જ. 8 જૂન, 1936 અ. 15 જૂન, 2013

1982માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી કેનિથ ગેડેસ વિલ્સનનો જન્મ મૅસેચૂસેટ્સના વોલ્થમાં થયો હતો. પિતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી હતા અને માતા ભૌતિકશાસ્ત્રી હતાં. 16 વર્ષની ઉંમરે હાર્વર્ડ કૉલેજમાં દાખલ થયા. ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1961માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી મરે ગેલ-મેનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ 1963માં કોર્નેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1970માં પ્રોફેસર બન્યા. આ સમયગાળામાં તેમણે સ્ટેનફર્ડ લિનિયર એક્સિલરેટર (સુરેખ પ્રવેગક) પર સંશોધનો કર્યાં. કોર્નેલ થિયરી સેન્ટરના તેઓ નિર્દેશક બન્યા. 1988માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં કાર્યરત રહ્યા. તેમના સંશોધનકાર્યને લીધે ક્વૉન્ટમ ક્ષેત્રે સિદ્ધાંતના મૂળભૂત પ્રશ્નો પર સમજણ વિકસી. હેડ્રોનની અંદર રહેલા ક્વાર્કના અસ્તિત્વ તથા વર્તણૂક પર પ્રકાશ પડ્યો. કણ ભૌતિકશાસ્ત્ર(Particle Physics)ના અભ્યાસ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તેઓ અગ્રણી હતા. 1982માં તેમને પ્રવાહીમાંથી વાયુયુક્ત સ્થિતિમાં પદાર્થના પરિવર્તન જેવા તબક્કા સંક્રમણો પરના તેમના કાર્ય માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓને 1980માં ભૌતિકશાસ્ત્રમાં ફિશર તથા કેડેનહોફની સાથે વુલ્ફ પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેઓને એરિન્ગન ચંદ્રક (1984), ફ્રેન્કલિન ચંદ્રક (1982), બોલ્ટ્ઝમૅન ચંદ્રક (1975) તથા ડેની હાઈનમૅન પ્રાઇઝ (1973) વગેરે પ્રાપ્ત થયાં હતાં. એચ. આર. કૃષ્ણમૂર્તિ, રોમન જેકિવ, માઇકલ પેસ્કિન વગેરે વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.
અંજના ભગવતી
