ઉદયપુર


ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું મહત્ત્વનું શહેર – પ્રવાસધામ. તે ૨૪° ૩૫´ ઉ. અ. અને ૭૩° ૪૧´ પૂ. રે. પર ૨૫ ચોકિમી.ના વિસ્તારમાં વિસ્તરેલું છે. તે અરવલ્લીના પહાડો વચ્ચે સમુદ્રસપાટીથી આશરે ૬૦૦ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તેનાં ભવ્ય ભવનો શ્વેત આરસમાં બાંધેલાં હોવાથી તેને ‘શ્વેત નગરી’ પણ કહેવામાં આવે છે. તે ‘વેનિસ ઑવ્ રાજસ્થાન’ તથા ‘સરોવરોની નગરી’ (City of Lakes) તરીકે પણ જાણીતું છે. ૧૫૬૮માં મુઘલ સમ્રાટ અકબરે મેવાડની મૂળ રાજધાની ચિતોડગઢ પર કબજો કર્યા પછી મહારાણા ઉદયસિંહે પિછોલા તળાવને કિનારે આ નગર વસાવ્યું હતું. પછીના રાણાઓએ તેને વિકસાવ્યું. અહીં ફત્તેહસાગર અને ઉદયસાગર નામનાં મોટાં સરોવરો આવેલાં છે. ઉદયપુર અમદાવાદથી ૨૦૦ કિમી. તથા જયપુરથી ૩૩૬ કિમી.ના અંતરે આવેલું છે. વર્ષ ૨૦૨૩માં અમદાવાદથી ઉદયપુરને સાંકળતા રેલમાર્ગનો પ્રારંભ થયો છે. ઉદયપુર શહેરની વસ્તી આશરે ૬.૭૭ લાખ (૨૦૨૬) જેટલી છે. બૃહદ શહેરની વસ્તી આશરે ૭.૧૨ લાખ (૨૦૨૬) જેટલી છે. ઉદયપુર જિલ્લાની વસ્તી આશરે ૩૭ લાખ (૨૦૨૬) જેટલી છે.

૧૬મીથી ૧૮મી સદીની વચ્ચેના ગાળામાં બાંધવામાં આવેલાં ઘણાં મહેલો તથા જળાશયોથી આ શહેર રમણીય બનેલું છે. પિછોલા સરોવર વચ્ચે આરસનો સુંદર જગમહેલ આવેલો છે. તેમાં ધોળામહેલ, ફૂલમહેલ, સર્વઋતુ-મહેલ, ભુલભુલામણી, શંભુપ્રકાશ જેવા અનોખા વિભાગો છે. આ જગમહેલના છેડે જગમંદિર છે. તે ઉપરાંત સિટી પૅલેસ પણ ઉલ્લેખનીય છે. ફત્તેહસાગર પાસે મોતી-ટેકરી ઉપર ઉદ્યાન છે અને રાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા છે. શહેરમાં સહેલિયોંકી વાડી, જગદીશ મંદિર, યજ્ઞ મંદિર, સંગ્રહાલય, કલાવિદ્યાલય, રાજસ્થાન વિદ્યાપીઠ, રાણાનો મહેલ, સ્વરૂપસાગર તથા રંગસાગર જળાશયો જોવાલાયક છે. ઉદયપુરની નજીક એકિંલગજી (૨૩ કિમી.) તથા નાથદ્વારા (૫૭ કિમી.) જેવાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે. આજે ઉદયપુર પર્યટકોનું માનીતું પ્રવાસ-સ્થળ બની રહ્યું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઉદયપુર, પૃ. 201)