રવીન્દ્રનાથ ટાગોર


જ. 7 મે, 1861 અ. 7 ઑગસ્ટ, 1941

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નવલકથાકાર, સમાજસુધારક, ચિત્રકાર અને સંગીત રચયિતા. જ્યારે 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો ત્યારે આ નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. મૂળ અટક ઠાકુર. જન્મ કૉલકાતામાં જોડાસાંકાની ઠાકુરવાડીમાં. સાતમે વર્ષે બ્રિટિશ પરંપરાની નૉર્મલ સ્કૂલમાં ભણવા મૂક્યા પણ ત્યાં ફાવ્યું નહિ તેથી ઘેર રહીને જ અભ્યાસ કર્યો. 1878માં મોટા ભાઈ સત્યેન્દ્રનાથ સાથે ઇંગ્લૅન્ડ ભણવા ગયા, પણ 17 મહિના બાદ કોઈ ડિગ્રી મેળવ્યા વગર જ ભારત પાછા આવ્યા. જોકે ત્યાં તેમણે ‘ભગ્નહૃદય’ નામે ગીતિનાટ્ય લખવાનું શરૂ કરેલું. ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા બાદ એક આધ્યાત્મિક અનુભવ થવાને પરિણામે ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કવિતા રચી. 1910માં ઈશ્વરને અર્ઘ્ય રૂપે ‘ગીતાંજલિ’ની રચના કરી. તેમણે બંગભંગઆંદોલનમાં સક્રિય ભાગ લીધો, પણ રાજકારણ અનુકૂળ ન આવતાં પાછા શાંતિનિકેતનમાં શિક્ષણ અને સાહિત્યની સાધનામાં લાગી ગયા. તેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમનાં લખાણનાં બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન અનુક્રમે ‘અમાર સોનાર બાંગલા’ અને ‘જન ગણ મન’ સૌ માટે જીવનભરનાં સંભારણાં સમાં બની રહ્યાં. નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત ‘ગીતાંજલિ’નો અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં અનુવાદ થયો. 1914માં બ્રિટિશ સરકારે ટાગોરને ‘સર’નો ઇલકાબ આપી નવાજ્યા પણ 1919માં જલિયાંવાલા હત્યાકાંડથી વ્યગ્ર થયેલા તેમણે તે ઇલકાબ પાછો મોકલ્યો. 1921માં ડિસેમ્બરની 23મી તારીખે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી અને બીજે વર્ષે શ્રીનિકેતનની શરૂઆત કરી. 1940માં 7મી ઑગસ્ટે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ટાગોરને ‘ડૉક્ટરેટ’ની માનાર્હ ઉપાધિ પ્રદાન કરી. જીવનના આખરી દિવસોમાં ‘છેલે બૅલા’નામે પુસ્તકમાં કવિએ બચપણની સ્મૃતિઓ આલેખી છે. ટાગોરે ટૂંકી વાર્તાઓ, કિશોરવાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને ગીતિનાટ્યની રચના કરી છે. તેમણે 49 જેટલા કાવ્યસંગ્રહોમાં હજાર જેટલાં કાવ્યો અને બે હજાર જેટલાં ગીતો કવિએ આપ્યા છે.