ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ના તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મૂંગે મોંએ એની પાછળ પાછળ ચાલ્યા કરે છે. બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરે ધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી. એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કૅન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર આવી શકતો નથી. પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે.
ગુજરાતી નાટ્યકાર તરીકે જાણીતા ડાહ્યાભાઈ ધોળશાજીની અટક ઝવેરી હતી. તેમનું તખલ્લુસ ‘નવીન’ હતું. તેમનો જન્મ અમદાવાદમાં જૈન ઓસવાળ જ્ઞાતિના એક શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૫માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા, પરંતુ એક વર્ષ બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. ડાહ્યાભાઈ ધોળશાજીનું ગુજરાતી નાટકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. તેમણે ધના દેસાઈ અને ધમલા માળી જેવાં હાસ્યપોષક ખલપાત્રો(comic villains)નું સર્જન કર્યું હતું. નાટકોમાં તેમણે લોકગીતો અને લોકકથાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. રંગમંચ ઉપર સચોટ સંવાદ લખવાની પ્રથા, ગીતોની આકર્ષક તરજો બાંધવાની, યુગલગીતો મૂકવાની તેમજ ‘ટૅબ્લો’ ગોઠવવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. ૧૮૮૯માં કવિ કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટકના અનુવાદથી તેમની સાહિત્યસર્જનની યાત્રા શરૂ થઈ હતી. તેમનાં નાટકોમાં મનુષ્યજીવનનાં સુખો અને દુ:ખો જેવાં સંવેદનોની છાયાઓની સાથોસાથ સદાચાર અને નીતિબોધ પણ વણાયેલા છે. ‘શાકુન્તલ’ બાદ ‘સતી સંયુક્તા, ‘સુભદ્રાહરણ’, ‘ભોજરાજ’, ‘ઉર્વશી અપ્સરા’, ‘વીર વિક્રમાદિત્ય’, ‘રામરાજ્યવિયોગ, ‘સતી પાર્વતી’, ‘ભગતરાજ’, ‘કેશર-કિશોર’, ‘મ્યુનિસિપલ ઇલેક્શન, ‘અશ્રુમતી’, ‘સરદારબા’, ‘ઉમાદેવડી’, ‘તારાસુંદરી’, ‘વીણા-વેલી’, ‘વિજયાવિજય’, ‘ઉદયભાણ’ અને ‘મોહિનીચંદ્ર’ જેવાં ૨૦થી વધુ નાટકો પ્રાપ્ત થાય છે. ‘વિજય-કમળા નાટકનો એક અંક ડાહ્યાભાઈએ અને બીજો અંક છોટાલાલ ઋષભદેવ શર્માએ ડાહ્યાભાઈના અવસાન બાદ ૧૯૦૪માં લખ્યો હતો.
રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે ૨૬° ૫૫´ ઉ. અ. અને ૭૦° ૫૪´ પૂ. રે.. આજુબાજુનો ૩૮,૪૦૧ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે રાજ્યના બિકાનેર, જોધપુર અને બાડમેર જિલ્લા આવેલા છે. જિલ્લામથક જેસલમેર જિલ્લાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો ઘણોખરો વિસ્તાર રણથી છવાયેલો છે. રણવિસ્તાર રેતીવાળો, સૂકો અને પાણીની અછતવાળો છે. જેસલમેરની નજીકમાં અંદાજે ૬૦ કિમી.ની ત્રિજ્યામાં નાની-મોટી ડુંગરધારો તથા અસમતળ ખડકાળ મેદાનો આવેલાં છે. રણપ્રદેશમાં જુદા જુદા આકાર અને કદવાળા સ્થિર તેમજ અસ્થિર રેતીના ઢૂવા જોવા મળે છે. ક્યાંક ક્યાંક જોવા મળતી રેતીની ટેકરીઓ છે, જો ત્યાં થોડો પણ વરસાદ પડે તો તે હરિયાળી બની શકે અને ગોચરોમાં ફેરવાઈ શકે એવી શક્યતા છે. આ ટેકરીઓની ઊંચાઈ ૬૦થી ૧૦૦ મીટરની છે, તે બોરડી અને ખીજડાથી આચ્છાદિત છે. પોખરણની આજુબાજુ ગ્રેવલ-મરડિયાના થર પથરાયેલા છે. ઇંદિરા ગાંધી નહેર આ જિલ્લાના ઉત્તર અને પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે. ખેતીને તેનો લાભ મળે છે. અહીં કોઈ કાયમી નદી કે કુદરતી સરોવર નથી, રુપસી ગામ પાસે ભુજઝીલ નામનું એક તળાવ છે. ચોમાસામાં વરસાદ પડે તો નીચાણવાળા ખાડાઓ પાણીથી ભરાય છે, તેનાં પાણી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાય છે. અહીંની ભૂગર્ભજળસ્તરની સપાટી ૪૦થી ૪૫ મીટર જેટલી ઊંડી છે. ખનિજો : આ જિલ્લામાં મુલતાની માટી, મૃદ, ગેરુ, ચિરોડી, ફોસ્ફોરાઇટ (સુપર ફૉસ્ફેટ ખાતરો માટે) અને ચૂનાખડકો મળે છે. તેલ અને વાયુ પંચ તરફથી તેલખોજ માટે કસોટી શારકામો કરેલાં છે.
જંગલો : જિલ્લાનો માત્ર ૧.૫% જેટલો વિસ્તાર (અંદાજે ૬૦,૦૦૦ હેક્ટર ભૂમિ) જંગલ આચ્છાદિત છે. અહીંની શુષ્ક આબોહવાને કારણે જંગલો આવેલાં નથી, માત્ર જિલ્લાના ઈશાન ભાગમાં ૫૦ ચોકિમી. જેટલા વિસ્તારમાં નાનો પટ્ટો જંગલવાળો છે. અન્ય વનસ્પતિનું આચ્છાદન પણ નહિવત્ છે. અહીં અયનવૃત્તીય કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં બાવળ, ગૂગળ, બડા પીલુ, છોટા પીલુ, રગતરોહિડો, બોરડી, ખીજડા અને થોડા પ્રમાણમાં લીમડા જોવા મળે છે.
જેસલમેરનો કિલ્લો
આબોહવા : અહીંના ઉનાળા-શિયાળાનાં તાપમાન વિષમ રહે છે. વરસાદનું પ્રમાણ તદ્દન ઓછું છે. ઉનાળા-શિયાળાના દિવસ-રાત્રિનાં તાપમાન અનુક્રમે ૪૦ સે. અને ૧૭ સે. તથા ૩૦ સે. અને ૭ સે. જેટલાં રહે છે. ખેતી-પશુપાલન : બાજરો, જુવાર, મગ, મઠ, ચણા અહીંના મુખ્ય પાક છે. થોડા પ્રમાણમાં ઘઉંનું વાવેતર પણ થાય છે. શાકભાજીમાં મૂળા, ડુંગળી, રીંગણ અને કાકડી થાય છે. વરસાદની અછતને કારણે અહીં ખાતરોનો ઉપયોગ થઈ શકતો નથી. ૧૯૬૦ પછી અહીં નળ-કૂવા (ટ્યૂબ-વેલ) બનાવ્યા છે, તેથી તે વિસ્તારોમાં ખાતરો ઉપયોગમાં લેવાતાં થયાં છે. ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ઉદ્યોગોની દૃષ્ટિએ પછાત છે, કુદરતી પરિસ્થિતિ અનુકૂળ નથી. માત્ર ગૃહઉદ્યોગ-કુટિર-ઉદ્યોગ વિકસ્યા છે. બરછટ સુતરાઉ કાપડ, ઊની શાલ, ઊની ધાબળા, ઊંટના વાળની ચટાઈઓ-ગાલીચા, બકરીના વાળની બૅગ વગેરે તૈયાર કરવામાં આવે છે. ગૃહઉદ્યોગો માટે રાજ્ય સરકાર તરફથી ધિરાણ મળી રહે છે. પરિવહન-
પ્રવાસન : આ જિલ્લો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જેસલમેર જોધપુર સાથે સંકળાયેલું રહે છે. જોધપુર ખાતે હવાઈ મથકની સુવિધા હોવાથી જેસલમેર મુંબઈ, દિલ્હી, જયપુર, ઉદયપુર અને અમદાવાદ જઈ શકાય છે. એ જ રીતે જેસલમેર, જોધપુર, બિકાનેર, જયપુર, ઉદયપુર, દિલ્હી સાથે રાજ્ય ધોરી માર્ગોથી જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૫ પસાર થાય છે. વસ્તી-લોકો : ૨૦૨૪ મુજબ જેસલમેરની વસ્તી ૮,૫૧,૦૦૦ (આશરે) જેટલી છે. જેસલમેર અને પોખરણ અહીંનાં મુખ્ય શહેરો છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેસલમેર, પૃ. ૯૧૩)