જ. 16 જૂન, 1920 અ. 26 સપ્ટેમ્બર, 1989

વારાણસી(ઉત્તરપ્રદેશ)માં જન્મેલ હેમંત કુમારનું પ્રારંભિક શિક્ષણ કૉલકાતામાં થયું. 13 વર્ષની ઉંમરે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. શાળા બાદ વધુ અભ્યાસ માટે તેમણે બંગાળ ટૅકનિકલ શિક્ષણસંસ્થામાં પ્રવેશ લીધો, પણ શારીરિક અસ્વસ્થતાના કારણે પિતાની નારાજગી હોવા છતાં શિક્ષણ છોડીને સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં સાહિત્યક્ષેત્રે પ્રયોગાત્મક રીતે બંગાળી સામયિક ‘દેશ’માં એક ટૂંકી વાર્તા પ્રકાશિત કરી, પણ સંગીતરસિક જીવ છેવટે સંગીતને જ સમર્પિત થયો. 1940માં તેમણે બંગાળી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1942માં હિન્દી સિનેમામાં ‘મિનાક્ષી’ ફિલ્મથી પ્રવેશ કર્યો. 1947માં સંગીતદિગ્દર્શક તરીકે તેમણે બંગાળી ફિલ્મ ‘અભિયાત્રી’માં કામ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જ્યાં તેમની મુલાકાત સાથી સભ્ય અને સંગીતકાર સલીલ ચૌધરી સાથે થઈ. આ જોડીએ 1947માં હૃદયસ્પર્શી ગીતરચના ‘ગણ્યેર બધુ’ (ગ્રામીણ વહુ) રજૂ કરી, જે ખૂબ સફળ રહી. ફિલ્મ ‘આનંદ મઠ’નાં ગીતોને સંગીતબદ્ધ કરવા તેઓ મુંબઈ સ્થળાંતરિત થયા. આ ફિલ્મનું ઐતિહાસિક ગીત ‘વંદે માતરમ્’ ગાયું. તેમણે ‘જાલ’, ‘નાગીન’, ‘હાઉસ નંબર 44’, ‘એક હી રાસ્તા’, ‘દુનિયા ઝૂકતી હૈ’, ‘બીસ સાલ બાદ’ વગેરે ફિલ્મોમાં સુમધુર સંગીત આપ્યું. 1950ના દાયકામાં તેઓ બિનફિલ્મી બંગાળી ગીતો, રવીન્દ્ર સંગીત, બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીત વગેરે થકી કારકિર્દીના શિખર પર રહ્યા. 1959માં હેમંત બેલા પ્રોડક્શન હેઠળ તેમણે ફિલ્મનિર્માણની શરૂઆત કરી. મૃણાલ સેનદિગ્દર્શિત હેમંતદાની પ્રથમ ફિલ્મ ‘નીલ આકાશેર નીચે’ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. બંગાળી અને હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ ગાયું અને સંગીતસર્જન કર્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સહિત અન્ય ઘણા દેશોમાં સંગીતના કાર્યક્રમો આપ્યા. બંગાળ પાછા ફર્યા બાદ તેમણે 1963માં ‘પલટક’ અને અન્ય બંગાળી ફિલ્મોમાં લોકસંગીત અને સુગમસંગીતનું સંયોજન કરી સંગીત આપવાનું ચાલુ રાખ્યું. 1961માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી નિમિત્તે ગ્રામોફોન કંપનીએ હેમંત કુમાર દ્વારા ગવાયેલ રવીન્દ્ર સંગીત બહાર પાડ્યું હતું. ‘ઈશ્વરનો અવાજ‘ તરીકે નામના પામેલા આ ગીતકાર, સંગીતકાર અને ફિલ્મનિર્માતાને બંગાળ સરકાર તરફથી અનેક વાર શ્રેષ્ઠ ગાયકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમને 1956માં ફિલ્મફેર ઍવૉર્ડ અને બે વાર રાષ્ટ્રીય ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2016માં ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ બહાર પાડી હતી.
બીજલ બુટાલા
