દક્ષિણ અમેરિકાનો વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવતો દેશ. તે ૨૨°થી ૫૫° દ. અ. અને ૫૬° ૩૦´થી ૭૩° ૩૦´ પ. રે.ની વચ્ચેનો આશરે ૨૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ દેશ દક્ષિણ અમેરિકામાં આટલાન્ટિક મહાસાગરને કિનારે વસેલ છે. તેની સરહદે ચિલી, બોલિવિયા, પરાગ્વે, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશો આવેલા છે. ‘આર્જેન્ટિના’ એટલે ‘ચાંદીનો પ્રદેશ’ (land of silver). તેથી સ્પૅનિશ સંશોધકોએ તે પ્રદેશનું નામ ‘આર્જેન્ટિના’ પાડ્યું હતું. તેમને આ પ્રદેશમાં ચાંદી મળવાની આશા હતી; પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. પશ્ચિમમાં ઍન્ડિઝ પર્વતમાળા આર્જેન્ટિનાને ચિલીથી જુદું પાડે છે. ઍન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (૬,૯૫૯ મી.) છે. અહીંની મુખ્ય નદીઓ રિયો ડી લાપ્લાટા, રિયો નિગ્રો, કૉલોરાડો, બર્મેજો અને પારાના છે. ઍન્ડિઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. દક્ષિણમાં આવેલું પેટાગોનિયા અર્ધરણ છે, જ્યાં તેલનો વિપુલ જથ્થો ભૂગર્ભમાં છે.

પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંના મુખ્ય પાકો ઘઉં, કપાસ, ડાંગર, શેરડી અને સોયાબીન છે. આર્જેન્ટિનાની કુલ વસ્તી 4.60 કરોડ (2026, આશરે) જેટલી છે. આર્જેન્ટિનાની સૌથી માનીતી રમત ફૂટબૉલ છે. મેરાડોના જેવા પ્રખ્યાત ફૂટબૉલ-ખેલાડીઓ આર્જેન્ટિનાએ ભેટ આપેલા છે. ત્યાંનું ટૅન્ગો (tango) સંગીત વિશ્વમાં પ્રસિદ્ધ છે. ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. દેશની રાજધાની બ્યુએનોસ એરિસ છે. અહીં મોટા મોટા મૉલ, ભૂગર્ભ (સબવે) ટ્રેન, સુંદર ઇમારતો, સરકારી કચેરીઓ આવેલાં છે. પાલેર્મો પાર્ક જોવાલાયક છે. ટીટ્રો કોલૉન અહીંનું જાણીતું ઑપેરા-હાઉસ છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. નૉવેલ વાપ્પી આર્જેન્ટિનાનું જાણીતું સરોવર છે. આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે આવેલો ઇગ્વાસૂ (Iguazu) ધોધ જોવાલાયક છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આર્જેન્ટિના, પૃ. 123)
