દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ માટે બનાવાતો કુંડ, મંદિરને ફરતી ઊંચી સંરક્ષણાત્મક દીવાલ અને તે દીવાલમાં ચારે દિશામાં ગર્ભગૃહના શિખરથી પણ ઊંચાં બનાવાતાં ગોપુરમ્, વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉપયોગિતા માટેના બહુસ્તંભીય મંડપો, મંદિરમાં કોતરણી સાથે વિશાળ પ્રમાણમાપને પણ અપાતું મહત્ત્વ તથા મંદિરસંકુલને ગ્રામ તરીકે લેખવાની ભાવના મુખ્ય છે. સમયાંતરે દ્રાવિડ શૈલીનાં મંદિરો દક્ષિણ ભારતમાં સત્તા તથા સંપત્તિનાં કેન્દ્ર તથા પ્રતીક બની રહ્યાં હતાં.

આ શૈલીના વિકાસના પાંચ તબક્કા છે. પ્રથમ તબક્કો પલ્લવ રાજ્યાશ્રયનો ઈ. સ. 600થી 900નો છે. ત્રિચિનાપલ્લી, મહેન્દ્રવાડી, મંગલરાજપુરમ્, ભૈરવકોણમ્, મહાબલિપુરમ્ વગેરે સ્થળે પલ્લવ શૈલીનાં મંદિરો આવેલાં છે. રથ અને મંડપ પ્રકારનાં આ મંદિરો છે. દ્રૌપદી, ધર્મરાજ, ભીમ, ગણેશ અને સહદેવ નામના રથ-શૈવમંદિરો છે. આ ગાળામાં મહાબલિપુરમના ખડક–સ્થાપત્યના નમૂનાને આધારે રચનામૂલક મંદિરો બનાવવાની શરૂઆત થઈ. મંદિરો ચોરસ ભૂમિકા પર રમ્ય પિરામિડાકાર શિખરવાળાં બનાવાતાં. આ મંદિરોમાં ગોપુરમ્ કે તેની વિશાળતા દર્શાવતી રચનાઓ કરતાં નાનાં પ્રમાણમાપ ધરાવતી કોતરણી(જેમ કે ઉચ્છૃંખલ સિંહાકૃતિઓ)ને પ્રાધાન્ય અપાતું. તે ઉપરાંત ઉત્તર ભારતનાં ગુપ્તકાળનાં મંદિરોના જેવા મંડપ પણ મુખ્ય ગર્ભગૃહની અક્ષ પર બનાવાતા. આ ગાળાનાં મંદિરોમાં ઉલ્લેખનીય મહાબલિપુરમનું દરિયાકિનારાનું જળશયન મંદિર તથા કાંજીવરમનાં કૈલાસનાથ અને વૈકુંઠ પેરૂમલ મંદિરો મુખ્ય છે. આ મંદિરોમાંનું જલશયન મંદિર સાતમી સદીના ઉત્તરાર્ધમાં અને કૈલાસનાથનું તથા વૈકુંઠ પેરૂમલ મંદિરો આઠમી સદીના પ્રારંભમાં બનાવાયાં હતાં. ઈ. સ. 900થી 1150માં ચોલ રાજ્યાશ્રયે દક્ષિણ ભારતનાં મંદિરોનો બીજો તબક્કો આવ્યો, જેમાં મંદિરોમાં કંદોરા તથા નરહયાકૃતિનો ઉમેરો થયો.
હેમંત વાળા
(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ https://gujarativishwakosh.org/દ્રાવિડ શૈલીનાં મંદિરો/)
