Categories
વાચન સમૃદ્ધિ

જોગ ધોધ

કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : ૧૪° ૧૫´ ઉ. અ. ૪° ૪૫´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી ૧૯ કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી ૨.૫ કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ આશરે ૭૦ મીટર પહોળો છે. ધોધની ઊંચાઈ ૨૫૩ મીટર છે. તે રાજા, રાણી, રૉકેટ અને ગર્જક – એમ ચાર ભાગમાં વહેંચાયેલો છે. ધોધ સુધી પહોંચવા માટે સાગર અથવા તાલગુપ્પા રેલવેસ્ટેશન પર ઊતરી સડક માર્ગ લેવો પડે છે. શરાવતી નદી પર બાંધેલા બંધની જલવિદ્યુતક્ષમતા ૧,૨૦,૦૦૦ કિલોવૉટ જેટલી છે. આ બંધને મહાત્મા ગાંધી જલવિદ્યુત યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજનાની ધોધ પર વિપરીત અસર ન થાય તેની તકેદારી રાખવામાં આવેલી છે.

ભારતના આ સૌથી ઊંચા ધોધ નજીક ગેરસપ્પા ગામ હોવાથી તે ગેરસપ્પાના ધોધ તરીકે પણ ઓળખાય છે. જૂના વખતમાં આ ગામથી ધોધ તરફ જવાનો માર્ગ હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

એન્થની વાન ડાઇક

જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧

સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. કિશોરાવસ્થાના અંતમાં તેઓ સ્વતંત્ર ચિત્રકાર તરીકે સફળ થયા હતા. એન્થની વાન ડાઇક ૧૮ ઑક્ટોબર, ૧૬૧૭ના રોજ એન્ટવર્પ ગિલ્ડમાં માસ્ટર બન્યા હતા. તે સમયના અગ્રણી ચિત્રકાર પીટર પોલ રુબેન્સના સ્ટુડિયોમાં તેઓ કામ કરતા હતા, જેમનો એમની ચિત્રકલા પર મોટો પ્રભાવ પડ્યો હતો. ૧૬૨૦ના દાયકાના અંતમાં પ્રખ્યાત સમકાલીન લોકોનાં પૉર્ટ્રેટ ચીતરવાની તેમની કલા ખૂબ જ પ્રશંસા પામેલી આઇકોનોગ્રાફી શ્રેણી તેમણે પૂર્ણ કરી હતી. ૧૬૩૦થી ફ્લેન્ડર્સના હેબ્સબર્ગ ગવર્નર આર્ચડચેસ ઇસાબેલા માટે તેમણે કોર્ટ ચિત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ૧૬૩૨માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પ્રથમની વિનંતીને માન આપીને મુખ્ય દરબારી ચિત્રકાર તરીકે લંડન પાછા ફર્યા હતા. હોબ્લીન સિવાય વાન ડાઇક અને તેમના સમકાલીન ડિએગો વેલાઝક્વેઝ એવા પ્રથમ પંક્તિના ચિત્રકારો હતા જેમણે મુખ્યત્વે કોર્ટ પૉર્ટ્રેટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેનાથી એ શૈલીમાં મોટી ક્રાંતિ આવી હતી. વાન ડાઇક કુલીન વર્ગનાં ચિત્રો માટે જાણીતા છે. ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજી પૉર્ટ્રેટ-પેઇન્ટિંગ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમણે પૌરાણિક, રૂપકાત્મક અને બાઇબલના વિષયો પર પણ ચિત્રો દોર્યાં હતાં. એન્થની વાન ડાઇકનો પ્રભાવ આધુનિક સમયગાળા સુધી વિસ્તરે છે. હાલમાં પ્રચલિત વાન ડાઇક દાઢીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ચાર્લ્સ પ્રથમે તેમને ‘નાઇટહુડ’નો ઇલકાબ આપ્યો હતો.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

આનો શો ઉપયોગ ?

અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેએ વિદ્યુત ચુંબકત્વની ઘટના સમજાવવા માટે અનેક પ્રયોગો કર્યા અને એ રીતે વિજ્ઞાનના વિકાસમાં  મહત્ત્વનું પ્રદાન કર્યું. એમણે જીવનનો પ્રારંભ તો બુકસેલર અને બુકબાઇન્ડર તરીકે કર્યો હતો, પરંતુ એકવીસ વર્ષની વયે એમને હૅમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કાર્ય કરવાની તક મળી. ૧૮૨૧માં ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રારંભિક મૉડલ બનાવ્યું. બે વર્ષ પછી ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. ૧૮૨૫માં એમણે કોલદારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. એ પછી એમણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના આંતરસંબંધો વિશે સંશોધન કર્યું. એક વાર ફૅરડે લોહચુંબકને તારના ગૂંચળા વચ્ચેથી પસાર કરીને ક્ષણિક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તેનો પ્રયોગ દર્શાવતા હતા. સહુએ ખૂબ જિજ્ઞાસાથી આ પ્રયોગ જોયો, પરંતુ એ જોઈને એક સ્ત્રીએ આ વિજ્ઞાનીને સવાલ કર્યો. ‘એ લોહચુંબક ક્ષણાર્ધ માટે વિદ્યુત-પ્રવાહ ઉત્પન્ન કરે છે તેનો શો ઉપયોગ ?’ માઇકલ ફૅરેડેએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો, ‘એમ તો તરત જન્મેલા બાળકનો કશો ઉપયોગ ખરો ? એ શું કરી શકે ? તમને કઈ મદદ કરે ?’ પોતાના આ ઉત્તર દ્વારા ફૅરડેએ એ મહિલાને સૂચવી દીધું કે હજી તો એમની શોધ તદ્દન પ્રારંભિક તબક્કામાં છે, પણ તેઓ એ દર્શાવવા માગે છે કે એના ઉપયોગની ઘણી મોટી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં માઇકલ ફૅરડેએ સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો અને આજે પણ એમની સંશોધનની કેટલીક ઘટનાઓ અને તારણોને ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ