ભારતનું તેના ઈશાન ખૂણામાં આવેલું એક રાજ્ય.
ભૌગોલિક સ્થાન : 26° 28´ થી 29° 30´ ઉ. અ. અને 91° 20´થી 97° ૩૦´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય આ રાજ્યમાં થાય છે, તેથી તેનું નામ અરુણાચલ છે. આ વિસ્તાર એક સમયે નેફા (North-East-Frontier Agency – NEFA) તરીકે ઓળખાતો હતો. તેની પશ્ચિમે ભુતાન, ઉત્તરે તિબેટ (ચીન) અને પૂર્વે મ્યાનમાર દેશ આવેલો છે. જ્યાર દક્ષિણે ભારતનાં નાગાલૅન્ડ અને અસમ રાજ્ય આવેલ છે. 2026 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 19 લાખ છે. રાજ્યમાં જિલ્લા, શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે 26, 27 અને 5,587 છે. ઇટાનગર, તવાંગ તેનાં મુખ્ય શહેરો છે. તે મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત, પર્વતમાળાનો પ્રદેશ છે. 3000થી 6000 મીટરની ઊંચાઈ ધરાવતી ઉત્તર તરફની પર્વતમાળાનો કેટલોક ભાગ હિમાચ્છાદિત છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલના પ્રદેશમાંથી અસમ બાજુ વહે છે.

અરુણાચલ પ્રદેશમાં એક બૌદ્ધ ધર્મનું મંદિર
આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોઈ ઉનાળામાં વરસાદ પડે છે. શિયાળામાં ઊંચાઈવાળા ભાગોમાં બરફ જામી જાય છે. આ વિસ્તાર પર્વતાળ હોવાથી બાગાયતી ખેતી માટે અહીં ઘણી સારી શક્યતાઓ છે. પાઇનેપલ, નારંગી, સફરજન, પીચ, ચેરી, અખરોટ વગેરે ફળાઉ વૃક્ષો અહીં ઉછેરવામાં આવે છે. વળી ડાંગર, મકાઈ, બાજરી અને બટાટા તથા કેટલાંક રાગી જેવા હલકાં ધાન્યોની ખેતી પણ થાય છે. પ્રદેશના 80 % ભાગમાં જંગલો છે. અહીં વાઘ, દીપડો, હાથી વગેરે પ્રાણીઓનાં અભયારણ્યો છે. ખનિજતેલ, કોલસો, ડૉલોમાઇટ અહીંની મુખ્ય ખનિજ છે. વણાટકામ તથા વાંસની ટોપલીઓ બનાવવાના લઘુઉદ્યોગ અહીં આવેલા છે. તે સિવાય સિમેન્ટ, પ્લાયવૂડ અને ફળો ઉપર ખાદ્યપ્રક્રમણ કરવાના ઉદ્યોગો તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. મૉંગોલાઈ વંશની 26 જેટલી આદિવાસી જાતિઓ આ રાજ્યમાં રહે છે. આમાં અર્દિ, નિશી, અપટાની, તાજીન, મિશીમી, ખામ્પા વગેરે મુખ્ય છે.
અમલા પરીખ
(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અરુણાચલ પ્રદેશ, પૃ. 65)
