દિબ્રુગઢ


અસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ડુંગરાળ ટેકરીઓ પર જંગલો છવાયેલાં છે. મેદાનોમાં ડાંગર, શેરડી, તેલીબિયાં અને બટાટા જેવા પાકોની અને ડુંગરાળ ઢોળાવો પર ચાની ખેતી થાય છે. દિબ્રુગઢ નગર બ્રહ્મપુત્ર નદીના ઉપલા ખીણપ્રદેશમાં બ્રહ્મપુત્ર અને દિબ્રુ નદીના સંગમ પર વસેલું છે. સમુદ્રસપાટીથી તે આશરે 105 મીટરની ઊંચાઈએ લગભગ 27° 29´ ઉ. અ. અને 94° 54´ પૂ. રે. પર આવેલું છે.

નદીકાંઠે આવેલું હોવાથી તેને બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગની સુવિધાઓ મળેલી છે. આસામનાં મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રોમાં તેની ગણના થાય છે. અહીંથી જળમાર્ગે ચોખા અને ચાની નિકાસ થાય છે.

જિલ્લાની અને શહેરની વસ્તી આશરે 15.10 લાખ અને 2.0 લાખ જેટલી છે (2026). દિબ્રુગઢ નગરનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. હોય છે. વળી ત્યાંના વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,759 મિમી. જેટલું રહે છે. શહેરમાં ચા-પ્રોસેસિંગ, લોખંડ અને પોલાદની ચીજવસ્તુઓ, ઍલ્યુમિનિયમનાં વાસણો, સાઇકલના છૂટા ભાગ, સિગારેટ તથા ચાના બગીચાને ઉપયોગી ઓજારો બનાવવાને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસી છે. ઉપરાંત અહીં ચોખા અને ખાદ્યતેલનો મિલ-ઉદ્યોગ ઉપરાંત કુટિર-ઉદ્યોગો છે. દિબ્રુગઢ યુનિવર્સિટી(1965)નું તે મુખ્ય મથક છે. આસામની તબીબી કૉલેજ, કૃષિ-વિદ્યાપીઠ તેમજ વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય-કૉલેજો તેની સાથે સંલગ્ન છે. તે રાજ્યના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગો છે. બ્રહ્મપુત્ર નદીને સમાંતર ધોરી માર્ગ આ નગરમાંથી પસાર થાય છે. ‘મોહનબારી’ નામે ઓળખાતું હવાઈ મથક ત્યાં આવેલું છે. તે ભૂમિમાર્ગે તથા હવાઈ માર્ગે આસામનાં ગુવાહાટી અને દીમાપુર તથા પશ્ચિમ બંગાળના કૉલકાતા તથા દેશનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દિબ્રુગઢ, પૃ. 379 અથવા જુઓ https://gujarativishwakosh.org/દિબ્રુગઢ/)