Categories
વાચન સમૃદ્ધિ

વૈકુંઠભાઈ મહેતા

જ. ૨૬ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૨૮ ઑક્ટોબર, ૧૯૬૪

ભારતમાં સહકારી પ્રવૃત્તિના પ્રણેતા વૈકુંઠભાઈનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ અને માતા સત્યવતીબહેન (શ્રી ભોળાનાથ સારાભાઈનાં પૌત્રી). ૧૯૦૭માં મુંબઈમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૦માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ગણિતના વિષય સાથે બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ આવવા બદલ તેમને ‘એલિસ પ્રાઇઝ’ મળ્યું હતું. આ ઉપરાંત તેમને અનેક સ્કૉલરશિપ તથા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. તેમણે ૧૯૧૩થી ૧૯૪૬ સુધી બૉમ્બે સેન્ટ્રલ બૅન્કમાં મૅનેજર અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી. બૉમ્બે સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયનના ચૅરમૅન તરીકે ૧૯૫૩થી ૧૯૬૦ સુધી કાર્યરત હતા. ૧૯૪૬થી ૧૯૫૨ દરમિયાન મુંબઈ સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી  શ્રી બી. જી. ખેરે તેમને નાણાપ્રધાન અને સહકારમંત્રી બનાવ્યા. તેમણે પહેલી વાર વેચાણવેરો દાખલ કર્યો. તેમણે કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી કરતા ફાઇનાન્સ કમિશનની મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૩માં ભારત સરકારે સ્થાપેલા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના તેઓ અધ્યક્ષપદે નિમાયેલા.

વૈકુંઠભાઈએ અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. દેશમાં બેરોજગારી નાબૂદી માટે, દલિતો અને દરિદ્રનારાયણોની સેવા તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતા. તેમણે લખેલા કેટલાક ગ્રંથોમાં ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ ઇન ન્યૂ ઇન્ડિયા’, ‘સ્ટડીઝ ઇન કો-ઑપરેટિવ ફાઇનાન્સ’, ‘પ્લાનિંગ ફોર કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘કો-ઑપરેટિવ ફાર્મિંગ’, ‘ટોવર્ડ્ઝ કો-ઑપરેટિવ કોમનવેલ્થ : ઍગ્રિકલ્ચરલ  ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’, ‘ટોવર્ડ્ઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇકૉનૉમી’ (ખાદી કમિશન) વગેરે મહત્ત્વના છે.

સહકારી ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપનાર વૈકુંઠભાઈને ગાંધીજી માટે ખૂબ પ્રેમ અને માન હતું. જોકે તેઓ કૉંગ્રેસમાં કદી જોડાયા નહીં. તેઓ તેમની કાર્યનિષ્ઠા, સાદગી, નમ્રતા તથા ત્યાગવૃત્તિ માટે જાણીતા હતા. હાડકાંના માળા જેવું શરીર ધરાવતા વૈકુંઠભાઈ દૃઢ મનોબળ ધરાવતા હતા.

તેમની સેવાઓની કદર રૂપે ભારત સરકારે ૧૯૫૪માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માન્યા હતા. ૧૯૧૬માં બ્રિટિશ સરકારે વૈકુંઠભાઈને ‘કૈસરે હિન્દ’ રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક અર્પણ કર્યા હતા, પરંતુ વિદેશી સરકારની દમનનીતિના વિરોધમાં તેમણે આ બંને ચંદ્રક બ્રિટિશ સરકારને પરત કર્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જરદાલુ

દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, ૧૦ મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં – ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ ૩૦૦૦ મી.ની ઊંચાઈ સુધી તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયેલું છે. પર્ણો સાદાં, અંડાકારથી માંડી ગોળ-અંડાકાર કે કેટલીક વાર ઉપ-હૃદયાકાર (sub-cordate) અને ૫–૯ સેમી. જેટલાં લાંબાં તથા ૪–૫ સેમી. પહોળાં, ઘટ્ટ ચળકતાં લીલાં હોય છે. પુષ્પો ગુલાબી, સફેદ અને એકાકી હોય છે. માર્ચ-એપ્રિલમાં પર્ણો કરતાં પુષ્પો વહેલાં દેખાય છે. ફળ પાંચ સેમી. જેટલા વ્યાસવાળું ગોળાકાર, કાચું હોય ત્યારે રોમિલ અને પાકે ત્યારે લગભગ અરોમિલ (glabrous). તેની છાલ પીળાશ સાથે લાલાશ પડતા મિશ્ર રંગવાળી હોય છે. ગર પીળો કે પીળાશ પડતો નારંગી રંગનો અને મીઠો તથા ચપટા કઠણ ઠળિયામુક્ત હોય છે. ઠળિયો સુંવાળી સપાટીવાળો અને એક ધારવાળો હોય છે. મીંજ કેટલીક જાતમાં મીઠી તો અન્ય જાતમાં કડવી હોય છે.

જરદાલુની પુષ્પ, ફળ સહિતની શાખા

વિતરણ : જરદાલુ ચીન અને મધ્ય એશિયાઈ પ્રદેશની મૂલનિવાસી વનસ્પતિ છે; જ્યાંથી તેનો ભારત, ઈરાન, ઇજિપ્ત અને ગ્રીસમાં આર્મેનિયા થઈને પ્રસાર થયો છે. ભારતમાં અમેરિકા અને યુરોપની કેટલીક જાતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જરદાલુનું દક્ષિણ ભારતમાં સફળ વાવેતર થઈ શક્યું નથી. દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં જરદાલુનું વાવેતર થાય છે. તે હિમસંવેદી હોવાથી હૂંફાળા સમશીતોષ્ણ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જરદાલુનું વ્યાપારિક ઉત્પાદન કરતા દેશોમાં ઉત્તર અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, મોરોક્કો, તુર્કી, ઈરાન, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં ફળો સૂકી, હિમશીતિત (frozen), ડબ્બાબંધ (canned) કે ગર-સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.

જાતો : જરદાલુની ઘણી જાતો છે. તે પૈકી મહત્ત્વની જાતોમાં કાળું કે જાંબલી જરદાલુ (Prunus dasycarpa syn. P. armeniaca var. dasycarpa), રશિયન કે સાઇબેરિયન જરદાલુ (P. sibirica), જાપાની જરદાલુ (P. mume) અને મંચુરિયન જરદાલુ(P. mandschurica)નો સમાવેશ થાય છે. આ બધી જાતોનાં ફળો P. armeniaca  કરતાં નાનાં અને હલકી કક્ષાનાં હોય છે. કાળી કે જાંબલી જાતનાં કાષ્ઠ અને કલિકા સખત હોય છે. સાઇબેરિયન અને મંચુરિયન જાત આમૅનિયેકા કરતાં વધારે ઠંડી સહન કરી શકે છે. મંચુરિયન જાત ૪૫ સે. તાપમાન સહી શકે છે. જાપાની જાત તેના ફળ ઉપરાંત શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

વાવણી : ઉનાળામાં મધ્યમસરનું તાપમાન ધરાવતા વિસ્તારોમાં ૮૫૦-૧૭૦૦ મી.ની ઊંચાઈએ જરદાલુ સારી રીતે થાય છે. જરદાલુને છિદ્રાળુ, હલકી છતાં ફળદ્રૂપ, સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. જંગલી જરદાલુ, આડૂ કે સતાલુ (Peach) (Prunus persica) કે માયરોબેલન પ્લમ(P.carasibera)ના મૂલકાંડ (rootstocks) પર ‘T’ કે ઢાલ (Shield) કલિકારોપણ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે. પાનખર કે વસંતઋતુની શરૂઆતમાં તૈયાર થયેલી કલમોને ૬–૮મી.ના અંતરે વાવવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જરદાલુ, પૃ. ૫૮૦)

સુરેન્દ્ર દવે, બળદેવભાઈ પટેલ

Categories
વાચન સમૃદ્ધિ

દારાશા નોશેરવાન વાડિયા

જ. ૨૫ ઑક્ટોબર, ૧૮૮૩ અ. ૧૫ જૂન, ૧૯૬૯

ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. પ્રારંભિક શિક્ષણ સૂરતમાં લીધા બાદ ગુજરાતની એક ખાનગી શાળા અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. ૧૯૦૩માં બી.એસસી. અને ૧૯૦૬માં એમ.એસસી. થયા. દિલ્હી યુનિવર્સિટીએ ૧૯૪૭માં અને અલીગઢ યુનિવર્સિટીએ ૧૯૬૭માં ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી આપી હતી.

૧૯૦૬માં તેમની નિયુક્તિ જમ્મુની ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કરવામાં આવી, જ્યાં તેમણે ૧૯૨૦ સુધી ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આ દરમિયાન તેઓ જિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સભ્ય બન્યા અને ૧૯૨૧થી ૧૯૨૮ સુધી તેઓ તેના વૈજ્ઞાનિક અધિકારી બન્યા. ૧૯૨૮થી ૧૯૩૫ સુધી તેમણે જીવાવશેષ વિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ૧૯૩૫માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો બન્યા. ૧૯૪૨-૪૩માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા અને ૧૯૫૭માં રૉયલ સોસાયટી ઑફ જિયૉલૉજીના ફેલો તરીકે ચૂંટાયા. ૧૯૫૧-૫૨ દરમિયાન ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટી અને રૉયલ  એશિયાટિક સોસાયટીના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. ૧૯૬૦માં ‘ઇન્ડિયન નૅશનલ કમિટી ફોર ઓશનિક રિસર્ચ’ના ચૅરમૅન તરીકેની જવાબદારી પણ નિભાવી. તેમણે ભૂસ્તરશાસ્ત્ર વિષયનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમણે ૧૯૧૯માં ‘જિયૉલૉજી ઑવ્ ઇન્ડિયા’, ૧૯૨૯-૩૪માં ‘જિયૉલૉજી ઑવ્ કાશ્મીર ઍન્ડ નૉર્થવેસ્ટ પંજાબ’ તથા ૧૯૩૨માં ‘સિન્ટેક્સિસ ઑવ્ ધ નૉર્થવેસ્ટર્ન હિમાલયાઝ’ પુસ્તકો લખ્યાં છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’ના અભ્યાસમાં તેમના પ્રદાન રૂપે ૧૯૭૬થી તેને ‘વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’નું નામ આપવામાં આવ્યું. આ ઉપરાંત તેમને આપવામાં આવેલા  સન્માનમાં ૧૯૩૪માં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટી ઍવૉર્ડ, ૧૯૪૩માં લંડન જિયૉલૉજિકલ સોસાયટીનો લાયલ ચંદ્રક, ૧૯૪૪માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ ઍડવાન્સમેન્ટ ઑફ સાયન્સનો જયકિસાન ચંદ્રક, ૧૯૫૦માં નૅશનલ જિયૉગ્રાફિકલ સોસાયટીનો નહેરુ ચંદ્રક, ૧૯૫૮માં ‘પદ્મભૂષણ’, ૧૯૬૪માં મેઘનાદ સહા સુવર્ણચંદ્રક, કૉલકાતાની એશિયાટિક સોસાયટીનો ખેતાન સુવર્ણચંદ્રક તથા કૉલકાતા યુનિવર્સિટીનો સર્વાધિકારી સુવર્ણચંદ્રકની લાંબી હારમાળા છે.

રાજશ્રી મહાદેવિયા