મામા વરેરકર


જ. 27 એપ્રિલ, 1883 અ. 23 સપ્ટેમ્બર, 1964

મરાઠી સાહિત્યના અગ્રિમ સાહિત્યકાર અને નાટ્યકાર મામા વરેરકરનો જન્મ મહારાષ્ટ્રના ચિપલૂણમાં થયો હતો. તેમનું મૂળ નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલવણમાં થયું હતું. તેઓ વૈદકનો અભ્યાસ કરવા રત્નાગિરિ ગયા હતા. ત્યાં કન્હોબા કીર્તિકર અને રાજારામ શાસ્ત્રી ભાગવતના સંપર્કથી અંગ્રેજી સાહિત્યની રચનાઓ, ભારતના પ્રાચીન ગ્રંથોનો પરિચય મેળવ્યો. તેમણે 1903થી 1924 સુધી માલવણમાં ટપાલખાતામાં નોકરી કરી. એ પછી સતત સાહિત્યસર્જન કર્યું. તેઓ નોકરીમાં હતા ત્યારે આઠ નાટકો લખ્યાં હતાં અને એમાંનાં પાંચ નાટકો રંગમંચ પર ભજવાયાં હતાં. તેમણે 1908માં પહેલું નાટક ‘કુંજવિહારી’ લખ્યું હતું. તેમનું પ્રખ્યાત નાટક ‘હાચ મૂલાચા બાપ’ 7 સપ્ટેમ્બર, 1918ના રોજ ભજવાયું હતું. વિષયવસ્તુનું વૈવિધ્ય અને છટાદાર સંવાદો એમનાં નાટકોની વિશેષતા હતી. તેમણે 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ, 1 નવલકથા, 12 વાર્તાઓ, 10 નિબંધો તેમજ અંગ્રેજી અને બંગાળી ભાષાઓમાંથી અનુવાદો આપ્યા છે. ‘કરીન તી પૂર્વ’, ‘ભૂમિકન્યા સીતા’, ‘સત્તેચે ગુલામ’, ‘સોન્યાચા કળશ’, ‘સતી સાવિત્રી’, ‘સ્વયંસેવક’ વગેરે નાટકો; ‘વિધવાકુમારી’ નવલકથા અને ‘માઝી નાટકી સંસાર’ના પાંચ ખંડોમાં સંસ્મરણકથા જાણીતાં છે. તેમનાં નાટકો બીજી ઘણી ભાષાઓમાં રૂપાંતરિત થયાં છે. તેઓ 1932માં વડોદરામાં આયોજિત મરાઠી વાઙમય પરિષદ, 1936માં મુંબઈ ઉપનગર સાહિત્ય સંમેલન, 1938માં પુણેમાં આયોજિત નાટ્યસંમેલન અને 1945માં ધુળેમાં યોજાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ હતા. તેઓ 1956થી રાજ્યસભાના સભ્ય હતા.

ભારત સરકારે તેમને 1959માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.