈના સલાહકાર તરીકે જોડાયા. તેમણે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો. એક વખત જેલની સજા પણ થઈ હતી. તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધક્ષેત્રે નોંધપાત્ર સર્જન કર્યું હતું. તેઓ ‘શેષ’ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખતા હતા. તેમણે 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખ્યું. એ પછી એક વખત ‘ભૂલારામ’ ઉપનામ પણ રાખ્યું હતું. ‘શેષનાં કાવ્યો’, ‘વિશેષ કાવ્યો’ (મરણોત્તર), ‘દ્વિરેફની વાતો’ ભાગ 1થી 3, ‘સ્વૈરવિહાર’ ભાગ 1-2, ‘મનોવિહાર’, ‘આલોચના’, ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’, ‘નર્મદાશંકર કવિ’, ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’, ‘બૃહત્ પિંગળ’ તેમનાં નોંધપાત્ર સર્જનો છે. તેઓ 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને 1949માં નર્મદચંદ્રક અને 1956માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહાન માનવી

ચીનના મહાન ચિંતક કૉન્ફ્યૂશિયસ સત્યના ઉપાસક હતા અને એમનું અંગત જીવન નમ્ર, ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ હતું. વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય કૉન્ફ્યૂશિયસ એમ કહેતા કે અપકારનો બદલો અપકારથી ન વાળો, પણ ઉપકારથી વાળો. એવા જ્ઞાની સંત કૉન્ફ્યૂશિયસને ચીનના સમ્રાટે બોલાવીને પૂછ્યું, ‘હે જ્ઞાની પુરુષ, આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે ?’ કૉન્ફ્યૂશિયસે હસીને કહ્યું, ‘સમ્રાટ, આપ વિશાળ સામ્રાજ્ય ધરાવો છો અને સામર્થ્યવાન છો, માટે મહાન છો.’ સમ્રાટે વળતો પ્રશ્ન કર્યો, ‘મારાથી મહાન કોણ હશે ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘ક્ષમા કરજો સમ્રાટ. હું સત્યનો ઉપાસક છું. ક્યારેય અસત્ય ઉચ્ચારતો નથી અને એ કારણે જ હું તમારાથી મહાન ગણાઉં.’ સમ્રાટે વળી પ્રશ્ન કર્યો, ‘આપણા બંનેથી પણ ચડિયાતી કોઈ મહાન વ્યક્તિ આ જગતમાં હશે ખરી ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘હા સમ્રાટ, ચાલો, જરા મહેલની બહાર એક લટાર મારી આવીએ.’ સંત અને સમ્રાટ મહેલની બહાર નીકળ્યા. બળબળતી બપોર હતી. ધોમધખતો તાપ હતો અને એવે સમયે એક નાનકડા ગામના પાદરે એક માણસ કોદાળી લઈને એકલો કૂવો ખોદી રહ્યો હતો. કૉન્ફ્યૂશિયસે એ માણસ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘સમ્રાટ, કોઈ પણ દેશના સમ્રાટ કે સંત કરતાં આ માનવી વધારે મહાન છે, કારણ કે એ કોઈનીય મદદ લીધા વિના બીજાના ભલા માટે કાર્ય કરી રહ્યો છે. એ એકલે હાથે જે કૂવો ખોદશે એનો લાભ આખા ગામને મળશે. સહુની તૃષા તૃપ્ત થશે, આથી બીજાની સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય.’

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ વર્ડઝવર્થ

જ. 7 એપ્રિલ, 1770 અ. 23 એપ્રિલ, 1850

અંગ્રેજી સાહિત્યના એક મહત્ત્વના રોમૅન્ટિક કવિ તથા ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમના ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વર્ડઝવર્થની પ્રસિદ્ધ રચના ‘ધ પ્રેલ્યુડ’ (The Prelude) છે. જે એક આત્મકથાત્મક કવિતા માનવામાં આવી છે. વર્ડઝવર્થ 1843થી તેમના મૃત્યુ સુધી ઇંગ્લૅન્ડના મહાકવિ રહ્યા હતા. 1818 સુધી તેઓ સાહિત્ય અને વ્યક્તિગત જીવન પર વધારે ધ્યાન આપતા હતા. તેમનાં બે બાળકોનાં મૃત્યુએ તેમને દુઃખથી ભાંગી નાખ્યા, છતાં તેમણે લખવાનું કામ ચાલુ રાખ્યું. 1798 અને 1808ની વચ્ચેનો દસકો તેમના રચનાત્મક જીવનનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓએ ‘લ્યુસી પોએમ્સ ટીનબર્ટ એબેટી’, ‘ધ પ્રેલ્યુડ’, ‘પોએમ્સ : ઇમિટેશન ઑફ ઇમોરાલિટી’ જેવી અમર રચનાઓ લખી. આ રચનાઓથી તેઓ એક પ્રશંસિત સાહિત્યકાર તરીકે ઓળખાયા અને તેઓને અંગ્રેજી રોમૅન્ટિક આંદોલનના પ્રમુખ સ્વર બનાવી દીધા. 1843માં તેઓ બ્રિટનના મહાકવિ તરીકે નિયુક્ત થયા, આ પદ તેઓએ જીવનપર્યંત નિભાવ્યું. ઇંગ્લૅન્ડની પ્રાકૃતિક સુંદરતા માણવા તેઓએ વિસ્તૃત પદયાત્રા કરી હતી. જેમાં આલ્પ્સ પર્વત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના અનેક પ્રદેશો આવરી લીધા હતા. તેમની રચનાઓમાં તેમની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ અને માનવીય ભાવનાઓ સ્પષ્ટ રૂપમાં છલકાય છે. તેમની પ્રમુખ રચનાઓ ‘સાઇમન લી’, ‘વી આર સેવન’, ‘પ્રિફેસ ટુ ધ લિરિકલ બલ્લાડ્સ’, ‘ઑડ ટૂ ડ્યૂટી’, ‘ધ સોલિટરી રીપર’ (1802), ‘ધ વર્લ્ડ ઇઝ ટૂ મચ વિથ અસ’, ‘માર્ય હાર્ટ લિપ્સ અપ’ વગેરે રચનાઓ છે. તેઓ માનતા હતા કે કવિતાની ભાષા સ્વાભાવિક બોલચાલની ભાષા જેવી સરળ હોવી જોઈએ તો આમ જનમાનસ તેને માણી શકે.