વિષ્ણુકુમાર વ્યાસ


જ. 9 ઑગસ્ટ 1920 અ. 29 સપ્ટેમ્બર 1998

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા અને દિગ્દર્શક વિષ્ણુકુમાર વ્યાસનો જન્મ સૌરાષ્ટ્રના થાણા દેવળીમાં થયો હતો. પ્રસિદ્ધ કવિ ત્રિભુવન વ્યાસ તેમના કાકા હતા. પ્રારંભિક શિક્ષણ કરણસિંહજી મિડલ સ્કૂલમાં ને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યું. 1939માં મૅટ્રિક પાસ કર્યા પછી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કર્યો. 1944માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. શ્રેષ્ઠ વિદ્યાર્થીનું પારિતોષિક મેળવ્યું. 1946માં બી. ટી. અને 1949માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. 1944માં ઘાટકોપરની ગુરુકુળ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક તરીકે જોડાયા. નાટ્યસંઘ સંચાલિત નાટ્યઅકાદમીમાંથી ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ કર્યું. ‘રંગભૂમિ નાટ્ય અકાદમી’ના ઉપનિયામક હતા. તેમણે વલ્લભવિદ્યાનગર, મુંબઈ અને વડોદરાની કૉલેજમાં અધ્યાપન કર્યું. તેમણે ‘પેશ્વાઈ પતન’ નાટક દ્વારા રંગમંચ પર પદાર્પણ કર્યું. કૉલેજકાળમાં ‘અખો’, ‘શાહજહાં’, ‘સંધ્યાકાળ’, ‘વંઠેલાં’, ‘ડોલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવ્યાં હતાં. 1948 સુધી ‘ઇપ્ટા’ સાથે રહ્યા. ‘રંગભૂમિ’ સંસ્થાના સ્થાપક સભ્ય અને પ્રથમ મંત્રી બન્યા. પછી આઇ. એન. ટી.માં જોડાયા. આઇ. એન. ટી. છોડી ‘બહુરૂપી’ સંસ્થામાં જોડાયા અને પૂર્વ આફ્રિકાનો નાટ્યપ્રવાસ કર્યો. તેમણે ‘વિસામો’, ‘માંડવાની જૂઈ’ અને ‘અભિમાન’ નાટકોનું દિગ્દર્શન કર્યું. તેમણે ‘પરિણીતા’, ‘મૃચ્છકટિક’, ‘દયારામ’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘પુત્રસમોવડી’, ‘સુવર્ણરેખા’, ‘રેતીનાં રતન’, ‘ભાડૂતી પતિ’, ‘પલ્લવી પરણી ગઈ’, ‘બારમો ચન્દ્રમા’, ‘સંસ્કારમૂર્તિ’, ‘દર્પણ’, ‘ચકરાવો’, ‘સગપણનાં ફૂલ’, ‘ઇડરિયો ગઢ જીત્યા’, ‘16મી જાન્યુઆરીની મધરાતે’, ‘કસબ’, ‘શેરે અફઘાન’ જેવાં નાટકો ભજવ્યાં. ‘મીરાં’, ‘સૂરદાસ’, ‘શકુંતલા’, ‘આમ્રપાલી’, ‘રાજા ભર્તૃહરિ’ જેવાં નૃત્યનાટકો લખ્યાં અને ભજવ્યાં. પોર્ટુગલ-લિસ્બનમાં ભારતીય વિદ્યાભવનની શાખાના રજિસ્ટ્રાર તરીકે જોડાઈ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષાના તેમજ હાર્મોનિયમ-તબલાના વર્ગો ચલાવ્યા. તેમણે ‘ગ્રંથ’ સામયિક માટે નાટ્યઅવલોકનો લખ્યાં હતાં. તેઓ ‘નાટ્યરંગ’ માસિકના તંત્રી પણ હતા. તેમણે સો ઉપરાંત નાટકોમાં અભિનય, પચાસ નાટકોનું દિગ્દર્શન, પાંચેક નાટકોનું લેખન કર્યું હતું. અને 60 જેટલી ગુજરાતી ફિલ્મો, 10 જેટલી હિંદી ફિલ્મો ઉપરાંત ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. ગુજરાત સરકાર તરફથી  શ્રેષ્ઠ ચરિત્રનટનું તેમજ શ્રેષ્ઠ સંવાદલેખકનાં પારિતોષિકો મળ્યાં હતાં. તેમના અવસાનના એક મહિના પહેલાં તેમની આત્મકથા ‘નાટ્યાત્મકથા’ પ્રકાશિત થઈ હતી.