જ. 29 એપ્રિલ, 1848 અ. 2 ઑક્ટોબર, 1906

યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં ભારતીય ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયોનાં વિશાળ ચિત્રો આલેખનાર અર્વાચીન ચિત્રકાર રવિ વર્માનો જન્મ ત્રાવણકોરના રાજકુટુંબમાં થયો હતો. રવિ વર્માના કાકા રાજ વર્મા અગ્રણી કલાકાર હતા. તેમનાં ચિત્રો અને સહવાસે રવિ વર્મા પર ઘણી અસર કરેલી. તેઓને બાળપણમાં કુળપરંપરા પ્રમાણે સંસ્કૃતનું શિક્ષણ મળ્યું હતું. તે અરસામાં થિયૉડોર જૉન્સન નામે એક અંગ્રેજ ચિત્રકાર ત્રિવેન્દ્રમના મહારાજાનો મહેમાન બન્યો. તેમણે રવિ વર્માની કલા પારખી. તેમણે કિશોર રવિ વર્માને તૈલચિત્ર-કલાની ખૂબીઓ તથા પદ્ધતિ શીખવી. રવિ વર્માએ તેમની પાસેથી તૈલચિત્રણની ટૅકનિક બરાબર સમજી લીધી. ત્યારબાદ રવિ વર્માએ વ્યક્તિચિત્રો(પૉર્ટ્રેટ)થી પોતાની કલાયાત્રા શરૂ કરી. રવિ વર્માએ હિંદુ પુરાણો, ભારતીય ઇતિહાસ અને મહાકાવ્યોની કથાનાં પાત્રોને પોતાનાં ચિત્રો દ્વારા જીવંત બનાવ્યાં. તેમનાં ચિત્રો પ્રકાશ-છાયા, દૃશ્ય-આયોજન અને પરિપ્રેક્ષ્ય તથા તેને લીધે સર્જાતા આભાસી ઊંડાણને કારણે ખૂબ વખણાયાં. ભારતમાં પશ્ચિમી યુરોપિયન પ્રકારે ચિત્રો આલેખનારા પહેલા ચિત્રકાર રવિ વર્મા હતા. ચિત્રકાર તરીકે ભારતમાં ખૂબ ખ્યાતિ મેળવી. મહારાજા સયાજીરાવના આમંત્રણને માન આપી તેઓ વડોદરા આવ્યા હતા. ત્યાં તેમણે હિંદુ દેવ-દેવીઓનાં તથા અન્ય પૌરાણિક ચિત્રો કર્યાં હતાં. તેમણે શકુંતલા-પત્રલેખન, પાંડવોનાં ચિત્રો, સીતાનો ભૂમિપ્રવેશ, લક્ષ્મી, સરસ્વતી વગેરેનાં ચિત્રો ખૂબ સુંદર રીતે કર્યાં હતાં. હવે તો લોકોની સ્મૃતિમાં આ દેવ-દેવીઓનાં ચિત્રો આરૂઢ થઈ ગયાં છે. તેઓને ઘમાં માનપત્રો તથા સુવર્ણચંદ્રકો મળ્યાં હતાં. મૈસૂરના મહારાજા, વડોદરાના મહારાજાએ તેમની પાસે પૅલેસ માટે ઘણાં ચિત્રો કરાવ્યાં છે. આ ઉપરાંત દેશની વિવિધ આર્ટ ગૅલરીમાં તેઓનાં ચિત્રો સંગ્રહાયેલાં છે. તેમને બ્રિટિશ સરકાર તરફથી કૈસરે-હિંદનો ઇલકાબ મળ્યો હતો. તેમનાં ચિત્રો હાલમાં ખૂબ મૂલ્યવાન ગણાય છે. દેશ-વિદેશની ગૅલરીઓ તથા સંગ્રહાલયોમાં તેમનાં ચિત્રો ગૌરવવંતું સ્થાન ધરાવે છે. તે સમયના કલારસિકો, વિદ્વાનો તથા શાસકોએ તેમનાં ચિત્રોની સાચા દિલથી કદર કરી હતી.
અંજના ભગવતી
