જ. 23 જૂન, 1875 અ. 30 ઑક્ટોબર, 1929

બ્રિટિશ ભારતીય રમતવીર અને અભિનેતા નોર્મન પ્રીચાર્ડનો જન્મ કૉલકાતામાં જ્યોર્જ પીટરસન પ્રીચાર્ડ અને હેલેન પ્રીચાર્ડને ત્યાં થયો હતો. તેમણે કૉલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જુલાઈ, 1897માં સોવાબજાર સામે ઓપન ફૂટબૉલ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ વતી રમતા પ્રથમ હૅટ્રિક મારી હતી. 1894થી 1900 સુદી પ્રીચાર્ડે સતત સાત વર્ષ સુધી બંગાળ પ્રાંત 100 યાર્ડસ સ્પ્રિન્ટ ટાઇટલ જીત્યું હતું અને 1898-99માં રેકૉર્ડ બનાવ્યો હતો. તેમણે 440 યાર્ડ ડેશ અને 120 યાર્ડસ્ હર્ડલ્સ પણ જીત્યા હતા. પ્રીચાર્ડ ઑલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા અને ઑલિમ્પિક મેડલ જીતનાર અને એશિયન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર પણ પ્રથમ ખેલાડી હતા. તેમણે 1900 સમર ઑલિમ્પિક્સમાં બે રજત પદક જીત્યા હતા. 200 મીટર દોડમાં અને 200 મીટર હર્ડલ્સ દોડમાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા. તેઓ 110 મીટર હર્ડલ્સની ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ રેસ પૂર્ણ કરી શક્યા ન હતા. 100 મીટર સ્પ્રીન્ટસમાં તેઓ ફાઇનલ માટે ક્વૉલિફાય થવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે 1900થી 1902 સુધી ભારતીય ફૂટબૉલ ઍસોસિયેશનના સચિવ તરીકે સેવા આપી હતી. 1905માં તેઓ કાયમી ધોરણે બ્રિટનમાં સ્થાયી થવા ગયા હતા. ત્યારબાદ તેઓ અભિનયમાં કારકિર્દી બનાવવા માટે અમેરિકા ગયા અને નોર્મન ટ્રેવર નામથી મૂક હોલિવુડ ફિલ્મોમાં અભિનય કરનાર પ્રથમ ઑલિમ્પિયન બન્યા હતા. તેમણે 1924 દરમિયાન બ્રોડવે પર છ મહિના સુધી ચાલેલા ‘ધ ગુસ હેંગ્સ હાઈ’માં મુખ્ય પુરુષ અભિનેતા તરીકે નોંધપાત્ર સફળતા મેળવી હતી. ટ્રેવર થિયેટરમાં સ્ટાર સિસ્ટમનો વિરોધ કરતા હતા. 2005માં IAAFએ 2004 સમર ઑલિમ્પિક્સ માટે સત્તાવાર ટ્રૅક અને ફિલ્ડ આંકડા પ્રકાશિત કર્યા. ઐતિહાસિક રેકૉર્ડ વિભાગમાં પ્રીચાર્ડને 1900માં ગ્રેટ બ્રિટન માટે સ્પર્ધા કરનાર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. જોકે 1900માં મોટા ભાગના બ્રિટિશ પ્રેસ તેમના રાષ્ટ્રને ભારત તરીકે નોંધે છે. (IOC) ઇન્ટરનેશન ઑલિમ્પિક કમિટી પ્રીચાર્ડને ભારત વતી સ્પર્ધા કરનાર માને છે અને તેમના બે મેડલનો શ્રેય ભારતને આપવામાં આવે છે.
અમલા પરીખ
