વિષ્ણુ નારાયણ નાંબુદ્રી (નાંબુથીરી)


જ. 2 જૂન, 1929 અ. 25 ફેબ્રુઆરી, 2021

મલયાળમના પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર વિષ્ણુ નારાયણનો જન્મ કેરલમના તિરુવલ્લામાં થયો હતો. તેમની કવિતાઓમાં ભારતીય પરંપરા તથા આધુનિકતાનો અભૂતપૂર્વ સમન્વય જણાય છે. તેમણે તેમના દાદા પાસેથી વેદો, પુરાણો તથા સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પ્રિન્સ માર્તંડા વર્મા હાઈસ્કૂલ પેરિંગારાથી શાળાકીય શિક્ષણ મેળવ્યું. તે પછી બર્ચમેન્સ (Berchmans) કૉલેજ, ચાંગનાસેરી(Changanassery)થી સ્નાતક થયા અને સેંટ જોસેફ કૉલેજ, દેવગિરિથી અનુસ્નાતકની પદવી પ્રથમ ક્રમાંક સાથે મેળવી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત પેરિંગારા શાળામાં ગણિતના શિક્ષક તરીકે કરી. ત્યારબાદ માલાબાર ક્રિશ્ચિયન કૉલેજમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે કામગીરી કરી. તદ્ઉપરાંત રાજ્યના વિભિન્ન ભાગો જેવા કે, કોઝિકોડ, કોલ્લમ્, પટ્ટામ્બી, અર્નાકુલમ્, ત્રિપુનીથુરા, ચિત્તૂર, થાલાસ્સેરી વગેરે સ્થળોએ અધ્યાપનકાર્ય કર્યું. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ હતી. તેમણે કવિતાઓ ઉપરાંત નિબંધ, અનુવાદ અને બાળસાહિત્ય જેવાં લેખનક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ એક સક્રિય પર્યાવરણવિદ પણ હતા. કેરલમના અરનમુભામાં પર્યાવરણ સંરક્ષણ સંઘર્ષમાં તેમણે અગ્રણી ભૂમિકા નિભાવી હતી. તેમનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો ‘સ્વાતંત્ર્ય ટેકુરિયેચોરુગીતમ્’ ‘ભૂમિગીતંગલ’, ‘ઇન્ડિયેન્નાવિક્રમ’, ‘ચારુલતા’, ‘અપરાજિતા’ વગેરે છે. નિવૃત્તિ બાદ તેમણે તેમના પૈતૃક મંદિર શ્રી વલ્લભ મંદિરમાં પૂજારી તરીકે કામ કર્યું હતું. ભારત સરકારે 2014માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મલયાળમનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર એજુથાચન પુરસ્કારમ્, વાયલાર પુરસ્કાર, વલ્લથોલ પુરસ્કાર, આસાન પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ઓડક્કુઝલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.