નીલ આર્મસ્ટ્રૉંગ


જ. 5 ઑગસ્ટ, 1930 અ. 25 ઑગસ્ટ, 2012

ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ નીલ આર્મસ્ટ્રૉંગનો જન્મ ઓહાયો, યુ.એસ.માં થયો હતો. તેઓ ઍસ્ટ્રૉનૉટ, ઍરોસ્પેસ એન્જિનિયર, નૌસેના અધિકારી અને પાઇલટ હતા. તદુપરાંત તેમણે પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. 16 વર્ષની વયે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમણે પર્ડુ (Purdue) યુનિવર્સિટીમાં વૈમાનિક ઇજનેરીનો અભ્યાસ કરવા માંડ્યો. જોકે 1950માં કોરિયા યુદ્ધને કારણે તેમને અભ્યાસ અટકાવવો પડ્યો. આ યુદ્ધમાં તેમણે 78 ઉડ્ડયનો કર્યાં હતાં. યુદ્ધમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ તેમને ત્રણ ચંદ્રકો એનાયત થયા હતા. તે પછી તેમણે નાસા(NASA)માં જોડાઈને પરાધ્વનિક (supersonic) અને X-15 રૉકેટ વિમાનોની ચકાસણી માટે 1100 કલાકનું ઉડ્ડયન કર્યું હતું. 1962માં અંતરીક્ષયાત્રી તરીકે તેઓ પસંદગી પામ્યા હતા. 16 માર્ચ, 1966ના રોજ સ-માનવ જેમિની 8ના અંતરીક્ષ ઉડ્ડયન દરમિયાન તેમણે પ્રથમ વખત અંતરીક્ષમાં બે યાનોનું સફળ જોડાણ કર્યું. 16 જુલાઈ, 1969ના રોજ એપોલો 11માં બીજા બે સાથીઓ સાથે ચંદ્ર તરફ પ્રયાણ આદર્યું. ચાર દિવસ બાદ ચંદ્ર ઉતરાણ મૉડ્યુલ ‘ઈગલે’ ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો. રાતના સમયે આર્મસ્ટ્રૉંગે ચંદ્રની ધરતી પર પ્રથમ ડાબો પગ મૂકીને ઉતરાણ કર્યું. તે સમયે કહેલું, ‘મનુષ્ય માટે આ નાનું પગલું છે, પરંતુ માનવજાત માટે વિરાટ પગલું છે.’ ચંદ્ર પરના તેમના 21 કલાક 36 મિનિટના રોકાણ દરમિયાન ચંદ્રની સપાટી પરના ખડકોના નમૂના એકત્રિત કર્યા, ફોટા પાડ્યા અને વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવ્યાં. 21 જુલાઈના રોજ તેઓએ પૃથ્વી તરફ પાછા ફરવા ઉડ્ડયન શરૂ કર્યું. 24 જુલાઈએ રાત્રિના 12 કલાક 51 મિનિટે પ્રશાંત સમુદ્રમાં સફળ અને સલામત ઉતરાણ કર્યું હતું. તેમણે 1971માં નાસામાંથી નિવૃત્તિ લીધી અને સિનસિનાટી વિશ્વવિદ્યાલયમાં ઍરોસ્પેસ ઇજનેરીનું અધ્યાપન કરવામાં કાર્યરત બન્યા. તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ’, ‘કૉંગ્રેસનલ સ્પેસ મેડલ ઑફ ઑનર’ વગેરેનો સમાવેશ થાય છે.