ઉત્તરભારતનું મહત્તમ પર્વતો અને જંગલાચ્છાદિત રાજ્ય. ૯ નવેમ્બર, ૨૦૦૦માં બનેલું ભારતનું ૨૭મું અને ઉત્તર ભારતનું સરહદી રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે ૨૯° ૪૫´ ઉ. અ. થી ૩૦° ૧૫´ ઉ. અ. અને ૭૮° ૨૪´ પૂ.રે. થી ૭૯° ૨૩´ પૂ. રે.ની વચ્ચે આવેલું છે. જેનો વિસ્તાર ૫,૨૩૦ ચો. કિમી. છે. વસ્તી : ૧.૨૬ કરોડ (૨૦૨૬, આશરે) છે. આ રાજ્યની વાયવ્યે હિમાચલ પ્રદેશ, દક્ષિણે તેમજ નૈઋત્યે ઉત્તરપ્રદેશ અને પશ્ચિમે હરિયાણાનો થોડો ભાગ સીમા રૂપે આવેલો છે. જ્યારે ઈશાને સ્વાયત્ત તિબેટ (ચીન) અને અગ્નિએ નેપાળની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે. દેહરાદૂન રાજ્યનું પાટનગર છે. તેના કુમાઉ અને ગઢવાલના વિસ્તારોનો પ્રાચીન હિંદુ ધર્મગ્રંથોમાં ‘ઉત્તરાખંડ’ તરીકે ઉલ્લેખ થયો હોવાથી આ રાજ્યને ‘ઉત્તરાખંડ’ તરીકેની ઓળખ અપાઈ છે.

આ રાજ્યમાં હિમાલયના મહાહિમાલય અથવા હિમાદ્રી, લઘુ હિમાલય અથવા હિમાચલ અને ઉપ-હિમાલય અથવા શિવાલિક જેવા ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. અહીં નંદાદેવી, પંચચુલી, કામેન, શિવલિંગી, ભગીરથી, ત્રિશૂળ જેવાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે. અહીં ગંગોત્રી, મિલામ, મીંડારી, ખાટલીંગ જેવી હિમનદીઓ આવેલી છે. આ હિમનદીઓમાંથી ઉદ્ગમ પામતી નદીઓમાં ભાગીરથી, અલકનંદા, ગંગા અને યમુના છે. જાણીતાં પ્રવાસન સ્થળોમાં ઔલી, મુક્તેશ્વર (નૈનિતાલ), મસૂરી, અલમોડા અને કાસૌની છે. અહીંનાં જંગલોમાં પાઇન, બ્રૂસ, ફર, ઓક, દેવદાર, સાગ અને સાલનાં વૃક્ષો જોવા મળે છે. કેટલીક જગામાં વાંસ પણ ઊગે છે. અહીંનાં જંગલોમાં વાઘ અને દીપડા જેવાં હિંસક પ્રાણીઓ વસે છે. હિમાલયની તળેટીમાં હરણ, વરુ અને સસલાં તથા કસ્તૂરી-મૃગ જોવા મળે છે. મોટા ભાગના વિસ્તારોમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવાં પાલતુ પશુઓનું પ્રમાણ અધિક છે. દેશમાંનાં છ રાષ્ટ્રીય ઉદ્યાનો આ રાજ્યમાં આવેલાં છે, જેમાં કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઉત્તરાખંડ, પૃ. 197)
