જ. 1 ઑગસ્ટ, 1892 અ. 9 ડિસેમ્બર, 1977

અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર ચિત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક રવિશંકર રાવળનો જન્મ ભાવનગરમાં થયો હતો. દસમા વર્ષે પિતાજી સાથે મહેસાણા આવ્યા અને નાનાં ચિત્રો બનાવવા લાગ્યા. ભાવનગરમાં ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. 1909માં મૅટ્રિક પાસ થયા. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં આર્ટસમાં અભ્યાસ કર્યો પણ 1911માં અભ્યાસ અધૂરો છોડી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. 1915માં સૂરતમાં યોજાયેલી સાહિત્ય પરિષદમાં રણજિતરામ વાવાભાઈના પ્રયત્નોથી કલાપ્રદર્શનમાં તેમના ત્રણ લઘુ કદનાં ચિત્રો પ્રદર્શિત થયાં અને પરિષદ તરફથી રૌપ્ય ચંદ્રક મળ્યો. એ જ વર્ષે હાજી મહમ્મદ શિવજી અલારખિયા સાથે ઓળખાણ થઈ અને સચિત્ર સામયિક ‘વીસમી સદી’ના પ્રથમ અંક પર તેમના દ્વારા ચિત્રિત ગુજરાતી નારીનું ચિત્ર છાપવામાં આવ્યું. ત્યારબાદ પછીના અંકોમાં કનૈયાલાલ મુનશીની સોલંકીયુગની નવલયત્રીનાં કેટલાંક પ્રકરણો માટે પ્રસંગચિત્રો આલેખ્યાં. 1916માં તેમને જે. જે. સ્કૂલનો મેયો મેડલ મળ્યો અને 1917માં તેમના ચિત્ર ‘બિલ્વમંગળ’ને બૉમ્બે આર્ટ સોસાયટીનો પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મળ્યો. તે જ વર્ષમાં કલાવિષયક પત્રકારત્વ શરૂ કર્યું અને ‘કલાની કદર’ નામનો પહેલો લેખ ‘સાહિત્ય’ માસિકમાં પ્રગટ કર્યો. વળી આ જ વર્ષના ‘વીસમી સદી’ના અંકમાં ન્હાનાલાલ ‘મેઘદૂત’ના સમશ્લોકી અનુવાદ સાથે તેમણે ઉદાહરણચિત્રો દોર્યા હતાં. 1919માં તેમણે અમદાવાદ ખાતે બચુભાઈ રાવત સાથે મેળાપ થયો. 1920માં યોજાયેલા છઠ્ઠા સાહિત્ય પરિષદ સંમેલનના કલાપ્રદર્શનના ક્યુરેટર નિમાયા. ‘કલાપીનો કેકારવ’ માટે ઉદાહરણચિત્રો દોર્યાં અને ‘સત્યવાન સાવિત્રી’ નામનું મોટું તૈલચિત્ર પણ સર્જ્યું. 1935માં ‘ગુજરાત ચિત્રકલા સંઘ’ની સ્થાપના કરી. 1925માં તેમને કાલિદાસ પારિતોષિક, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ તથા ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ મળ્યા. કાકાસાહેબ કાલેલકરે તેમને ‘ગુજરાતના કલાગુરુ’નું બિરુદ આપ્યું હતું.
રાજશ્રી મહાદેવિયા
