જ. 27 મે, 1913 અ. 11 મે, 2004

પ્રખ્યાત મરાઠી નર્તક, કૉરિયૉગ્રાફર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનર કૃષ્ણદેવ મુલગુંડનો જન્મ નાશિકમાં થયો હતો, જ્યાં તેમનું બાળપણ વીત્યું. 21 વર્ષની ઉંમરે, તેઓ ફાઇન આર્ટસનો અભ્યાસ કરવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા. તેમણે ક્યારેય ઔપચારિક રીતે નૃત્યનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ આ સમય દરમિયાન તેઓ મુંબઈના ઓપન થિયેટર્સમાં અવારનવાર જવા માંડ્યા. ભારતીય શાસ્ત્રીય નર્તક ઉદય શંકરને નૃત્ય કરતા જોવાનો લ્હાવો તેમના જીવનની એક નિર્ણાયક ઘડી હતી. ઉદય શંકરનું નૃત્ય જોવા માટે ટિકિટ લેવાના પૈસા ન હોવાને કારણે તેમણે પોતાના રંગો અને બ્રશ વેચી ટિકિટ લીધી. નૃત્ય જોઈને તેઓ એટલા અભિભૂત થઈ ગયા કે દરવાનને થોડા આનાની લાંચ આપી, ઉદય શંકરને મળ્યા. તેમને પોતાની કથની વર્ણવી અને ઉદય શંકરે મુલગુંડ તેમના બધા જ શો વિના મૂલ્યે જોઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી. સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી સ્નાતક થયા પછી, તેઓ પુણે આવ્યા. અહીં તેઓ રેણુકા સ્વરૂપ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. ત્યાં તેમણે લોકનૃત્ય શીખવવાનું શરૂ કર્યું. પુણેમાં બાળકોના રંગભૂમિ અને બાળનાટ્યનો વિચાર વિકસાવ્યો. તે સમયે રોહિણી હટ્ટંગડી અને સ્મિતા પાટિલ જેવાં કુશળ મરાઠી કલાકારો પણ શરૂઆતના દિવસોમાં તાલીમ માટે તેમની પાસે આવતાં હતાં. તેમણે મુલગુંડના બાળનાટક ‘મંત્રેલું પાણી’માં અભિનય પણ કર્યો હતો. નાટકો લખવાની સાથે, તેઓ ફિલ્મો માટે કૉરિયૉગ્રાફી અને કૉસ્ચ્યુમ ડિઝાઇન પણ કરતા હતા. ‘ઘાસીરામ કોટવાલ’માં પણ તેમનું મહત્ત્વનું યોગદાન હતું. મુલગુંડે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત નાટક બાબાસાહેબ પુરંદરેના ‘જાણતા રાજા’નું પણ કૉરિયૉગ્રાફ કર્યું હતું. તેમણે સમર્થ રામદાસના કાર્ય પર આધારિત ‘આનંદ વન ભુવાની’માં પણ કામ કર્યું હતું. કલા અને નૃત્યક્ષેત્રે મુલગુંડના યોગદાનને બિરદાવતાં તેમને કલાછાયા ઍવૉર્ડ, કલાગૌરવ ઍવૉર્ડ અને અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
અમલા પરીખ
