જ. 18 જૂન 1911 અ. 28 જૂન 1998

ફિલ્ડ્સ બાયૉકેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક, બ્રિટિશ યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા કમલા સોહોનીનો જન્મ ઇન્દોરમાં થયો હતો. બૉમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં પછી તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન ફેલોશિપ માટે અરજી કરી, પરંતુ તત્કાલીન નિયામક અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. સી. વી. રામને તેમની અરજીને નકારી કાઢી. તેઓ મહિલાઓને સંશોધન કરવા માટે સક્ષમ ગણતા નહોતા. કમલાના આગ્રહ પછી રામન કેટલીક શરતો સાથે પ્રવેશ આપવા તૈયાર થયા. રામન દ્વારા અપમાનિત થવા છતાં તેઓ શરતો માટે સંમત થયાં. આમ, 1933માં સંસ્થામાં પ્રવેશ મેળવનારાં પ્રથમ મહિલા બન્યાં. તેમણે બૉમ્બે યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી. તે પછી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયાં. ફ્રેડરિક જી. હોપકિન્સ લૅબોરેટરીમાં કામ કર્યું. તેઓ પલ્સ પ્રોટીન પર કામ કરનાર પ્રથમ વ્યક્તિ હતાં. તેમણે દૂધ અને કઠોળમાં પહેલાં વિવિધ પ્રોટીનની લાક્ષણિકતા પર કામ કર્યું. તેમણે બટાકાના છોડમાં એન્ઝાઇમ ‘સાયટોક્રોમ સી’ની સાર્વત્રિકતા શોધી. તેમણે પીએચ.ડી.ની થીસિસ માત્ર 14 મહિનામાં પૂર્ણ કરી અને તે પણ માત્ર 40 પાનાંની. પીએચ.ડી. પછી તેઓ 1939માં ભારત આવ્યાં. તેઓ નવી દિલ્હીની લેડી હાર્ડિન્જ મેડિકલ કૉલેજમાં બાયૉકેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે નિયુક્ત થયાં. બાદમાં ન્યુટ્રિશન રિસર્ચ લૅબોરેટરી, કુન્નુર ખાતે સહાયક નિયામક તરીકે કામ કર્યું. લગ્ન પછી તેઓ મુંબઈ આવીને રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં બાયૉકેમિસ્ટ્રી વિભાગમાં પ્રોફેસર તરીકે જોડાયાં અને તેનાં ડિરેક્ટર પણ બન્યાં. ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના કહેવાથી તેમણે ‘નીરો’ પર કામ શરૂ કર્યું. તેમણે નીરોમાં વિટામિન A, વિટામિન C અને આયર્નની માત્રા શોધી. આ માટે તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા(CGSI)નાં સ્થાપકસભ્ય હતાં. તેમણે ગ્રાહક સુરક્ષા પર લેખો અને પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં હતાં. 18 જૂન, 2023ના રોજ સર્ચ એન્જિન ગૂગલે તેમની 112મી જન્મજયંતી પર ડૂડલ વડે યાદ કર્યાં હતાં.
અનિલ રાવલ
