ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોં


જ. 17 જુલાઈ, 1943 અ. 14 ડિસેમ્બર, 1971

1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોંનો જન્મ લુધિયાણા જિલ્લાના રૂરકા ઇસેબલ ગામમાં થયો હતો. પિતા ત્રિલોક સિંહ અને માતા હરબંસ કૌર. પિતા વાયુસેનામાં હતા. નિર્મલજીત સિંહનું શાળેય શિક્ષણ અજિતસર મોહી હાઈસ્કૂલમાં થયું હતું. 1962માં દયાલબાગ એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ થયા પરંતુ અભ્યાસ છોડીને ફાઇટર પાઇલટ તરીકે વાયુદળમાં જોડાયા. તાલીમ પછી ઑક્ટોબર, 1968માં 18 સ્ક્વૉડ્રનમાં સામેલ થયા. 1971માં લગ્ન થયા. એ સમયે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થતાં તેઓ યુદ્ધમોરચે ગયા. પાકિસ્તાન તરફથી થતા હવાઈ હુમલામાં ઍરસ્પેસની સુરક્ષાની જવાબદારી 18 સ્ક્વૉડ્રનને આપવામાં આવી હતી. 14 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના 6F -86 જેટે શ્રીનગર ઍરબેઝ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિમાનોએ સ્ટ્રીપ પર ઊડી ગોળીઓનો મારો ચલાવ્યો. આ સ્થિતિમાં ઉડાન ભરવી મુશ્કેલ હતી તેમ છતાંય નિર્મલજીત સિંહે ઉડાન ભરી અને દુશ્મનનું એક વિમાન તોડી પાડ્યું. બીજું વિમાન આગની લપેટમાં આવ્યું. આ દરમિયાન ફ્લાઇંગ લેફ્ટેનન્ટ ધુમ્મન સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હોવાથી તેઓ એકલા આકાશમાં દુશ્મનો સાથે લડી રહ્યા હતા. પાકિસ્તાનના ચાર સૈબર વિમાનોએ તેમના વિમાનને ઘેરી લીધું. લડાઈ ખૂબ ઓછી ઊંચાઈ પર થઈ તોપણ તેમણે એકલાએ હિંમત હાર્યા વિના સામનો કર્યો. તેમના વિમાન પર દુ્શ્મનોએ હુમલો કરતાં તેમનું વિમાન તૂટી પડ્યું અને તેઓ શહીદ થયા. તેમનાં વિમાનનો ભંગાર મળી આવ્યો પરંતુ તેમનો મૃતદેહ ન મળ્યો. ભારત સરકારે તેમના અજોડ પરાક્રમ બદલ તેમને મરણોત્તર પરમવીરચક્રથી સન્માનિત કર્યા હતા. આંદામાન અને નિકોબારના ટાપુઓમાં એક ટાપુનું નામ નિર્મલજીત સિંહના નામ પરથી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, લુધિયાણા જિલ્લા કોર્ટ અને શાળામાં પણ તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતના ટપાલખાતાએ જાન્યુઆરી, 2000માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ તેમની સ્મૃતિમાં બહાર પાડી હતી.