: ઉત્તરપ્રદેશ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 26° 6´ ઉ. અ.થી 26° 48´ ઉ. અ. અને 83° 21´ પૂ. રે.થી 84° 16´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર જિલ્લો, પૂર્વમાં બિહાર રાજ્યના ગોપાલગંજ અને શિવાન જિલ્લા, દક્ષિણે મઉ અને બલિયા જિલ્લા જ્યારે પશ્ચિમે ગોરખપુર જિલ્લો આવેલા છે. તે સમુદ્રની સપાટીથી આશરે 70 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ જિલ્લો નેપાળમાંથી ઉદ્ગમ પામતી નદીઓ ઘાગરા, ચોટીગંડક અને રપટી નદીઓના કાંપ-માટીના નિક્ષેપને કારણે બન્યો હોવાથી તે લગભગ સમતળ છે. એક કિલોમીટરે એક ઇંચનો પણ ઢોળાવ જોવા મળતો નથી. વધુ વરસાદ જ્યારે પડે છે ત્યારે અહીં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ નદીઓ હંમેશાં માર્ગ બદલતી રહે છે, જેથી ચોમાસાની ઋતુ દરમિયાન પૂરનો ભય રહેતો હોય છે.

જુલાઈનું તાપમાન 26–41° સે. અને જાન્યુઆરીનું તાપમાન 9–24° સે. જોવા મળે છે. અહીં વાર્ષિક વરસાદ આશરે 1000થી 2000 મિમી. જેટલો પડે છે. આ જિલ્લામાં લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલનની છે. આ વિસ્તારમાં લગભગ દર વર્ષે પૂરના કારણે જમીનનું નવું સ્તર નિર્માણ પામે છે. પરિણામે જમીનની ફળદ્રૂપતા બની રહે છે. આ માટીનો રંગ આછો હોય છે. ચૂનાનાં તત્ત્વોનું પ્રમાણ ઓછું અને ચીકાશનું પ્રમાણ અધિક હોય છે. આ જમીનમાં ભેજનો સંગ્રહ વધુ થાય છે. આ જમીનમાં ખાદ્યાન્ન પાકોમાં જવ, ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ, કઠોળનું ઉત્પાદન વધુ લેવાય છે. જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, કપાસ, તેલીબિયાંની ખેતી થાય છે. ખેતીની સાથે પશુપાલનની પ્રવૃત્તિ સંકળાયેલી છે. પાણી અને લીલો ઘાસચારો પર્યાપ્ત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અહીં ભેંસ-ગાયનું પ્રમાણ અધિક હોવાથી અહીં દૂધ અને તેની આડપેદાશો બનાવવાના એકમો સ્થપાયેલા છે. ખાંડ અને ખાંડ પરના પ્રક્રમણના ઔદ્યોગિક એકમો જિલ્લામાં જોવા મળે છે. આ જિલ્લાનો વિસ્તાર 2,538 ચો.કિમી. છે. જ્યારે વસ્તી આશરે (2026 મુજબ) 36,10,000 છે. આ જિલ્લામાં જિલ્લામાર્ગો અને તાલુકામાર્ગોનું જાળું પથરાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રેલવે માર્ગોનું પ્રમાણ ઓછું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે, નીતિન કોઠારી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દેવરિયા/)
