રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ. આબુ પર્વત ૨૪° ૩૬´ ઉ. અક્ષાંશ અને ૭૨° ૪૫´ પૂ. રેખાંશ પર આવેલ છે. તે અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ છે. તેની લંબાઈ આશરે ૩ કિમી. અને પહોળાઈ ૧૦ કિમી. જેટલી છે. આબુ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ‘ગુરુશિખર’ સમુદ્રની સપાટીથી ૧૭૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતનાં મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભિગાલિયા ટેકરી, અધ્ધરદેવી ટેકરી, અચલગઢ અને સનસેટ પૉઇન્ટ મુખ્ય છે. માઉન્ટ આબુ હવા ખાવાનું પ્રખ્યાત સ્થળ ગણાય છે. દિલ્હી-અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. ઈ. સ. ૧૯૫૬ સુધી આબુ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો; પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે.

પુરાણકથા પ્રમાણે પ્રાચીન કાળમાં અહીં ખીણ-વિસ્તાર પણ હતો. બાજુમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ હતો. ઋષિની ગાય કોઈ કોઈ વાર ખીણમાં પડી જતી. આથી ઋષિએ તેમના શિષ્ય અર્બુદને બોલાવી ખીણ પુરાવી દીધી. અર્બુદ પોતે ખીણ ઉપર વસી ગયો. આ ઉપરથી આ પર્વત અર્બુદાચલ કહેવાયો. સમયાંતરે તેનું નામ ‘આબુ’ થયું. અધ્ધરદેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. પર્વત ઉપર ઘણાં પૌરાણિક-ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો છે. હિન્દુઓ અને જૈનોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે. આરસની સુંદર કોતરણીવાળાં દેલવાડાનાં દેરાં અનુપમ છે. વારંવાર જોવાનું મન થાય એવું તેનું શિલ્પ અને સ્થાપત્ય તેની એક આગવી અસ્મિતા દાખવે છે. ગુજરાતના તે સમયના જૈન મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે તે બંધાવેલાં. આ ઉપરાંત નખી તળાવ, ટૉડ રૉક, ગૌમુખ, રઘુનાથજીનું મંદિર વગેરે પણ જોવાલાયક સ્થળો છે. ગિરિમથક હોવાને કારણે ઉનાળામાં અહીં પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. પ્રવાસીઓ માટે અહીં આવાસની સુંદર સુવિધા છે. અહીં કેટલીક મિશનરી શાળાઓ પણ આવેલી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીનો આશ્રમ પણ અહીં છે. આ ઉપરાંત ગુરુશિખરની નજીકની ટેકરી પર સંદેશાવ્યવહારની સુવિધા માટે ટાવર ઊભું કરાયું છે. આ રીતે જોતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આબુ પર્વત, પૃ. 112)
