જ. 31 જુલાઈ, 1902 અ. 26 ડિસેમ્બર, 1989

વિખ્યાત કાર્ટૂનિસ્ટ, સમર્થ પત્રકાર અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના સ્થાપક શંકર પિલ્લૈનો જન્મ કાયામકુલમ્, કેરળમાં થયો હતો.
ત્રિવેન્દ્રમની મહારાજા કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા. ત્યારબાદ 1927માં કાયદાનું જ્ઞાન મેળવવા મુંબઈ ગયા પરંતુ થોડા જ સમયમાં અભ્યાસ છોડી દીધો. મુંબઈમાં અભ્યાસ દરમિયાન શોખ ખાતર તેઓ કાર્ટૂન ચિત્રો બનાવતા. ખાસ કરીને રાજકીય નેતાઓનાં ચિત્રો દોરવાનું તેઓ પસંદ કરતા. તેમણે ફ્રી પ્રેસ જર્નલ, ક્રોનિકલ, વિકલી હેરલ્ડ વગેરે સમાચારપત્રોમાં પોતાનાં કાર્ટૂન ચિત્રો મોકલવા માંડ્યાં. 1932માં તેઓ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અખબારમાં કાર્ટૂનિસ્ટ તરીકે નિયુક્ત થયા. સ્વતંત્રતા માટેની લડતના સમયમાં તેમણે આ પત્ર દ્વારા યાદગાર કાર્ય કર્યું. 1948માં તેમણે ‘ધ શંકર્સ વીકલી’ શરૂ કર્યું. તે રાજનૈતિક વ્યંગચિત્રો પર આધારિત એક અનોખી સાપ્તાહિક પત્રિકા હતી, જેમાં ઉચ્ચકક્ષાની રમૂજ અને હાસ્ય પીરસતા. શંકરનાં કાર્ટૂનો ખૂબ લોકપ્રિય થયાં અને તેને લીધે ઘણા નવા કાર્ટૂનિસ્ટો શીખવા તથા આગળ વધવા પ્રેરિત થયા. જોકે 1975માં તેમણે આ વીકલી બંધ કર્યું હતું. 1957માં સ્થપાયેલ ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ માટે તેમણે કામ કરવાનું શરૂ કર્યું. ભારતના મધ્યમવર્ગીય બાળકોને પરવડે તેવી કિંમતવાળાં સુંદર ચિત્રોથી સુશોભિત એવાં બાળસાહિત્યનાં આકર્ષક પુસ્તકો તૈયાર કરવાનું તેમનું પ્રયોજન હતું. બાળકો પ્રત્યે અનહદ પ્રેમને કારણે તેમણે ‘ચિલ્ડ્રન્સ વર્લ્ડ’ નામના માસિકનું પ્રકાશન પણ કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચિત્રસ્પર્ધાઓ અને તત્ક્ષણ ચિત્રસ્પર્ધાઓનું આયોજન કર્યું. બાળકો માટે વાંચનાલયો-પુસ્તકાલયો તૈયાર કરાવ્યાં. 1965માં આધુનિક ટૅક્નૉલૉજીની સુવિધાવાળું છાપખાનું તૈયાર કરાવ્યું જેથી ઉત્તમ મુદ્રણકાર્ય થઈ શકે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે 1956માં પદ્મશ્રી, 1966માં પદ્મભૂષણ અને 1977માં પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે.
શુભ્રા દેસાઈ
