માલતીદેવી ચૌધરી


જ. 26 જુલાઈ, 1904 અ. 15 માર્ચ, 1998

ગાંધીવાદી વિચારક, સમાજસેવિકા અને લેખિકા માલતીદેવીનો જન્મ કૉલકાતામાં ઉચ્ચ મધ્યમ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કુમુદનાથ સેન બૅરિસ્ટર હતા અને માતા સ્નેહલતા લેખિકા. અઢી વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું. તેમની માતાએ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો અનુવાદ કર્યો હતો. માલતીદેવી 1921માં સોળ વર્ષની ઉંમરે શાંતિનિકેતનમાં જોડાયાં અને છ વર્ષ ત્યાં અભ્યાસ કર્યો. ખુલ્લામાં વૃક્ષો નીચે અભ્યાસ કરવાની સાથોસાથ હસ્તકલા, સંગીત, નૃત્ય, ચિત્રકામ અને બાગકામ પણ શીખ્યાં. ગુરુદેવ રવીન્દ્રનાથ તેમને ‘મીનૂ’ કરીને સંબોધતા હતા. ટાગોરના શિક્ષણ, સિદ્ધાંતો અને દેશભક્તિના વિચારોનો પ્રભાવ માલતીદેવી પર પડ્યો. આ સમયે ઓડિશાના જાણીતા જમીનદાર પરિવારમાંથી નબકૃષ્ણ ચૌધરી વિદ્યાર્થી તરીકે શાંતિનિકેતન આવ્યા હતા. તેમની સાથે માલતીદેવીના લગ્ન થયાં, ચૌધરી પાછળથી ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. 1927માં બંને શાંતિનિકેતન છોડી, લગ્ન કરી ઓડિશા આવ્યાં. અહીં માલતીદેવીએ સ્ત્રીશિક્ષણ, ખાદીપ્રચાર, ગ્રામીણ પુનઃનિર્માણનાં કામો કર્યા. ગાંધીવિચારવાદી માલતીદેવી અંગ્રેજ વિરોધી આંદોલનો અને ચળવળોમાં સક્રિય રીતે ભાગ લેતાં તેથી તેમને જેલવાસ થયો હતો. જેલમાં કેદીઓને ભણાવ્યા અને ગાંધીવિચારોનો પ્રચાર કર્યો. 1934માં ઓડિશામાં ગાંધીજીની પદયાત્રામાં જોડાયેલાં. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં. 1946માં માલતીદેવીએ અંગુલ ખાતે બાજીરાવ છત્રવાસ અને 1948માં ઉત્કલ નવજીવન મંડળની સ્થાપના કરી અને પછાત અને આદિવાસીનાં શિક્ષણ અને વિકાસ માટેનાં કાર્યો કર્યાં હતાં. તેઓ ગાંધીજી સાથે નોઆખલી યાત્રામાં જોડાયાં હતાં. માલતીદેવીનાં પુત્રી ઉત્તરાદેવીના લગ્ન મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ સાથે થયાં હતાં. માલતીદેવીને જમનાલાલ બજાજ ઍવૉર્ડ, ઉત્કલ સેવા સન્માન, ટાગોર સાક્ષરતા પુરસ્કાર અને બાળકલ્યાણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. બંધારણ સભાની 50મી વર્ષગાંઠ નિમિત્તે 1997માં લોકસભા અને રાજ્યસભા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.