એશિયામાં સૌથી મોટું ગણાતું કંબોડિયાનું વિશાળ મંદિર-સંકુલ.
ઈ. સ. ૧૮૫૮માં હેન્રી મૌહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાનીએ કંબોડિયાનાં જંગલો વચ્ચે એક એવું મંદિર શોધી કાઢ્યું જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવેલી ઇમારતો કરતાં પણ ચડિયાતી હતી. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે અંગકોરવાટ નામે ઓળખાતું એ મંદિર એકલુંઅટૂલું નથી, પણ લગભગ ૪૫ ચોરસ કિમી.ના વિસ્તારમાં બંધાયેલાં દેવાલયોના ભવ્ય સંકુલનો તે એક ભાગ છે. અંગકોરવાટ મંદિરની સ્થાપના ખ્મેર સમ્રાટ સૂર્યવર્મા-બીજા(ઈ. સ. ૧૧૧૨–૧૧૫૨)એ કરી હતી. આજે અંગકોરવાટ મંદિર એક વિશાળ જળાશય વચ્ચે ટાપુની જેમ ઊભું છે. તેને ફરતી ખાઈમાં હજી પણ પાણી છે. ખાઈની કુલ લંબાઈ ચાર કિમી. અને પહોળાઈ ૧૯૬ મીટર કરતાં વધારે છે.

અંગકોરવાટનું વિરાટ વિષ્ણુમંદિર-સંકુલ
મંદિરમાં દાખલ થવા માટે ખાઈ પર બાંધેલો પુલ લગભગ ૧૧ મીટર પહોળો અને જમીનથી લગભગ સવા બે મીટર ઊંચો અને ૪૫૩ મી. લાંબો છે. પુલમાર્ગની બંને બાજુએ વિશાળ કદના નાગોની હારમાળા છે. તેમની વિકરાળ ફણાઓ ૪ મી. જેટલી ઊંચી છે. આ પુલમાર્ગ એક વિશાળ ગોપુરને જઈ મળે છે. અહીંથી મંદિર શરૂ થાય છે. મંદિરનું પ્રવેશદ્વાર પશ્ચિમ દિશા તરફ છે. મંદિરમાં પ્રવેશ કરવાના મુખ્ય દ્વારની બંને બાજુના કઠેડાઓ અને મંદિર પરનાં સુશોભનોની શ્રેણીઓ પણ ઉત્તમ કારીગરી દર્શાવે છે. અનેક પૌરાણિક કથાઓ તેનાં ખ્મેર અર્થઘટનો સાથે બારમી સદીના સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ સંસ્કારો સાચવે છે. અહીંનાં શિલ્પો લગભગ ૨૦૦ મી. જેટલો લાંબો વિસ્તાર આવરે છે. એમાં રામાયણ, મહાભારત અને હરિવંશ-પુરાણના પ્રસંગો, પૌરાણિક કથાઓ, વિષ્ણુ અને તેના અવતારો – ખાસ કરીને રામ અને કૃષ્ણની કથાઓ દર્શાવાયાં છે. બાહ્ય સુશોભનોમાં અપ્સરાઓનાં ૧૭૫૦ જેટલાં પૂરા કદનાં કલાત્મક મૂર્તિશિલ્પો છે. અંગકોરવાટ મૂલત: વિષ્ણુમંદિર હતું અને તેના ગર્ભગૃહમાં વિષ્ણુની ભવ્ય પ્રતિમા સ્થાપેલી હતી. પાછળથી કમ્બુજનરેશ જયવર્મા ૭મા(ઈ. સ. ૧૧૮૧–૧૨૧૮)એ એને બૌદ્ધ મંદિરમાં ફેરવ્યું અને તેના ગર્ભગૃહમાં બૌદ્ધ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોવાનું મનાય છે. આવું મંદિર ભગવાન જ રચી શકે એવું સ્થાનિક લોકો માને છે અને તેથી તે દેવોના શિલ્પી વિશ્વકર્મા દ્વારા નિર્માયેલું હોવાનું જણાવે છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1
