જ. ૧ ઑક્ટોબર, ૧૯૨૪ અ. ૩૦ જુલાઈ, ૨૦૦૯
ગુજરાતી સુગમસંગીતના મૂર્ધન્ય સ્વરકાર અને સંગીતકાર ક્ષેમેન્દ્ર દિવેટિયાનો જન્મ અમદાવાદમાં સંસ્કારી નાગર પરિવારમાં થયો હતો. પિતા વીરમિત્ર અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક અને ગુજરાતમાં સુગમસંગીત પ્રવૃત્તિના આદ્યસ્થાપક. ૧૯૪૬માં ક્ષેમુભાઈ વિજ્ઞાનના સ્નાતક થયા. નાની વયથી જ સંગીતનો ખૂબ શોખ. આથી આરંભમાં જયસુખલાલ ભોજક, હામીદ હુસેનખાં તથા વી. આર. આઠવલે પાસેથી સંગીતની તાલીમ લીધી. અમદાવાદના ‘રંગમંડળ’થી સ્વરરચનાની શરૂઆત કરી. ૧૯૬૨માં સંગીતસંસ્થા ‘શ્રુતિ’માં જોડાયા. આ ઉપરાંત અમદાવાદની સંગીતની ‘આલાપ’, ‘શ્રવણમાધુરી’, ‘સ્પંદન’ સંસ્થા તથા નૃત્યસંસ્થા ‘કદમ્બ’ રાસગરબાની પ્રવૃત્તિઓ કરતી ‘નૂપુરઝંકાર’ તથા ‘વેણુનાદ’ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા. ગુજરાત રાજ્ય યુવકસેવા તથા સાંસ્કૃતિક વિભાગ તરફથી તેમણે સતત દસ વર્ષ સુગમસંગીતનાં સંમેલનોનું આયોજન-સંચાલન કર્યું. તેમણે અમદાવાદની ‘દર્પણ’ સંસ્થા, મુંબઈની આઈ.એન.ટી. તથા વડોદરાની સંસ્થાઓ માટે ૧૯ નાટકોમાં તથા નૃત્યનાટિકાઓમાં સ્વરનિયોજન કર્યું. ૧૯૮૬થી અનેક વર્ષો તેમણે આકાશવાણી, દિલ્હી ખાતેના સંગીત બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેમણે સ્વરનિયોજન કરેલાં ગીતોની રેકર્ડ, ‘હિઝ માસ્ટર્સ વૉઇસ દ્વારા ઉતારવામાં આવી છે. તેમાં ૧૯૮૪માં પ્રસિદ્ધ થયેલી ‘સંગીતસુધા’ને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ. તેમણે દેશ-વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપ્યા. મુંબઈમાં તેમણે ‘આ માસનાં ગીતો’ શીર્ષક હેઠળ અનેક કાર્યક્રમો આપ્યા.
ક્ષેમુભાઈનાં પત્ની સુધાબહેન પણ ગાયિકા હતાં. ક્ષેમુભાઈ ક્રિકેટ રમવાના શોખીન હતા અને તેમણે આકાશવાણી પરથી કૉમેન્ટરી પણ આપી છે. વિજ્ઞાનના વિદ્યાર્થી, ક્રિકેટના શોખીન અને આત્મા સંગીતકારનો. આ કંઈક અદભુત સંયોજન હતું તેમના વ્યક્તિત્વનું. તેમણે કેટકેટલા નામી કવિઓની કેટકેટલી કૃતિઓ ઉત્તમ રીતે સ્વરબદ્ધ કરી! તેમણે પોતાનાં સ્વરાંકનો થકી કવિના શબ્દોને નવો અર્થ અને નવી ઊંચાઈ બક્ષ્યાં. તેમને ‘કાશીનો દીકરો’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ઍવૉર્ડ, ૧૯૮૮માં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર ઉપરાંત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા. તેમની કેટલીક રચનાઓ ‘રાધાનું નામ’, ‘ગોરમાને પાંચે’, ‘મારી આંખે કંકુના’, ‘દાડમડીનાં ફૂલ રાતાં’, ‘કેવા રે મળેલા વગેરે જેવી અનેક સ્વરરચનાઓ અવિસ્મરણીય છે.
શુભ્રા દેસાઈ