જ. 27 જૂન, 1918 અ. 24 જાન્યુઆરી, 2014

ગુજરાતી ભાષાના સંશોધક, સંપાદક, નાટ્યવિદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરનો જન્મ કોડીનારમાં થયો હતો. એમનું ઉપનામ સવ્યસાચી હતું. ધીરુભાઈ ઠાકર વિદ્વત્તાની સાથે સ્વચ્છ પારદર્શક વ્યક્તિત્વને કારણે સાહિત્યજગતમાં ઋષિતુલ્ય સ્થાન ધરાવતા હતા. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં સાલસ ગૃહિણી હતાં. ઘરમાં ગિરિધરકૃત રામાયણનું નિત્ય વાચન તથા પાઠ થતા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં થયું. મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક તથા અનુસ્નાતકનો અભ્યાસ કરીને ત્યાં જ અધ્યાપનકાર્ય શરૂ કર્યું. અમદાવાદ ગુજરાત કૉલેજ તથા મોડાસા કૉલેજમાં અધ્યાપન અને આચાર્યપદે સેવા આપીને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સંપૂર્ણ કેળવણી આપી. એમની દૃષ્ટિ વિદ્યાર્થીને નહિ પરંતુ આખા સમાજને કેળવવાની હતી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ 1985માં શિષ્ય અને માનસપુત્ર કુમારપાળ દેસાઈના સહયોગથી ગુજરાત વિશ્વકોશની સ્થાપના કરી. ગુજરાતીમાં વિશ્વકોશ બનાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે જીવનપર્યંત કાર્યરત રહ્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ 2000-2001માં સેવા આપી હતી. તેમને અનેક ઍવૉર્ડ એનાયત થયા છે જેમાં 1994માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1999માં ગુજરાત ગૌરવ પુરસ્કાર, 2002માં વિદ્યાવિકાસ પુરસ્કાર, 2012માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ , વીરનર્મદ પુરસ્કાર તથા ભારત સરકાર તરફથી 2014માં પદ્મભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થયા હતા. એમના સેવાકાર્ય બદલ સમગ્ર ગુજરાત એમનું ઋણી છે.
અલ્પા શાહ
