વસ્તીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્ત્વનું રાજ્ય.
ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૫૨´થી ૩૧° ૨૮´ ઉ. અ. અને ૭૭° ૦૩´થી ૮૪° ૩૯´ પૂ. રે.ની વચ્ચેનો ૨,૪૩,૨૮૬ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ રાજ્યની વસ્તી ૨૪.૭૦ કરોડ (૨૦૨૬) છે. ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે ઉત્તરપ્રદેશ આવે છે. આ રાજ્યની પશ્ચિમે રાજસ્થાન, વાયવ્યે હિમાચલ પ્રદેશ અને દિલ્હી (રાષ્ટ્રીય પાટનગર), ઉત્તરે ઉત્તરાખંડ અને નેપાળ, પૂર્વે બિહાર જ્યારે દક્ષિણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ રાજ્યોની સીમા ધરાવે છે. નેપાળ દેશની આંતરરાષ્ટ્રીય સીમાનું મહત્ત્વ વધુ છે. તરાઈના ભેજવાળા વિસ્તારમાં સાગ, સાલ, વાંસ તેમ જ ઊંચું ઘાસ જોવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં આંબા, લીમડા અને પીપળાનાં વૃક્ષો નજરે પડે છે. નેપાળ સાથેના સીમાવર્તી પ્રદેશમાં વાઘ અને દીપડા જેવાં હિંસક પ્રાણીઓ તથા જંગલ વિસ્તારમાં હરણ, સસલાં, વરુ, નીલગાય જેવાં પ્રાણીઓનું પ્રમાણ અધિક રહે છે. પહાડી વિસ્તારમાં ઘેટાં, બકરાં અને ખચ્ચર; જ્યારે મેદાની વિસ્તારમાં ગાય, ભેંસ જેવાં દુધાળાં પ્રાણીઓનું પ્રમાણ અધિક રહે છે. અહીં પ્રાણીઓ માટેનાં કેટલાંક અભયારણ્યો આવેલાં છે. રાજ્યમાં જંગલી પ્રાણીઓ પૈકી વાઘની વસ્તી બીજા ક્રમે છે. કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે.

પ્રયાગરાજમાં દર બાર વર્ષે કુંભમેળો તથા દર છ વર્ષે અર્ધકુંભમેળો ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાએ ગંગાસ્નાન માટે દેશભરમાંથી લાખો લોકો ત્યાં જાય છે. અયોધ્યાનું રામમંદિર, આગ્રાનો તાજમહાલ દેશવિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. પ્રયાગરાજ(ઇલાહાબાદ) પાસે પ્રયાગનો ત્રિવેણીસંગમ તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં નહેરુ પરિવારનું ‘આનંદભવન’ પણ આવેલું છે. મથુરા-વૃંદાવન વૈષ્ણવ સંપ્રદાયનાં કેન્દ્રો છે. સારનાથમાં આવેલ અશોકસ્તંભ ઉપરથી સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક બનાવવામાં આવ્યું છે. કાશીમાં વિશ્વનાથનું લિંગ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. વારાણસી (કાશી) સમગ્ર દેશના હિંદુઓનું મહત્ત્વનું યાત્રાધામ છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઉત્તરપ્રદેશ, પૃ. 196)
