જ. 10 જૂન, 1892 અ. 15 સપ્ટેમ્બર, 1963

સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતાસેનાની પોનકા કનકમ્માનો જન્મ નેલ્લોરમાં થયો હતો. તેમનું જીવન દૃઢતા, સંકલ્પ અને ન્યાયની અતૂટ શોધનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તેઓ એક સમૃદ્ધ જમીનદારનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન ફક્ત આઠ વર્ષની વયે તેમના મામા સુબ્બારાવ રેડ્ડી સાથે કરવામાં આવ્યાં. પતિ રૂઢિવાદી હોવાને કારણે શાળામાં જઈ અભ્યાસ કરવાની અનુમતિ ન મળી. આથી કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરી ન શક્યાં, પરંતુ અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતાં કનકમ્મા જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા ધરાવતાં હોવાથી જાતે જ સ્વશિક્ષિત બન્યાં. તેઓ તેલુગુ, હિંદી અને સંસ્કૃત ભાષામાં પારંગત બન્યાં. 1916થી 1919 સુધી થોડો સમય ક્રાંતિકારી રાજનીતિના પ્રભાવમાં રહ્યાં. ત્યારબાદ ગાંધીજીનાં અનુયાયી બન્યાં. તેમણે પેન્ના નદીને કિનારે નેલ્લોરથી લગભગ 8 માઈલ દૂર પલ્લીપાડુ ગામમાં 13 એકર જમીન ખરીદી અને તેમના ક્રાંતિકારી મિત્રોને હથિયાર છુપાવવા તથા અન્ય પ્રવૃત્તિઓ માટે સોંપી દીધી. તેમણે સ્થાપેલા પિનાકિની સત્યાગ્રહ આશ્રમનું ગાંધીજીએ 7 એપ્રિલ, 1921માં ઉદ્ઘાટન કર્યું હતું. કનકમ્માએ વંદે માતરમ્ આંદોલન, અસહયોગ આંદોલન તથા મીઠાના સત્યાગ્રહમાં સક્રિય ભાગ લીધો હતો. તે માટે તેમણે બે વર્ષ કઠોર કારાવાસ ભોગવ્યો હતો. 1923માં તેમણે કન્યાઓ માટે ‘કસ્તૂરી વિદ્યાલયમ્’ની સ્થાપના કરી. નેલ્લોર પાસે પોટલાપુડી ગામમાં ‘સુજના રંજની સમાજમ્’ અને ‘વિવેકાનંદ ગ્રંથાલય’ની સ્થાપના કરી. તેમણે હરિજનો અને ગરીબોના ઉત્કર્ષ માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તેઓ નેલ્લોર કૉંગ્રેસ કમિટીનાં પ્રથમ અધ્યક્ષ હતાં. તેઓ એક કવયિત્રી પણ હતાં. તેમણે રમણ મહર્ષિ પર કેટલીક દાર્શનિક કવિતાઓ લખી છે. તેમણે ભગવદ્ગીતાનો સાર તેલુગુમાં ‘જ્ઞાન નેત્રમ્’ નામે અનુવાદિત કર્યો હતો. તેમણે તેલુગુ સાપ્તાહિક પત્રિકા ‘જમીન રાયતુ’ પ્રકાશિત કરી હતી. તેમણે સામાજિક માપદંડોને પડકારીને સમાજના કલ્યાણ તથા ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ માટે તેમને ગૃહલક્ષ્મી સ્વર્ણકંકનમ્ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શુભ્રા દેસાઈ
