કાર્લ રીટર


જ. 7 ઑગસ્ટ, 1779 અ. 28 સપ્ટેમ્બર, 1859

વિશ્વવિખ્યાત ભૂગોળવેત્તા, આધુનિક ભૂગોળના સંસ્થાપક તથા તુલનાત્મક ભૂગોળના જનક કાર્લ રીટરનો જન્મ જર્મનીના ક્વેડિંગબર્ગમાં થયો હતો. શાળાનું શિક્ષણ તેમણે ગોથા પાસે શુએફેન્થાલ ખાતે લીધું હતું. હાલે (Halle) યુનિવર્સિટીમાંથી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1821માં પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. શરૂઆતમાં તેમના પર જર્મન અને ફ્રેન્ચ દાર્શનિકોની વિચારસરણીનો પ્રભાવ હતો. માનવ અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક, જન્મજાત સંબંધો પ્રત્યેની સંભાવના જેમ જેમ વધતી ગઈ તેમ તેમની ભૂગોળ પ્રત્યેની રુચિ વધતી ગઈ. માનવ અને પ્રકૃતિનાં પરસ્પર પ્રભાવકારી તથ્યોનું વૈજ્ઞાનિક અધ્યયન અને વિવેચન એ તેમનો મૂળભૂત ઉદ્દેશ્ય હતો. આ પરથી રીટરે ભૂગોળને લગતા કેટલાક સિદ્ધાંતો તારવેલા છે. ઉચ્ચશિક્ષણ દરમિયાન તેમણે ગણિત અને દર્શનશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસ, પ્રાકૃતિક વિજ્ઞાન તથા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. યુરોપ ખંડની ભૂગોળને લગતા તેમના બે ગ્રંથો 1804 અને 1807માં તથા 1806માં યુરોપના 6 નકશાની શ્રેણી પ્રકાશિત થઈ. તેમણે ‘Erdkunde’ નામની વિખ્યાત ગ્રંથશ્રેણીનો આફ્રિકા ખંડને લગતો પ્રથમ ગ્રંથ અને તે પછી બીજો ગ્રંથ એશિયા ખંડની ભૂગોળને લગતો પ્રસિદ્ધ કર્યો. 1820માં નવી જ સ્થપાયેલી બર્લિન યુનિવર્સિટી ખાતે ભૂગોળના પ્રથમ પ્રોફેસર તરીકે તેમની નિયુક્તિ થઈ. ભૂગોળના પ્રોફેસર અને દાર્શનિક તરીકે તેઓ જીવનના અંત સુધી કાર્યરત રહ્યા. આધુનિક ભૂગોળવિજ્ઞાનના બીજા સહસંસ્થાપક ઍલેક્ઝાંડર હમ્બોલ્ટને તેઓ પોતાના  ગુરુ માનતા. કાર્લ રીટર દૃઢપણે માનતા કે ભૂગોળ અનુભવજન્ય અને વર્ણનાત્મક વિજ્ઞાન છે. તેમણે તેમનાં લખાણોમાં ભૂમિ અને તેના પરના રહેવાસીઓના પારસ્પરિક સંબંધોની ઘનિષ્ઠતા પર ખાસ ભાર મૂક્યો છે. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્તરે પ્રાણીઓ તથા ભૌતિક ઘટકોના પ્રાદેશિક સમૂહોને લગતો તેમનો સ્થળલક્ષી છતાં સર્વગ્રાહી વિચાર એ ભૂગોળશાસ્ત્રમાં તેમનું આગવું પ્રદાન છે. વિદ્વાનોએ એવું સ્વીકાર્યું છે કે તેમના પરિશ્રમને કારણે જ ભૂગોળ જેવા વિષયને પદ્ધતિસરનું માળખું મળ્યું.