જ. 20 મે, 1882 અ. 10 જૂન, 1949

1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાકાર ઉંસેત સિગ્રિડનો જન્મ ડેનમાર્કમાં પણ ઉછેર નૉર્વેમાં થયો હતો. તેના પિતા પુરાતત્ત્વજ્ઞ હતા, તેઓએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો. સિગ્રિડ 16 વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થતાં તેને કારકુની કરવી પડી. તેને બીજી બે નાની બહેનોની જવાબદારી લેવી પડી હતી. કુટુંબની પરિસ્થિતિને જોતાં સિગ્રિડને અભ્યાસ પડતો મૂકી 16 વર્ષની ઉંમરે સેક્રેટરીની નોકરી લેવી પડી. આ કામ આનંદદાયક ન હતું, પણ સંજોગોને આધીન થઈ તેણે દસ વર્ષ સુધી નોકરી કરવી પડી. ત્યારબાદ 1907માં નૉર્વેજિયન લેખકના યુનિયનમાં સામેલ થઈ ગઈ. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હેપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’ 1918માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન આપતી ઉદારચરિત સ્ત્રીઓની વાર્તાઓ છે. તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવાન્સ ડૉટર’માં ચૌદમી અને પંદરમી સદીની કથાઓ છે. લેખિકાએ 1931માં પ્રગટ કરેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. ત્યારબાદ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેવી સફળતા ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થઈ હશે. સિગ્રિડ ઉપદેશક નથી તે જીવનબીજ વાવે છે. તેના નૈસર્ગિક વિકાસમાં જ તેનો જીવનસંદેશ છુપાયેલો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા ગઈ. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેનું સન્માન કર્યું.
અંજના ભગવતી
