જ. 25 એપ્રિલ, 1921 અ. 11 માર્ચ, 2009

અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક અને સંનિષ્ઠ જીવનસાધક વિમલાતાઈ ઠકારનો જન્મ રામનવમીના દિવસે નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. પિતાની તેજસ્વિતાનો વારસો પુત્રી વિમલામાં પણ ઊતર્યો હતો. નાનાના પરિવારમાં સત્સંગનું વાતાવરણ હતું. તેમની પાસેથી વિમલાતાઈએ નાનપણથી જ સ્વાશ્રય, પરિશ્રમ, સચ્ચાઈ અને વ્યવહારશુદ્ધિના સંસ્કાર લીધા. પાંચ વર્ષની વયથી જ ઈશ્વરની ખોજ શરૂ થઈ અને ચૌદ વર્ષની વયે સંન્યાસ લેવાની પ્રતિજ્ઞા કરી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. અને ત્યાંની જ મોરિસ કૉલેજમાંથી દર્શનના વિષય સાથે એમ.એ.ની પદવી સર્વોચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી. કૉલેજમાં ભણતાં હતાં ત્યારે અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑવ્ યૂથ’માં દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ યંગ વિમેન’ની વૈશ્વિક પરિષદમાં પણ ભાગ લીધો હતો. યુનેસ્કો દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવા પરિષદમાં પણ સક્રિય ભાગ લીધો હતો. નાગપુરમાં ભણતાં હતાં ત્યારથી દાદા ધર્માધિકારીના અંગત પરિચયમાં આવ્યાં અને તેમની સાથે સર્વોદય સંમેલનમાં હાજરી આપી. વિનોબા ભાવેના ‘ભૂદાન’ આંદોલનમાં ચૌદ વર્ષ સુધી સક્રિય ભાગ લીધો. દેશમાં કટોકટીનો વિરોધ કરનારાંઓમાં વિમલાતાઈ પણ જયપ્રકાશ નારાયણ સાથે મોખરે હતાં. તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણ, અર્થકારણ અને સમાજકારણનાં પ્રખર હિમાયતી હતાં. તે ઉપરાંત તેઓ ‘અનાગ્રહી ચિત્ત’ તથા ‘સંસારમુક્ત ચેતના’નાં પુરસ્કર્તા હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરેલી નથી કે અનુયાયીઓના કોઈ વર્ગને માળખાકીય માન્યતા આપેલી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં પોતાનો સમય પસાર કરતાં હતાં. તેમના માર્ગદર્શન હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ત્રણ એકમોની નિશ્રામાં ચાલતી હતી : ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન. તેમના વિચારો પર પ્રકાશ પાડતા ગ્રંથોમાં 91 અંગ્રેજી ભાષામાં, 123 ગુજરાતીમાં, 46 હિંદીમાં અને 27 મરાઠીમાં પ્રકાશિત થયા છે. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પડી છે.
અમલા પરીખ
