જ. 8 મે, 1916 અ. 23 ઑગસ્ટ, 2017

પ્રસિદ્ધ ભારતીય સિનેમૅટોગ્રાફર રામાનંદ સેનગુપ્તાનો જન્મ 1916માં ઢાકામાં થયો હતો. 2016માં તેમણે જીવનની સદી પૂરી કરી હતી. તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા.. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ 1938માં થયો, જ્યારે તેઓ અરોરા ફિલ્મ કૉર્પોરેશન કૉલકાતામાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા. ‘કુરુક્ષેત્ર’ ફિલ્મમાં તેમણે જી. કે. મહેતા સાથે સહાયક મદદનીશ તરીકે કામ કર્યું. અર્ધેન્દુ મુખરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘પૂર્વારાગ’માં તેમણે સ્વતંત્ર રીતે સિનેમૅટોગ્રાફર તરીકે કાર્ય કર્યું. તેમણે લગભગ 70થી વધુ ફિલ્મોમાં એક કુશળ સિનેમૅટોગ્રાફર તરીકે સેવાઓ આપી હતી. તેમણે વિખ્યાત ફ્રેન્ચ દિગ્દર્શક જીન રેનોઇર (Jean Renior) 1951માં તેમની ફિલ્મ ‘ધ રિવર’ માટે કૉલકાતામાં શૂટિંગ કરવા આવ્યા હતા ત્યારે રામાનંદે તેમની સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે રિત્વિક ઘટક, મૃણાલ સેન જેવા શ્રેષ્ઠ દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું હતું. 2007માં ઉત્સવ મુખરજી દ્વારા સેનગુપ્તા ઉપર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘અન્ડર એક્સપોઝ્ડ’ બનાવવામાં આવી હતી. સિદ્ધાર્થ મૈતીએ તેમના ઉપર એક પુસ્તક પણ લખ્યું હતું અને તેમણે પણ ડૉક્યુમેન્ટરી ‘ફ્રેમિંગ લાઇટ અગેન્સ્ટ ધ શેડોઝ’ બનાવી હતી. મોટા ભાગે તેઓ બંગાળી ચલચિત્રો સાથે જ સંકળાયેલા હતા. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની જાણીતી ફિલ્મોમાં ‘ડાકઘર’, ‘બિન્દુર છેલે’, ‘બંધુ’, ‘પર્સનલ આસિસ્ટન્ટ’, ‘નાગરિક’, ‘મેઘ’, ‘હેડ માસ્ટર’, ‘શિલ્પી’, ‘રાત ભોરે’, ‘ધ રિવર’ વગેરેનો સમાવેશ થાય છે. 101 વર્ષની વયે કૉલકાતામાં તેમનું નિધન થયું હતું.
અમલા પરીખ
