જ. 26 એપ્રિલ, 1900 અ. 30 સપ્ટેમ્બર, 1985

અમેરિકન સિસ્મૉલૉજિસ્ટ અને ભૌતિકશાસ્ત્રી. ધરતીકંપની તીવ્રતા માપવાના સ્કેલને રિક્ટર કહેવામાં આવે છે તે આ વૈજ્ઞાનિકના નામ પરથી આવેલ છે. ચાર્લ્સ ફ્રાંસિસ રિક્ટરનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યના ઓવરપેકમાં થયેલો. તેઓ નાના હતા ત્યારે જ માતા-પિતા અલગ થઈ જતાં તેમને માતાની અટક રિક્ટર જ આપવામાં આવેલી. 1909માં તેઓ માતા સાથે તેમના નાનાને ત્યાં લૉસ એન્જલસમાં સ્થાયી થયા. લૉસ એન્જલસ હાઈસ્કૂલમાંથી પાસ થઈ તેઓ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1920માં ઉપસ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરવા પ્રવેશ મેળવ્યો, પણ તેઓ અભ્યાસ પૂરો કરે તે પહેલાં જ તેમને વૉશિંગ્ટનની કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટમાં હોદ્દો આપવામાં આવ્યો અને તેમને સિસ્મૉલૉજીમાં વધુ રસ જાગ્યો. ત્યારબાદ પેસેડોનામાં બેનો ગુટેનબર્ગના હાથ નીચે સિસ્મૉલૉજિકલ લૅબોરેટરીમાં કાર્ય કરવા લાગ્યા. 1932માં રિક્ટર અને ગુટેનબર્ગે ભેગા મળી ધરતીકંપની તીવ્રતા નોંધવા રિક્ટર સ્કેલની શોધ કરી. 1937માં તેઓ પાછા કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં પરત આવ્યા અને 1952માં સિસ્મૉલૉજીના પ્રોફેસર બન્યા. 1941માં ગુટનબર્ગ સાથે તેમણે ‘સિસ્મીસિટી ઑફ ધ અર્થ’નું પ્રકાશન કર્યું જેનું 1954માં પુનર્મુદ્રણ થયું. તેમણે ‘ઍલિમેન્ટ્રી સિસ્મૉલૉજી’ અને ‘અર્થક્વેક લાઇટ ઇન ફોક્સ’ નામનાં પુસ્તકો પણ લખ્યાં હતાં.
રાજશ્રી મહાદેવિયા
