ભારતમાં ઘણાખરા ભાગોમાં ઊગતું એક મોટું વૃક્ષ.
શીમળાનાં બીજાં નામોમાં ‘શાલ્મલી’ (સં.), ‘સેમલ’ (હિં.) અને ‘સિલ્ક કૉટન ટ્રી’(અં.)નો સમાવેશ થાય છે.
આ વૃક્ષો ઘણાં ઊંચાં (૪૦ મી. સુધી) અને ખૂબ ફેલાયેલાં હોય છે. આ વૃક્ષનું મુખ્ય થડ ૨૪-૩૦ મી. ઊંચું હોય છે. તેના પર શંકુ આકારના સખત અને મજબૂત કાંટા આવેલા હોય છે. થડનો ઘેરાવો ૬.૦ મી. કે તેથી વધારે હોય છે. થડના નીચેના ભાગે આધાર આપતી પહોળી રચનાઓ આવેલી હોય છે. તેની શાખાઓ મોટી હોય છે અને આડી ચક્રાકારે ફેલાયેલી હોય છે. તેનાં પાન મોટાં અને પંજાકાર, સંયુક્ત પ્રકારનાં હોય છે. દરેક પાન ૫-૭ ભાલાકાર પર્ણિકાઓનું બનેલું હોય છે. શિયાળામાં તમામ પાન પાકીને ખરી જાય છે ત્યારે ઝાડ ઠૂંઠા જેવું લાગે છે. વસંત ૠતુમાં ઝાડ પર જ્વાળાઓના જેવાં લાલ રંગનાં આકર્ષક મોટાં ફૂલ આવે છે. તેનાથી આખું ઝાડ ભરાઈ જાય છે અને તે દૂરથી અત્યંત સુંદર લાગે છે. શીમળાના ઝાડ પર ત્યારે વિવિધ પક્ષીઓ ફૂલનો મીઠો રસ પીવા આવે છે. તેના ફૂલનો આકાર નાની પ્યાલી જેવો હોય છે. તે પાંચ પાંખડીઓ ધરાવે છે. તેની ઉપર શાખાઓને છેડે લીલા રંગનાં ઊભાં સોગઠાં હોય તેવાં નાનાં ફળ આવે છે. ત્યારબાદ આ ફળ લંબગોળ આકારનું થાય છે. તેની અંદર પાંચ પોલાણો અને પાંચ પડદા હોય છે. જ્યારે ફળ ફાટે ત્યારે તેમાંથી અસંખ્ય બીજ નીકળે છે. તેમની ફરતે ખૂબ મૃદુ, ચળકતા, આછા સફેદ રંગના ઘટ્ટ, રેશમી રેસાઓ આવેલા હોય છે. બીજનો પવન દ્વારા દૂર દૂર સુધી ફેલાવો થાય છે. ચોમાસામાં જમીન પર પડેલાં બીજ અંકુરણ પામે છે.
શીમળાનું વૃક્ષ
તેના મૂળને ‘મૂસલા’ કે ‘સેમૂલ મૂસલા’ કહે છે. તેઓ રસદાર અને કંદ જેવાં હોવાથી ભૂંજીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ફૂલોની કળીઓને ‘સેમરગુલ્લા’ કહે છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેનું લાલ રંગનું કાષ્ઠ સફેદ રંગના કાષ્ઠ કરતાં ઊંચી ગુણવત્તાવાળું ગણાય છે. તેનો ઉપયોગ દીવાસળીનાં ખોખાં, પ્લાયવૂડ, રમકડાં, બ્રશના હાથા, ચા તથા ફળનાં ખોખાં બનાવવામાં અને બળતણ તરીકે થાય છે. શીમળાના રેસા રૂનું કામ આપે છે. તેમને જીવાત ન લાગતી હોવાથી તેમનો રજાઈ, ગાદી, તકિયા અને ઓશીકાં ભરવામાં ઉપયોગ થાય છે. શીમળાની છાલ અને થડમાંથી નીકળતો ગુંદર ઔષધ તરીકે ઉપયોગી છે. તે રક્તપિત્ત, ઉગ્ર મરડો, ફેફસાંનો ક્ષય અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોની સારવારમાં વપરાય છે. તેની છાલ ઘા ઉપર શેક કરવા માટે તથા તેનો મલમ ચામડી ઉપર થતા ફોલ્લાઓ પર લગાડવામાં આવે છે. છાલના રેસામાંથી દોરડાં બનાવાય છે. બીજમાંથી નીકળતું તેલ પીળા રંગનું હોય છે. તે કપાસિયાના તેલની અવેજીમાં, સાબુની બનાવટમાં અને દીવામાં વપરાય છે. બીજના ખોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોવાથી ઢોરોનો તે ઉત્તમ ખોરાક છે.
શીમળો રસ્તાની બંને બાજુએ, ઉદ્યાનોમાં અને જંગલોમાં ઉગાડવામાં આવે છે. પુરાણો, કાવ્યો વગેરેમાં તેનો ઉલ્લેખ થયેલો છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
અંજના ભગવતી