જ. 25 જૂન, 1975 અ. 3 જુલાઈ, 1999

પરમવીરચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના રુઢા ગામમાં થયો હતો. પિતા ગોપીચંદ અને માતા મોહિની. તેમણે લખનઉની હેરાલ્ડ મૉન્ટેસોરી સ્કૂલ અને રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો પછી લખનઉની સૈનિક સ્કૂલમાં દાખલ થયા. બારમું ધોરણ પાસ કરી નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. પછી વધુ તાલીમ માટે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા અને 7 જૂન, 1997માં 11મી ગોરખાં રાઇફલ્સની પહેલી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટેનન્ટ બન્યા. સર્વિસીસ સિલેક્શન બોર્ડ ઇન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે, તમે સેનામાં કેમ જોડાવા માગો છો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, હું પરમવીરચક્ર મેળવવા માગું છું. તેમણે 1999માં કુકરથાંગ, જુબર અને બીજાં શિખરો પરથી પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢ્યા હતા. 2/3 જુલાઈ, 1999ની રાત્રે મનોજકુમાર પાંડેએ સૈનિકો સાથે પહેલવાન ચોકી તરફ કૂચ કરી. તેમને ટેકરીની બંને બાજુથી ગોળીબારનો સામનો કરવો પડ્યો. મનોજકુમારે એક ટુકડીને જમણી તરફ મોકલી અને પોતે ડાબી તરફ દુશ્મનોના બંકરો સાફ કરવા આગળ વધ્યા. ગોળીબાર વચ્ચે તેમણે પહેલું બંકર કબજે કર્યું. બીજા બંકરના દુશ્મનોને હેન્ડ ગ્રેનેડ વડે માર્યા અને બંકર કબજે કર્યું. ત્રીજા બંકર તરફ જતાં ગોળીબારમાં સાથીદારો ઘવાયા. મનોજકુમારના ખભા અને જાંધમાં ગોળીઓ વાગી તેમ છતાં તેમણે ત્રીજા બંકર પર હુમલો કરવાની સૂચના આપી પોતે બીજી દિશાએથી આગળ વધ્યા. પેટે ઘસડાઈ બંકરની પાછળની બાજુએ પહોંચ્યા. છરાના ઘાથી દુશ્મનોને મારી નાખ્યા. પોતાના ઘાની પરવા કર્યા વિના તેઓ પેટે ઘસડાતા આગળ વધ્યા અને હેન્ડ ગ્રેનેડનો ઘા કર્યો એ જ વખતે દુશ્મનની ગોળીઓ મનોજકુમારના કપાળની આરપાર નીકળી ગઈ. તેમના ગ્રેનેડથી દુશ્મનોનો નાશ થયો. જીવનના ભોગે બંકરો કબજે કર્યા. ઉપરાંત શસ્ત્રો અને દારૂગોળાનો ભંડાર પણ મેળવ્યો. તેમના અજોડ પરાક્રમ અને ફરજનિષ્ઠા માટે તેમને પરમવીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શહાદત પછી અનેક સ્થળો, રમતની ટ્રૉફી, સ્ટેડિયમ, મકાનો, ચોક વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. દ્રાસમાં કારગિલ યુદ્ધ સંગ્રહાલયની એક ગૅલરીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમરચિત્ર કથા દ્વારા અઢારમી વાર્તા તેમને સમર્પિત કરવામાં આવી છે.
અનિલ રાવલ
