Categories
વાચન સમૃદ્ધિ

બળવંત પાંડુરંગ કિર્લોસ્કર

જ. ૩૧ માર્ચ, ૧૮૪૩ અ. ૨ નવેમ્બર, ૧૮૮૫

મરાઠી ભાષાના પ્રથમ ઉત્તમ સંગીત નાટ્યકાર અને સંગીત નાટ્યભૂમિના શિલ્પી બળવંત કિર્લોસ્કરનો જન્મ ધારવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અણ્ણાસાહેબના નામથી જાણીતા આ ઉત્કૃષ્ટ રંગમંચના અભિનેતા, સંગીતકાર અને કવિ પણ હતા. તેમણે બાર વર્ષો સુધી કાનડી અને મરાઠી ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું. પુણેમાં ઉચ્ચશિક્ષણ લીધું. વિદ્યાર્થીકાળથી જ નાટકો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. તેઓ નાટકમંડળીઓ માટે ગીતો રચી આપતા. સમય જતાં તેમણે પોતાની કિર્લોસ્કર નાટકમંડળીની સ્થાપના કરી, પરંતુ તેમાં સફળતા ન મળતાં પાછા પોતાને ગામ આવ્યા. ત્યાં તેમણે ‘શંકરદિગ્વિજય’ નાટક લખ્યું (૧૮૭૩). ‘અભિજ્ઞાન શાકુંતલમ્’નો મરાઠી અનુવાદ કરી તેમાં પોતાની રચનાઓ ઉમેરીને તે ભજવ્યું. તેને ખૂબ સફળતા મળતાં કિર્લોસ્કર નાટક મંડળી પુનર્જીવિત કરી. ૧૮૮૨માં ‘સંગીત સૌરભ નાટક લખ્યું અને સફળતાપૂર્વક ભજવ્યું, જે ખૂબ લોકપ્રિય બન્યું. ૧૮૮૪માં લખેલું ‘રામરાજ્યવિયોગ’ નાટક તેમની અંતિમ કૃતિ હતી. તેઓ કુશળ નટ અને દિગ્દર્શક પણ હતા. મહારાષ્ટ્રની અત્યંત પ્રચલિત સંગીતનાટક પ્રવૃત્તિના તેઓ જનક હતા. પ્રસંગ અને હાવભાવને અનુરૂપ ગીતરચના કરવામાં તેઓ કાબેલ હતા. તેઓ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમણે અનેક આખ્યાનોની પણ રચના કરી છે. બેલગામ ખાતે તેમણે સ્થાપેલી ‘ભરતનાટ્યોત્તેજક મંડળી’એ તેમનાં નાટકો સફળતાપૂર્વક ભજવ્યાં. સાંગલીકર નાટકમંડળી માટે તેમણે ‘શ્રીકૃષ્ણ પારિજાત’ નામનું નાટક લખ્યું. તેમણે શિવાજી મહારાજ પર ૫૦૦ આર્યા ધરાવતું ખંડકાવ્ય રચ્યું હતું. ૧૯૪૩માં મહારાષ્ટ્રમાં તેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઊજવવામાં આવી હતી. પુણે ખાતે તેમના ચાહકોએ ‘કિર્લોસ્કર નાટ્યગૃહ’ની રચના કરીને તેમને ભાવભીની અંજલિ અર્પી. ઉત્તમ નાટ્યલેખન, નાટ્યપ્રયોગ, સંગીત વગેરેને કારણે તેઓ મરાઠી સંગીત રંગભૂમિના આદ્યશિલ્પી ગણાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ (નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ)

જૉડ્રલ-બૅંક નામના સ્થળે આવેલી યુનાઇટેડ કિંગ્ડમ(બ્રિટન)ની રેડિયો-ખગોલીય વેધશાળા. સંખ્યાબંધ રેડિયો-દૂરબીનો ધરાવતી અને વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ વેધશાળા ચેશાયર પરગણામાં અને માંચેસ્ટર નગરથી દક્ષિણે આશરે ૪૦ કિમી. દૂર આવેલી છે. આ વેધશાળાની સ્થાપના ૧૯૪૫માં એટલે કે રેડિયો-ખગોળશાસ્ત્ર જ્યારે આરંભિક તબક્કામાં હતું તેવા સમયે માંચેસ્ટર યુનિવર્સિટી દ્વારા થઈ હતી. ત્યારથી એનું સંચાલન આ યુનિવર્સિટીના રેડિયો-ખગોળશાસ્ત્ર વિભાગ દ્વારા થાય છે. માત્ર બ્રિટનની જ નહિ, દુનિયામાં એના પ્રકારની એટલે કે કોઈ એક વિશાળ રેડિયો-ટેલિસ્કોપ હોય તેવી એ જૂનામાં જૂની રેડિયો-વેધશાળા છે. એ સમયે એનું નામ ‘જૉડ્રલ બૅંક એક્સપેરિમેન્ટલ સ્ટેશન’ હતું; પરંતુ પાછળથી માત્ર ‘જૉડ્રલ બૅંક’ તરીકે એ ખ્યાત બની. વેધશાળાના આરંભકાળના એક તબક્કે રેડિયો-ટેલિસ્કોપ બનાવવામાં લૉર્ડ નૂફીલ્ડ અને એમના નૂફીલ્ડ ફાઉન્ડેશને કરેલા માતબર દાનને કારણે ૧૯૬૦થી આ વેધશાળા ‘નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ’ તરીકે પણ ઓળખાય છે.

આ વેધશાળાની સ્થાપના પાછળ જો કોઈ એક વ્યક્તિનું નામ આપવું હોય તો તે છે અંગ્રેજ ખગોળભૌતિકશાસ્ત્રી અને પાછળથી રેડિયો-ખગોળશાસ્ત્રી અને લેખક બનેલા સર બર્નાર્ડ લોવેલ, (જ. ૧૯૧૩). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૪ ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ શૈક્ષણિક કાર્ય છોડીને દેશની યુદ્ધસેવામાં એ જોડાયા. અહીં એમની કામગીરી એક નવા પ્રકારના યુદ્ધોપયોગી રડારને વિકસાવવા સંબંધી હતી. આ અંગેના પ્રયોગો કરતાં એમણે જોયું કે રડારમાં પ્રયોજાતા રેડિયો-તરંગોનો ઉપયોગ તો ખગોળશાસ્ત્રમાં અને પોતાનાં સંશોધનોને આગળ ધપાવવામાં પણ થઈ શકે. જેવી રીતે રડારની મદદથી દુશ્મનના બૉમ્બ લઈ જતાં વિમાનોને પકડી શકાતાં હતાં, તેવી જ રીતે અંતરિક્ષમાંથી આવતી અંતરિક્ષ-કિરણોની ઝડીઓની ભાળ પણ મેળવી શકાય. વળી આ જ રીતે, ઉલ્કાઓ (meteors) અને ધૂમકેતુઓનો અભ્યાસ પણ થઈ શકે. પૃથ્વી પર દિવસ દરમિયાન આવી પડતી ઉલ્કાઓ નરી આંખે તો જોઈ ન શકાય; પરંતુ, રેડિયો-તરંગોની મદદથી એ ‘દેખી’ શકાય. વળી ઉલ્કાઓના વેગ (meteor velocites) વગેરે પણ માપી શકાય. તેવી જ રીતે, રેડિયો-તરંગોની મદદથી ઉલ્કાઓની ભ્રમણકક્ષાઓ અને ઉલ્કામૂલ (radiant of meteors) અંગેની જાણકારી તેમજ આ રીતે મેળવેલી માહિતીઓને આધારે ઉલ્કાઓ ક્યાંથી આવે છે તે અંગેની જાણકારી પણ સાંપડી શકે. આમ લોવેલે જોયું કે રડાર અથવા તો રેડિયો-તરંગોને ખગોલીય સંશોધનોમાં પલોટતાં એક નવી જ દિશા ખૂલી હતી. જોકે આવું વિચારનારા લોવેલ દુનિયાના કાંઈ એકલા અને પહેલા ખગોળશાસ્ત્રી ન હતા. અમેરિકાના કાર્લ જેન્સ્કી (૧૯૦૫–૧૯૫૦) નામના રેડિયો-ઇજનેરે છેક ૧૯૩૨માં અંતરિક્ષના ઊંડાણમાંથી આવતા રેડિયો-તરંગોને ધરાતલ પર પહેલી જ વાર ઝીલીને આ દિશામાં પ્રવેશવાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં, તો ૧૯૧૧માં જન્મેલા ગ્રોટે રેબર નામના બીજા એક અમેરિકી ઇજનેરે ૧૯૩૭માં જેન્સ્કીના પગલે જ ડગ માંડીને દુનિયાનું પ્રથમ રેડિયો-દૂરબીન પણ બનાવ્યું હતું, જેના પરાવર્તક એટલે કે ઍન્ટેનાનો આકાર એક તવા જેવો હતો. અલબત્ત, આ એક મહાન શોધ હતી; પરંતુ એનો વ્યાપક ઉપયોગ કરીને રેડિયો-ખગોળ વિજ્ઞાનનો જન્મ તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં જ – બહુધા ૧૯૪૬થી ૧૯૫૦ના ગાળા દરમિયાન જ – શક્ય બન્યો. આ જ રીતે, આજે જેને આપણે ‘રડાર-ખગોળશાસ્ત્ર’ તરીકે ઓળખીએ છીએ તેનો વિકાસ પણ લગભગ આ જ અરસામાં સંભવત: ૧૯૫૦માં થયો. છએક વર્ષ યુદ્ધમાં સેવાઓ આપીને ૧૯૪૫માં લોવેલ માંચેસ્ટર યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને યુનિવર્સિટીના અધિકારીઓને એક રેડિયો-ખગોલીય મથક સ્થાપવાનું સમજાવી શક્યા. આ માટે યુનિવર્સિટીએ પોતાના વનસ્પતિવિભાગની જૉડ્રલ-બૅંક ખાતેની કાદવથી ખરડાયેલી વગડાઉ અને બહુધા ગૌચર ભૂમિ તરીકે વપરાતી ખુલ્લી જમીન ફાળવી આપી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ, પૃ. ૨૪)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

શરદિંદુ બંદ્યોપાધ્યાય

જ. ૩૦ માર્ચ, ૧૮૯૯ અ. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૭૦

શરદિંદુ બંદ્યોપાધ્યાય બંગાળી ભાષાના લેખક અને બંગાળી સિનેમા તેમજ બોલિવૂડ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેમનો જન્મ તારાભૂષણ અને બિજલીપ્રભા બંદ્યોપાધ્યાયને ત્યાં તેમનાં નાના-નાનીના ઘરે જૌનપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૫માં બિહારના મુંગેરની એક શાળામાંથી મૅટ્રિક પાસ કરી કૉલકાતાની વિદ્યાસાગર કૉલેજમાં જોડાયા હતા. ત્યાં બંગાળી રંગભૂમિના દિગ્ગજ શિશિર ભાદુરી તેમના અંગ્રેજીના પ્રોફેસર હતા. સ્નાતક થયા બાદ તેઓ પટણા ખાતે કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા. તેઓ માત્ર ત્રીસ વર્ષના હતા ત્યારે તેમણે પ્રૅક્ટિસ છોડી દીધી હતી અને લેખક તરીકે કામ શરૂ કર્યું હતું. ૧૯૨૮માં હિમાંશુ રૉયે તેમને પટકથા લખવા માટે મુંબઈ આમંત્રણ આપ્યું હતું. ૧૯૫૨ સુધી તેમણે ફિલ્મો લખી અને પછી લેખક તરીકે સંપૂર્ણ કારકિર્દી બનાવવા માટે પુણેમાં સ્થાયી થયા હતા. ‘શરદિંદુ ઓમ્નિબસ’ નામે પ્રતુલચંદ્ર ગુપ્તા દ્વારા ૧૨ ભાગોનું સંપાદન આનંદ પબ્લિશર્સ, કૉલકાતા દ્વારા પ્રકાશિત થયું છે. બંગાળીના સમકાલીન લેખકોમાં તેમના જેવું ઐતિહાસિક અને કાલ્પનિક કોઈ લખી શક્યું નથી. વ્યોમકેશ બક્ષી નામની ટીવી શ્રેણી બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિત હતી. બંગાળી ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીના સર્જક શરદિંદુએ ટૂંકી વાર્તા, નવલકથાઓ, ડિટેક્ટિવ વાર્તાઓ, નાટકો અને પટકથાઓ લખી છે. તેમની પાસેથી ઘણાં કવિતાઓ અને ગીતો પણ મળે છે. સદાશીબ નામના છોકરાના કાલ્પનિક પાત્ર સાથે ટૂંકી વાર્તાની શ્રેણી આપી છે. ‘શજરૂર કાન્તા’, ‘સત્યન્વેશી’, ‘મેઘમુક્તિ’ અને ‘માયાબજાર’ જેવી બંગાળી ફિલ્મો અને ‘ત્રિશગ્નિ’ તેમજ ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’ જેવી હિંદી ફિલ્મો આપણને શરદિંદુ બંદ્યોપાધ્યાય પાસેથી પ્રાપ્ત થઈ છે.