જે. પી. વાસવાણી


જ. 2 ઑગસ્ટ, 1918 અ. 12 જુલાઈ, 2018

‘દાદા વાસવાણી’ તરીકે વધુ જાણીતા ભારતીય આધ્યાત્મિક નેતા જશન પહલાજરાય વાસવાણીનો જન્મ હૈદરાબાદ, સિંધ, બ્રિટિશ ભારતમાં થયો હતો. તેમના પિતા પહલાજરાય હૈદરાબાદ ટ્રેનિંગ કૉલેજ ફોર ટીચર્સ સાથે કામ કરતા હતા અને અંતે કરાંચીની બધી જ પ્રાથમિક શાળાઓના સુપરવાઇઝર બન્યા હતા. તેમની માતા કૃષ્ણાદેવી તે દિવસોમાં અંગ્રેજી શિક્ષણનો લાભ મેળવનારા પ્રથમ થોડી મહિલાઓમાંનાં એક હતાં. વાસવાણીનું ઔપચારિક શિક્ષણ ત્રણ વર્ષની ઉંમરે શરૂ થયેલું. બે ડબલ પ્રમોશન મેળવ્યા પછી, વાસવાણીએ તેમનું પ્રાથમિક શિક્ષણ સામાન્ય પાંચ વર્ષની જગ્યાએ ત્રણ વર્ષમાં પૂર્ણ કર્યું. સાત વર્ષની ઉંમરે ટી. સી. પ્રાથમિક શાળામાંથી તેમનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમને અંગ્રેજી ભાષામાં તાલીમ આપવા માટે એક ખાસ શિક્ષકની નિમણૂક કરવામાં આવી. તેમની અંગ્રેજી માધ્યમની શાળામાં બદલી કરવામાં આવી. ત્યારબાદ તેમને રોઝરી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને ત્રણ વખત પ્રમોશન મળ્યું, જેના કારણે તેઓ ઘણા સમય પહેલાં હાઈસ્કૂલમાં જોડાયા. ત્યારપછી તેઓ સેન્ટ પેટ્રિક સ્કૂલમાં ગયા જ્યાં તેમણે તેમના પિતાના મૃત્યુના બે વર્ષ પહેલાં શિક્ષણ પૂર્ણ કર્યું. પિતાના અવસાન બાદ પરિવાર ગંભીર નાણાકીય કટોકટીમાં ડૂબી ગયો હતો. દાદા વાસવાણી તેમના ગુરુ સાધુ વાસવાણી દ્વારા સ્થાપિત ‘સાધુ વાસવાણી’ મિશનના આધ્યાત્મિક વડા હતા. તેમણે શાકાહાર અને પ્રાણી અધિકારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ મોટાભાગે અંગ્રેજીમાં પ્રવચન આપતા હતા. આ સંસ્થાનું મુખ્ય મથક ભારતમાં પુણે ખાતે છે. તેનાં કેન્દ્રો વિશ્વભરમાં સ્થિત છે. તેમણે સિંધી અને અંગ્રેજીમાં લગભગ 150 સ્વ-સહાય પુસ્તકો લખ્યાં છે. વાસવાણીએ લંડનમાં વેસ્ટમિન્સ્ટર પૅલેસ, ઑક્સફર્ડમાં આધ્યાત્મિક નેતાઓના વૈશ્વિક મંચ, શિકાગોમાં ધર્મસંસદ અને ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓના મિલેનિયમ વિશ્વ શાંતિ સંમેલન સહિત અનેક સ્થળોએ ભાષણ આપ્યાં હતાં. વાસવાણીએ ‘ધ મોમેન્ટ ઑવ્ કાલ્મ’(Calm)નો પ્રારંભ કર્યો હતો. લોકો તેમના જન્મદિવસ 2 ઑગસ્ટના રોજ બે મિનિટનું મૌન પાળે છે અને બધાને માફ કરવાનું પસંદ કરે છે.