જ. 10 ઑગસ્ટ 1853 અ. 5 ડિસેમ્બર 1912

ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક ઇચ્છારામ દેસાઈનો જન્મ સૂરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમને વાંચનનો શોખ હતો. સત્તર વર્ષની વયે તેમણે પુરુષોત્તમ માસની કથા છપાવી હતી. તેઓ સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં જોડાયા. ત્યાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. તેઓ 1876માં મુંબઈ ગયા. ત્યાં ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચલાવ્યું. પછી ગોડાઉન-કીપર અને ‘મુંબઈ સમાચાર’માં પ્રૂફરીડર તરીકે કામ કર્યું. સૂરત આવી તેમણે ‘શારદાપૂજક મંડળી’ સ્થાપી. ‘સ્વતંત્રતા’ નામનું માસિક શરૂ કર્યું. અંગ્રેજ સરકાર વિરુદ્ધ લખવા બદલ રાજદ્રોહના ગુના માટે તેમની ધરપકડ કરી, પછી છૂટ્યા. ‘સ્વતંત્રતા’ બંધ થયું પછી મુંબઈ ગયા. તેમણે મુંબઈમાં ‘ગુજરાતી’ સાપ્તાહિક શરૂ કર્યું. 1883માં ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. તેમણે સૂરતમાં અધૂરી નવલકથા ‘હિંદ અને બ્રિટાનિયા’ પૂર્ણ કરી. ‘રાજકીય કાદંબરી’ તરીકે ઓળખાતી આ નવલકથાથી તેઓ પ્રખ્યાત થયા. ‘ગંગા – એક ગુર્જર વાર્તા’, ‘શિવાજીની લૂંટ’, ‘સવિતાસુંદરી’ તેમની નવલકથાઓ છે. ‘ટીપુ સુલતાન’ ભાગ 1 અધૂરી નવલકથા છે. ‘ચન્દ્રકાન્ત’ ભાગ 1, 2, 3 ગ્રંથ ખૂબ લોકપ્રિય બન્યો હતો. ‘હિંદ અને બ્રિટાનિયા’ અને ‘ગંગા – એક ગુર્જર વાર્તા’ મરાઠી ભાષામાં અનૂદિત થઈ છે. ‘બૃહત્કાવ્યદોહન’ના આઠ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા. તેમણે ‘દશમસ્કંધ’ તથા ‘ભાગવત’નું સંપાદન કર્યું હતું. આ ઉપરાંત ‘પુરુષોત્તમ માસની કથા’, ‘ઓખાહરણ’, ‘નળાખ્યાન’, ‘કૃષ્ણચરિત્ર’, ‘આદિ ભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’, ‘મહાભારત’(ભાગ 1, 2, 3)નું સંપાદન કર્યું હતું. ‘વાલ્મીકિ રામાયણ’, ‘વિદુરનીતિ’, ‘કામંદકીય નીતિસાર’, ‘રાસેલાસ’, ‘યમસ્મૃતિ’, ‘મહારાણી વિક્ટોરિયાનું જીવનચરિત્ર’, ‘ચારુચર્યા અથવા શુભાચાર’, ‘અરેબિયન નાઇટ્સ’ (ભાગ 1, 2), ‘કથાસરિત્સાગર’ (ભાગ 1, 2), ‘કળાવિલાસ’, ‘સરળ કાદંબરી’, ‘શ્રીધર ગીતા’, ‘શુકનીતિ’, ‘બાળકોનો આનંદ’ (ભાગ 1, 2), ‘ઔરંગઝેબ’, ‘પંચદશી’, વગેરે એમના અનૂદિત ગ્રંથો છે.
અનિલ રાવલ
