ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ડૉ.ધીરુભાઈ ઠાકર

જન્મ: ૨૭ જૂન ૧૯૧૮, કોડીનાર
વતન વીરમગામ.
પિતા: પ્રેમશંકર ઠાકર


સર્જક: પ્રસિદ્ધ વિવેચક, સંશોધક અને સંપાદક.

સર્જન: વિવેચનસંગ્રહો, નિબંધસંગ્રહો, સંશોધનગ્રંથો, ચરિત્રગ્રંથો, ચરિત્રાત્મક નાટક, બાળનાટકો, અનુવાદો, સંપાદનો, બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ વગેરેગ્રંથ વિમોચન

રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૪); વિવિધ ગૌરવ પુરસ્કારો દ્વારા સન્માનિત; ૨૦૦૦-૨૦૦૧ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

ડૉ. ધીરુભાઈ ઠાકરનો જન્મ ૨૭ જૂન, ૧૯૧૮માં કોડીનારમાં થયો. તેઓ પ્રસિદ્ધ વિવેચક, સંશોધક અને સંપાદક છે.

વતન વીરમગામ. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો પ્રભાવ પડ્યો હતો.

ધીરુભાઈનું પ્રાથમિક શિક્ષણ કોડીનાર - ચાણસ્મામાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મા - સિદ્ધપુરમાં. ૧૯૩૪માં મેટ્રિક થયા. ૧૯૩૯માં બી.એ.; ૧૯૪૧માં એમ.એ.; ૧૯૩૮માં તેમણે 'ઓગણીસમી સદીની પશ્ચિમ ભારતની ધાર્મિક પ્રવૃત્તિઓ' વિષય ઉપર નિબંધ લખ્યો. આ નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીનું 'નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક' મેળવ્યું.

ધીરુભાઈ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવતા રહ્યા છે.

દસ વિવેચનસંગ્રહો, સાત નિબંધસંગ્રહો, બે સંશોધનગ્રંથો, આત્મચરિત્ર સમેત ત્રણ ચરિત્રગ્રંથો, એક ચરિત્રાત્મક નાટક, બે બાળનાટકો તથા એક પ્રવાસકથા, બે અનુવાદો, સ્‍વાધ્યાયસૂચિના ચાર ગ્રંથો, સોળ સાહિત્યિક સંપાદનો, નવ સંચયસંપાદનો (અન્યના સહકારમાં) અને બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમનું મુખ્ય સાહિત્યિક પ્રદાન છે. મ.ન.દ્વિવેદી અને નાટ્યકળા તેમના અભ્યાસના ખાસ વિષયો રહ્યા.

મોડાસા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ છેલ્‍લા અઢી દાયકા દરમિયાન તેમના મુખ્‍ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ ૨૫ ગ્રંથો પ્રગટ થયા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૯૪)થી તથા વિવિધ ગૌરવ પુરસ્‍કારો (ગુજરાત સાહિત્ય અકાદમી, વિશ્વ ગુજરાતી સમાજ, વિદ્યાવિકાસ ટ્રસ્‍ટ) દ્વારા સન્‍માનિત.

૨૦૦૦-૨૦૦૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા.