કિશોરકુમાર


જ. 4 ઑગસ્ટ, 1929 અ. 13 ઑક્ટોબર, 1987

હિન્દી ફિલ્મજગતના ગાયક, અભિનેતા, સંગીતનિર્દેશક અને ફિલ્મનિર્દેશક કિશોરકુમારનો જન્મ મધ્યપ્રદેશના ખાંડવા ગામે બંગાળી પરિવારમાં થયો હતો. પિતા કુંજીલાલજી ગાંગુલી અને માતા ગૌરીદેવી. કિશોરકુમારનું મૂળ નામ આભાસ ગાંગુલી હતું. કુદરતી સુરીલું ગાયન તથા કર્ણપ્રિય બુલંદ અવાજના માલિક કિશોરકુમારનું નામ ભારતના સૌથી લોકપ્રિય ગાયકોમાં મોખરે લેવાય છે. ફિલ્મજગતમાં પદાર્પણ કરવા માટે ફિલ્મજગતની માંગ મુજબ નામ બદલીને કિશોરકુમાર નામ રાખવામાં આવ્યું. મોટા ભાઈ અશોકકુમાર ફિલ્મજગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા હતા. કિશોરકુમારને ગણગણતા સાંભળીને સંગીતકાર ખેમચંદ પ્રકાશે 1948માં ફિલ્મ ‘ઝિદ્દી’માં ‘મરને કી દુઆએ ક્યું માંગુ’ ગવડાવીને ગાયનક્ષેત્રે પદાર્પણ કરાવ્યું. શરૂઆતમાં કે. એલ. સાયગલથી પ્રભાવિત હોવાને કારણે કિશોરકુમાર સાયગલની શૈલીમાં ગાતા. સાયગલના સમજાવવાથી પોતાની આગવી મૌલિક શૈલી ઊભી કરી. નવી કેડી કંડારી અને ભાવકોને 25,000થી વધુ ગીતો આપ્યાં. યોડલિંગની શૈલી પોતાના કેટલાંક ગાયનોમાં ઉપયોગમાં લીધી જે તેમની ઓળખ બની ગઈ. એમણે 81 ફિલ્મોમાં અભિનય કર્યો. એમનો રમૂજી તથા પ્રણય અભિનય નિર્દોષ તથા સહજ રહેતો. એમણે 18 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. રોજબરોજના જીવનમાં શીઘ્ર કાવ્યપંક્તિઓ જોડીને એને સંગીતબદ્ધ કરીને વાતો કરતા હતા. રાજેશ ખન્ના, દેવ આનંદ, અભિતાભ બચ્ચન જેવા અનેક સફળ અભિનેતાઓની સફળતામાં કિશોરકુમારના અવાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એમની ખૂબી એ હતી કે દરેક અભિનેતાના વ્યક્તિત્વની શૈલી એમના ગીતમાં તેઓ અવાજ અને ગાયન દ્વારા અભિવ્યક્ત કરતા. ગીત સાંભળીને એ કોની ઉપર ચિત્રાંકન થયું હશે એનો ખ્યાલ શ્રોતાઓને આવી જાય. કિશોરકુમારે હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, ઉડિયા, ઉર્દૂ વગેરે અનેક ભાષાઓમાં ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. જાહેર ગાયન પ્રસ્તુતિ સમયે નાચતા-કૂદતા સુરીલું ત્રુટિવિહોણું ગાયન એ ઈશ્વરકૃપા સમાન હતું. ટૅકનૉલૉજી તથા ધ્વનિમુદ્રણનાં વિવિધ સંશોધનો વગર કિશોરકુમારનું ગાયન સદા પૂર્ણતાસભર રહેતું. એમને આઠ વખત ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. લતા મંગેશકર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કિશોરકુમાર અત્યારે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા એ જમાનામાં હતા.